હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની ચોમાસા પર કેવી અસર રહેશે તેને લઈને આગાહી કરી છે. રાજ્યમાં વાવાઝોડા બાદ ચોમાસાને લઈને અનેક આશંકા સેવાઈ રહી છે કે હવે ચોમાસુ લંબાશે, મોડુ આવશે, વાવાઝોડાની ચોમાસા પર વિપરીત અસર થશે. આ દરેક સંભાવના પર અંબાલાલ પટેલે શું કહ્યુ વાંચો અહીં.
વાવાઝોડુ બિપરજોય ગુજરાત પર ટકરાયુ અને અનેક જિલ્લામાં તબાહીના વિનાશના, ખાનાખરાબીના દૃશ્યો આપણને જોવા મળ્યા, જેમા અનેક વૃક્ષો ધરાશાયી થયા. અનેક મકાનોના છાપર ઉડ્યા, અનેક શેડને નુકસાન પહોંચ્યુ તો ક્યાંય આખેઆખી પવનચક્કી ઉડી જવાના દૃશ્યો પણ જોવા મળ્યા. જો કે રાજ્ય સરકારના આગોતરા આયોજન અને તૈયારીઓને પગલે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડા બાદ ચોમાસાને લઈને ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે.
વાવાઝોડાને કારણે ચોમાસા પર અસર થશે કે નહીં. ચોમાસુ લંબાશે કે મોડુ બેસશે એ પ્રકારની પહેલા હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરાઈ હતી. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે આ વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર નહીં થાય. ગુજરાતમાં ચોમાસુ 17થી 20 જૂન બેસી જશે અને વરસાદની શરૂઆત થઈ જશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 21 જૂનથી વિધિવત રીતે ચોમાસુ બેસી જશે.
વાવાઝોડાનો વરસાદ કૃષિપાક માટે સારો નથી- અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે હાલ વાવાઝોડા દરમિયાન જે વરસાદ વરસી રહ્યો છે તે કૃષિપાકો માટે સારો નથી. આગલા નક્ષત્રમાં વાવણી કરવા અંબાલાલ પટેલે આગ્રહ કર્યો છે. આ તરફ હવામાન વિભાગનું પણ એવુ જ કહેવુ છે કે આ વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર થશે નહીં. હાલ બિપરજોય વાવાઝોડાની તીવ્રતા ઘટી છે. અગાઉ વાવાઝોડાની અસરને કારણે જ કેરલમાં ચોમાસુ મોડુ પહોંચ્યુ છે. સામાન્ય રીતે 1 જૂનથી કેરલમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે જે આ વર્ષે વાવાઝોડાને 8 જુન બાદ ચોમાસુ સક્રિય થયુ છે. ગુજરાતમાં પણ વાવાઝોડાની ચોમાસા પર અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી જો કે હવામાન વિભાગે ગઈકાલે જ સ્પષ્ટતા કરી કે ચોમાસાની જે સિસ્ટમ છે તે આખી વાવાઝોડાની સિસ્ટમથી અલગ થઈ ગઈ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસાને કોઈ અસર થશે નહીં.