હવામાન વિભાગે ચોમાસા અંગે આગાહી કરતાં જણાવ્યું છે, હાલ ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ સુધી પહોંચી ગયું છે. ચોમાસુ એકવાર કેરળ પહોંચી જાય પછી જ સ્પષ્ટપણે કહી શકાય કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનો પ્રારંભ ક્યારે થશે. સામાન્ય રીતે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ થઈને કેરળ પહોંચતું હોય છે અને ત્યાંથી મુંબઈ તરફ જતું હોય છે. મુંબઈ પહોંચ્યાના એક અઠવાડિયામાં ચોમાસુ ગુજરાત પહોંચી જતું હોય છે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ કાંઈ પણ સ્પષ્ટપણે કહી શકાય નહિ કે ચોમાસુ ગુજરાતમાં ક્યારે બેસશે પણ હાલના વાતાવરણ અને સમુદ્રમાં જોવા મળતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને જોતાં એમ કહી શકાય કે ૨૦ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે અને ધમધોકાર વરસાદ પડી શકે છે. હાલમાં અને ૨૦ જૂન સુધીમાં રાજ્યમાં લોકલ કનેક્ટિવિટીને કારણે કેટલાંક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર અને ગુજરાતનાં ઉત્તર ભાગમાં વરસાદી છાંટા પડ્યાં હતાં. હજુ પણ અહીં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે હજુ પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ક્યાંક ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે અને દરિયાકિનારાના વિસ્તારોમાં તથા રાજ્યના ઉત્તર ભાગમાં ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અરબી સમુદ્ર તરફથી પવનો પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને આવી રહ્યાં છે, જેને કારણે લોકોને અસહ્ય બફારા અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે અમદાવાદની હવામાં ૧૩૪% જેટલો ભેજ નોંધાયો હતો. સામાન્ય રીતે સુર્યોદય પહેલાં અને સુર્યાસ્ત પછી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પાંચ દિવસમાં રાજ્યના વાતાવરણમાં કોઈ મોટા ફેરફારો નોંધાશે નહીં. પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન એક થી બે ડીગ્રી જેટલું વધી શકે છે.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
હવામાન વિભાગના આજના તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો આજે અમદાવાદનું તાપમાન ૨૮ ડીગ્રી થી વધીને ૩૮ ડીગ્રી સુધી વધી શકે છે. જો અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આજે તાપમાનનો પારો ૪૧ ડીગ્રી સુધી ચઢી જશે. જ્યારે આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં ૪૦ ડીગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. આજે બોટાદ જિલ્લો પણ ૪૧ ડીગ્રી તાપમાન સાથે તપી શકે છે.
આજે જૂનાગઢ, ભરૂચ, કચ્છ, નર્મદા, સુરત અને સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી જેટલું રહેશે જ્યારે વલસાડ, સાબરકાંઠા, પંચમહાલ, મોરબી, મહિસાગર અને છોટાઉદેપુરમાં ૩૮ ડીગ્રી જેટલું તાપામાન રહેવાની સંભાવના છે. આજે દેવભુમિ દ્વારકા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું તાપમાન રહેશે.
આજે તાપી, નવસારી, જામનગર, ડાંગ, અને બનાસકાંઠામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહી શકે છે, જ્યારે ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ૩૪ ડીગ્રી જેટલું ઓછું તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યનાં કેટલાંક ભાગોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડી શકે છે.