હજુ ચાર દિવસ આકરી ગરમી પડશે, બફારો અને ઉકળાટ વધશે

હજુ ચાર દિવસ આકરી ગરમી પડશે, બફારો અને ઉકળાટ વધશે

ચોમસાની આગાહી વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ ત્રણ દિવસ ગરમીમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે એમ નથી. હજુ ત્રણ દિવસ રાજ્યમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. રાજ્યનું સરેરાશ તાપમાન ૪૦ ડીગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં હજુ પણ સુર્યદેવનો પ્રકોપ યથાવત રહેવાનો હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકો કામ વગર ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. ગઈ કાલે અમદાવાદ ૪૨.૮ ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું અને અમદાવાદની જનતાને આકરા ઊનાળાનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ રાજ્યમાં ત્રણ દિવસ ગરમી પડવાની છે અને તાપમાનમાં ઘટાડાની શક્યતા નહિવત છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હજુ પણ વરસાદ થવાની કોઈ શક્યતા નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં વાદળો બંધાઈ રહ્યાં છે પણ તે વરસાદ લાવવા સક્ષમ નથી. અરબ સાગર તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે જે પોતાની સાથે ભેજ લઈને આવી રહ્યો છે એટલે રાજ્યમાં દિવસે ને દિવસે બફારા અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને લોકો આ અતિશય બફારાના લીધે ત્રાહીમામ પોકારી રહ્યાં છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસની આકરી ગરમી બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે જે માત્ર ૧ થી ૨ ડીગ્રી જેટલો હોઈ શકે. તારીખ ૨૪ મે પછી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે એમ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. હાલમાં કચ્છના રણમાં ચક્રવાત સર્જાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. ગાંધીનગર, રાજકોટ, અમરેલી, કંડલા, ભુજ અને વલ્લભ વિદ્યાનગરમાં આગામી પાંચ દિવસ સુધી ભેજનું પ્રમાણ સવિશેષ રહેશે જેથી ત્યાં બફારો અને ઉકળાટ વધશે.

જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર

હવામાન વિભાગના તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહેશે અને ન્યુનતમ તાપમાન ૨૮ ડીગ્રી રહેશે. આ સિવાય અમરેલી જિલ્લાની વાત કરીએ તો અહીંયા પણ દિવસનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બંને જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ આજે ૪૨% જેટલું રહેશે. આણંદ જિલ્લાનું મહત્તમ તાપમાન આજે ૪૧ ડીગ્રી જેટલું રહેશે.

અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાનું મહત્તમ તાપમાન આજે ૪૦ ડીગ્રી રહેશે જ્યારે ઓછામાં ઓછું તાપમાન ૨૬ ડીગ્રી રહેશે. ભરૂચ જિલ્લાનું આજનું તાપમાન ૩૮ ડીગ્રી રહેશે અને ભાવનગર જિલ્લાનું આજનું તાપમાન ૪૨ ડીગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે જુનાગઢનું ૩૯ ડીગ્રી અને કચ્ચ જિલ્લાનું ૩૭ ડીગ્રી તાપમાન રહેશે. આ બંને જિલ્લામાં લઘુતમ તાપમાન ૨૭ ડીગ્રી રહેશે. આજે મહિસાગરમાં ૩૬ ડીગ્રી અને ખેડા જિલ્લામાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે.

આજે બોટાદ, ગાંધીનગર, રાજકોટ અને વલસાડ જિલ્લાનું તાપમાન ૪૨ ડીગ્રી જેટલું રહેશે, જ્યારે છોટાઉદેપુર, મોરબી અને નવસારીનું તાપમાન ૪૧ ડીગ્રી જેટલું નોંધાઈ શકે છે. આજે ડાંગ, મહેસાણા અને તાપી જિલ્લામાં ૩૮ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે પચમહાલ, પોરબંદર અને સુરતનું મહત્તમ તાપમાન ૪૩ ડીગ્રી જેટલું વધી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર અને વડોદરામાં ગરમીનો પારો ૪૪ ડીગ્રી જેટલો ઊંચે ચઢી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *