‘તાઉતે’ વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી એની ‘આફત’ આવે એવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિમી દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવાઝોડામાં 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9-10 જૂને અસર દેખાવાની શક્યતા ડિઝાસ્ટર વિભાગે વ્યક્ત કરી છે. ડિઝાસ્ટર વિભાગે કામરેજમાં SDRFની એક ટીમ સ્ટેન્ડ બાય કરી દીધી છે. તેમજ દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત ફરવાની સૂચના આપી દેવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાને લઈને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરતના 42 ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ જરૂર પડ્યે આ 42 ગામના લોકોને સ્થળાંતરિત કરવા સુધીની તૈયારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરી દેવાઇ છે.
હાલ પોરબંદરથી આ સિસ્ટમ 1110 કિમી દૂર
બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાચીથી 1410 કિમી દક્ષિણ કેન્દ્રિત છે. આજે બપોર બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર વાવાઝોડામાં પરિણમે તેવી પૂરી શક્યતા છે.
કંડલા પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લાગ્યું.
સંભવિત વાવાઝોડાની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાઇક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વાવાઝોડાને લઈ સુરતનું ડિઝાસ્ટર તંત્ર એલર્ટ
વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી લઈ તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર 9 અને 10 તારીખે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઈ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
કંટ્રોલરૂમમાં વાવાઝોડાની તમામ અપડેટ લેવામાં આવશે.
24 કલાક કાર્યરત અલાયદો કંટ્રોલરૂમ તૈયાર કરાયો
વાવાઝોડાની શક્યતાને લઈ ઇન્ચાર્જ કલેક્ટર બી.કે. વસાવાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની શક્યતાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાઇ છે. તંત્ર દ્વારા વિશેષ 24 કલાક કાર્યરત અલાયદો કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. તેના માધ્યમથી વાવાઝોડાની તમામ અપડેટ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાઈકાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકાના 42 ગામોને અસર થવાની શક્યતા છે. જેને લઈ આ તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે અને જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે
સ્થળાંતરની વ્યવસ્થા કરાઈ છે
દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે તેવા 42 ગામો પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા જો આ ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉપરાંત કામરેજ ખાતે એક SDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમ છતાં વધુ તેમની જરૂર પડશે તો NDRFની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
બી.કે. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તેમને ઝડપથી પરત બોલાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. 9 અને 10 તારીખે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હાલ જોવા મળી રહી છે.
કોઈએ અફવાઓમાં આવવુ નહીં
તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈ તંત્ર તમામ રીતે એલર્ટ પર છે. ત્યારે લોકોએ કોઈ પણ પ્રકારની અફવાઓમાં ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સમયાંતરે સમાચાર માધ્યમો અને સરકારની સૂચનાઓ પર ધ્યાન આપવામા આવે અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓથી સચેત રહેવા લોકોને અપીલ કરી છે.
એક સપ્તાહ સુધી કચ્છવાસીઓને બફારામાંથી મુક્તિ નહીં મળે
આગામી એકાદ સપ્તાહ સુધી કચ્છવાસીઓને બફારા-ઉકળાટમાંથી મુક્તિ મળશે નહીં તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. પવનની ઝડપ વધવા સાથે ગઈકાલે મહત્તમ પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હોવા છતાં બપોરના સમયે તો જિલ્લામાં તાપની અનુભૂતિએ લોકોને અકળાવ્યા હતા. દિવસે તો ઠીક રાત્રે પણ પરસેવે રેબઝેબ કરી મૂકે તેવા બફારાએ જનજીવનને ત્રાહિમામ્ પોકારવા માટે મજબૂર કરી દીધું છે.