મોચા અને બિપોરજોય વાવાઝોડાએ ચોમાસાની ગતિવિધિઓને ગૂંચવી નાંખી હતી. કારણ કે, ચોમાસું 11 જૂનથી મહારાષ્ટ્રના છેડે અટવાયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. કેરળમાં ચોમાસું મોડું હતું અને ગુજરાતમાં પણ મોડું ચોમાસું (Gujarat Weather) આવી રહ્યું છે. ચોમાસના ગતિવિધિઓ પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હજુ ચોમાસાની રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે. પરંતુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, તેની રાહ જોઈએ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ચોમાસું પૂર્વ ભારતના રાજ્યોમાં આગળ વધ્યું છે. મહારાષ્ટ્રમાં વિદર્ભના કેટલાક ભાગોમાં ચોમાસું બેસી ગયું છે. કર્ણાટકામાં ચોમાસું આગળ વધ્યું છે. તેલંગણાનો 50 ટકા જેટલો ભાગ ચોમાસાએ કવર કરી લીધો છે. આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર તરફ ગતિ કરશે. આ તરફ બંગાળની ખાડીમાં એક સર્કયુલેશન સક્રિય થઇ રહ્યું છે. તે ચોમાસા માટે સાનુકુળ સ્થિતિ સર્જી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે આગામી 4 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં 25થી 30 જૂનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદ થવાનું કારણ છે કે, બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે બંગાળની ખાડી જ હવે ખેડૂતોનો બેડોપાર કરાવશે એવું લાગી રહ્યું છે.
બીજી બાજુ, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ગુજરાતના ચોમાસા અંગે પણ વાત કરી હતી. ડૉ. મનોરમા મોહંતીએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ સાથે ચોમાસાની સિસ્ટમ ક્યાં પહોંચી તેના વિશે માહિતી આપી હતી. વરસાદની શક્યતાઓ સાથે ગરમીમાં પણ ઘટાડાની આગાહી કરાઈ છે. આજે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી તથા ઉત્તર ગુજરાતના દાહોદ અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.