ગુજરાત રાજ્ય એકવાર ફરીથી મોટું ઈન્વેસ્ટમેન્ટ પોતાના રાજ્યમાં લાવવામાં સફળ થયું છે. દુનિયામાં સ્ટીલમાં સૌથી વધુ ઉત્પાદન કરનારું ગ્રૂપ આર્સેલર મિત્તલે ગુજરાતમાં ભારે ભરકમ ઈન્વેસ્ટમેન્ટ ની જાહેરાત કરી છે. આર્સેલર મિત્તલ સુરત શહેરની નજીક હજીરામાં સ્ટીલના ઉત્પાદનના પ્રોજેક્ટમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યાં છે. આર્સેલર મિત્તલ તરફથી ગુજરાતમાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવનાર છે.
આર્સેલર મિત્તલ ગ્રૂપના અધ્યક્ષ અને અરબોપતિ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને આર્સેલ મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સીઈઓ દિલીપ ઓમેને શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સાથે મુલાકાત કરી હતી. તેના બાદ આર્સેલર મિત્તલ તરફથી ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે.
50-50 હજાર કરોડના 2 પ્રોજેક્ટમાં 1 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ
આ ઈન્વેસ્ટમેન્ટ વિશે વાત કરીએ તો, હજીરામાં સ્ટીલ પ્લાન્ટના વિસ્તાર માટે આર્સેલર મિત્તલ તરફથી 50 હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. લક્ષ્મી નિવાસ મિત્તલે મીટિંગ બાદ આ માહિતી આપી. આર્સેલ મિત્તલ અને નિપ્પોન સ્ટીલે 2019 માં એસ્સાર કંપનીથી આ પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધો હતો. એસ્સાર કંપનીના દિવાળીયા થયા બાદ આ પ્રોજેક્ટ વેચી દેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મિત્તલ ગ્રૂપ તરફથી ગુજરાતમાં વધુ 50 હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવનાર છે. સૌર ઉર્જા પ્રકલ્પ, પવન ઉર્જા અને હાઈડ્રોજન ગેસના ક્ષેત્રમાં મિત્તલ ગ્રૂપ 50 હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યું છે. આ જાહેરાત બાદ દરેક શક્ય સહાયતા કરવામાં આવશે તેવુ આશ્વાસન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિત્તલ ગ્રૂપને આપ્યું હતું.