GPSC એ કરી ૩૦૦થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

GPSCની પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. GPSC એ ચાલુ વર્ષે આવનારા ચાર મહિનામાં ૩૦૦થી વધુ સેલ્સ ટેક્સ ઈન્સ્પેક્ટર, ક્લાસ-૩ (STI)ની ભરતીની જાહેરાત કરી છે. સેલ્સ ટેક્સ ઈન્સ્પેક્ટરએ અપર ક્લાસ-૩ ની કેટેગરીમાં આવતી ઉચ્ચ પગારધોરણની સરકારી નોકરી છે, જેના માટે ઘણાં વિદ્યાર્થીઓ ઘણાં લાંબા સમયથી તૈયારી કરી રહ્યાં છે. સામાન્ય રીતે GPSC દ્વારા આવી પોસ્ટ માટે માત્ર ૧૦૦ જેટલી જ જગ્યાઓ બહાર પાડવામાં આવે છે, પણ આ વર્ષે ત્રણ ગણી એટલે કે ૩૦૦ જગ્યાઓ માટેની જાહેરાતને જોઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
જૂન મહિના પછી પરીક્ષાઓનો માહોલ બરાબરનો જામવાનો છે. એક તરફ હાઈકોર્ટ આસિસ્ટન્ટની ૧૭૭૮, અને પટાવાળાની ભરતી ૧૪૯૯, વડોદરા મ્યુનિસિપલ ક્લાર્કની ૫૫૨ અને ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની ૫૦૦૦ કરતાં પણ વધુની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાતો થઈ ચૂકી છે. એવામાં GPSC દ્વારા સેલ્સ ટેક્સ ઈન્સ્પેક્ટર, ક્લાસ-૩ (STI)ની ૩૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાતને કારણે લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલાં યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક સામે આવી છે.
શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ
સેલ્સ ટેક્સ ઈન્સ્પેક્ટર, ક્લાસ-૩ (STI)ની ૩૦૦ જગ્યાઓ માટે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલ કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. આ પોસ્ટ અપર ક્લાસ-૩માં ગણાશે જેનું પગારધોરણ રૂપિયા ૩૯,૬૦૦/- થી ૧,૨૬,૬૦૦ હશે.
કેવી હશે પરીક્ષા પદ્ધતિ
પરીક્ષા બે તબક્કાઓમાં લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં MCQ Type પ્રાથમિક પરીક્ષા લેવાશે, જે કુલ ૨૦૦ માર્ક્સની હશે. પ્રથમ તબક્કામાં પાસ થયેલા ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
બીજા તબક્કામાં વર્ણાત્મક પ્રકારની પરીક્ષા હશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ-૧ અને સામાન્યુ અભ્યાસ-૨ એમ કુલ ચાર વિષયના ૪૦૦ માર્ક્સની પરીક્ષા લેવાશે. બીજા તબક્કામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને સેલ્સ ટેક્સ ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે નિમણુક આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરશો
જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ દરેક ઉમેદવારે https://www.gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.