ગીર-સોમનાથ: મોબાઈલ ગેમ બની મોતનું કારણ! ટાસ્ક પૂરો કરવા સગીરે સ્ત્રી વેશ ધારણ કરી ફાંસો ખાધો

મોબાઈલ અને ઈન્ટરનેટની ટેક્નોલૉજીએ આપણા અનેક કામ સરળ બનાવી દીધા. ખાસ કરીને કોરોના કાળમાં ઓનલાઈન માધ્યમથી જ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. જો કે આ ટેક્નોલૉજીના કેટલાક ગંભીર પરિણામો પણ છે. કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસના કારણે બાળકો મોબાઈલ વાપરતા થઈ ગયા છે. જેના કારણે બાળકોને અભ્યાસની સાથે ઓનલાઈન ગેમનું વળગણ પણ સતત વધતુ જઈ રહ્યું છે. ઓનલાઈન ગેમ પાછળ કુમળી વયના બાળકો એટલી હદે પાગલ થઈ જાય છે કે, તેઓ આ માટે કંઈ પણ કરી છૂટવાથી અચકાતા નથી. આવો જ એક કિસ્સો ગીર-સોમનાથના ઉનામાંથી સામે આવ્યો છે. જેમાં એક સગીરે મોબાઈલ ગેમના રવાડે ચડીને મોતને વહાલું કરી નાંખ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સાજણનગરમાં રહેલા 16 વર્ષના સગીરે મોબાઈલ ગેમના રવાડે ચડીને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે. મૃતક સગીરે પોતાના ઘરના રૂમમાં સ્ત્રી વેશ ધારણ કરીને ગળે ફાંસો ખાઈ લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.
તરૂણ નામનો આ સગીર ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને ભણવામાં હોશિયાર હતો. પરિવારજનોને આશંકા છે કે, તરૂણે મોબાઈલ ગેમના લેવલને અનુસરીને લેડીઝ પહેરવેશ પહેરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જો કે સગીરના મોતનું સાચુ કારણ તો પોલીસની ઊંડી તપાસ બાદ જ સામે આવશે.
જણાવી દઈએ કે, રમત રમવી સ્વાસ્થ્ય માટે સારી વાત છે, પરંતુ આજના આધુનિક યુગમાં રમતના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. મોટાભાગે ઓનલાઈન મોબાઈલ ગેમ બાળકો પર હાવી થઈ ગઈ છે. જે કુમળીવયના બાળકોને માનસિક રીતે નબળા બનાવી છે. એવામાં જો માતા-પિતા સમયસર નહીં જાગે, તો તેઓને પોતાના બાળકને ગુમાવવાનો વારો આવી શકે છે.