આપણે પર્યાવરણમાં હંમેશાં એક વાત ભણ્યા અને સમજ્યા છીએ કે ઘરમાં વૃક્ષો વાવવાથી હરિયાળી થાય છે, અને તેના દ્વારા મળતા સ્વસ્થ ઓક્સિજનથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. વૃક્ષો વાવવાના પર્યાવરણની દ્રષ્ટિએ આપણે અનેક ફાયદા જોયા છે, સમજ્યા છે. ધરતીને વરસાદ માટે વૃક્ષોની ખાસ જરૂર છે. પણ આપણે અહીં વૃક્ષ-શાસ્ત્ર વિશે વાત કરવાની છે.
વૃક્ષોનું મહત્વ જેટલું પર્યાવરણમાં છે તેટલું જ આધ્યાત્મની દ્રષ્ટિએ પણ છે. વૃક્ષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે કે અમુક પ્રકારના વૃક્ષને ઘરમાં વાવતાં તમારા ઘરમાં સુખ, શાંતિ તો આવે જ છે, સાથે સાથે પ્રગતિ પણ આવે છે અને તમે કોઇ મુશ્કેલીમાં ફસાયા હોય તો તેનો પણ ઉપાય ખૂબ ઝડપી મળી જાય છે. આજે આપણે એવાં વૃક્ષોની વાત કરવાની છે જેને ઘરમાં ઊગાડતાં તમને જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ બંનની પ્રાપ્તિ થાય છે.
સફેદ આકડો
જેને આપણે શ્વેતાર્ક કે ક્રાઉન ફ્લાવર કહીએ છીએ. તેમાં ગણપતિનો વાસ હોય છે. તેથી જ આ છોડ ઘરમાં ઊગાડવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ હંમેશાં થતી રહે છે. વળી ધનની અછત પણ ક્યારેય નથી આવતી.
દાડમનું ઝાડ
જો તમે કોઇ દેવામાં ડૂબી ગયા હોય તો ઘરના બગીચામાં દાડમનું ઝાડ વાવવું જોઇએ દાડમનું ઝાડ વાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે અને સાથે સાથે ધન પ્રાપ્તિ પણ અઢળક પ્રમાણમાં થાય છે.
હળદરનો છોડ
હળદર જેમ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમ તેનો છોડ ઘર માટે પણ ખૂબ લાભદાયી છે. હળદરનો છોડ ઘરમાં વાવવાથી તમારા ઘરમાંથી નેગેટિવ ઊર્જા નાશ પામે છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. એટલું જ નહીં હળદરના છોડથી ઘરમાં સમૃદ્ધિ પણ દોડતી આવે છે.
કૃષ્ણકાંતા અથવા મયુરપંખ
કૃષ્ણકાંતાની વેલ અથવા જેને આપણે મયુરપંખ તરીકે પણ ઓળખીએ છીએ તે વેલ. આ વેલમાં જાંબલી રંગના ફૂલ આવે છે. આ વેલ ભગવાન શ્રી કૃષ્ણને અતિ ગમતી વેલ હતી. આ વેલને લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તેથી જ આ વેલને ઘરમાં લગાવવાથી જો તમે આર્થિક તકલીફમાં સંપડાઇ ગયા હોવ તો તે દૂર થાય છે, તેમજ લક્ષ્મીનો વાસ હંમેશાં તમારા ઘરમાં બની રહે છે.
ઘણાં ઘરમાં દરવાજા ઉપર આ વેલો ઊગાડેલો હોય છે. આ ઘરની તેમજ દરવાજાની શોભા તો વધારે જ છે સાથે સાથે એમ પણ માનવામાં આવે છે કે દરવાજે તે વેલ ઊગાડવાથી લક્ષ્મી રૂમઝૂમ કરતી ઘરમાં આવે છે.
નાળિયેરી
નાળિયેરીનું ઝાડ હંમેશાં દરિયાઈ વિસ્તારની નજીક રહેતાં લોકોના ઘરમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઝાડ જો દરિયાઇ વિસ્તારથી નજીક ન રહેતાં લોકોના ઘરમાં પણ ઊગે તો તેને અતિ શુભ માનવામાં આવે છે. કેમ કે નાળિયેરીના ઝાડ જેના ઘરમાં હોય તેને જીવનમાં ખૂબ માનપાન મળે છે. તો આ તમામ વૃક્ષો જો તમારા ઘરની આસપાસ હશે તો તમારી પ્રગતિ ક્યારેય કોઈ રોકી નહી શકે.