ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓની ખરીદી અને પાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયાની સહાય

Posted by

પશુપાલન આજે એક મોટો વ્યવસાય બની ગયો છે. આપણે એવા ઘણાં લોકો જોયા હશે કે જેઓ માત્ર ગાય-ભેંસ જેવા દૂધાળા પશુઓના રખરખાવ અને તેના પાલનથી જ દર મહીને લાખો રૂપિયાની કમાણી કરતાં હોય છે. ગામડાંમાં આ વ્યવસાય ખૂબ ફૂલ્યો-ફાલ્યો છે. સરકારે નાના ખેડૂતો અને જેમની પાસે ગાય કે ભેંસ ખરીદવાના રૂપિયા નથી પણ છતાં તેઓ પશુપાલનના વ્યવસાયમાં જંપ લાવવા ઇચ્છે છે, એવા લોકો માટે એક નવી યોજના બહાર પાડી છે. આ યોજના એટલે દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજના.

શું છે દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજના

આજે પશુપાલનનો વ્યવસાય મોટી રોજગારી ઊભી કરતો વ્યવસાય તરીકે સ્થાપિત થયો છે. ગ્રામ્ય કક્ષાના લોકો પશુપાલનના વ્યવસાય તરફ દોરાય અને તેનાથી સ્વરોજગારી પેદા કરીને આત્મનિર્ભર બને તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જેથી ખેડૂતો અને બીજા સામાન્ય લોકો પોતાના ખેતી ઉપરાંત બીજા વ્યવસાયની સાથે સાથે પશુપાલનમાં પણ જંપ લાવે અને પોતાની આવક બમણી કરે. આ યોજના માટે એક જ લાયકાત છે કે તમારી પાસે પોતાનાં ૧૨ દૂધાળા પશુ હોવા જોઈએ.

દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાના ફાયદા

• આ યોજના અંતર્ગત પશુપાલન માટે ખેડૂતો ઉપરાંત સામાન્ય લોકોને પણ લાભ આપવામાં આવે છે.

• આ યોજનામાં જનરલ કેટેગરીના લોકોને દૂધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ લોન પર પાંચ વર્ષ સુધી ૭.૫% વ્યાજ સહાય આપવામાં આવે છે.

• આ યોજના પ્રમાણે મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને દૂધાળા પશુઓની ખરીદી માટે મેળવેલી લોન પર પાંચ વર્ષ સુધી ૮.૫% વ્યાજ સહાય આપવામાં આવે છે.

• આ ઉપરાંત જો કોઈ લાભાર્થી ગીર કે કાંકરેજી ઓલાદનું દૂધાળું પશુ ખરીદે છે તો તેના માટે તેણે લીધેલી લોન પર મહત્તમ ૧૨% વ્યાજ સહાય મળશે.

• પશુઓ માટે કેટલશેડના બાંધકામ માટે બાંધકામના કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ ૧.૫ લાખ રૂપિયાની સહાય મળે છે.

• આ ઉપરાંત ગીર કે કાંકરેજી ઓલાદના પશુઓના કેટલશેડ માટે બાંધકામના કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ ૨.૨૫ લાખ રૂપિયાની સહાય મળે છે.

• આ યોજના અંતર્ગત પશુઓના વીમા પ્રિમિયમમાં પણ સહાય મળે છે.

• આ યોજનામાં પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ પર ૭૫% અથવા મહત્તમ ૪૩,૨૦૦/- રૂપિયાની સહાય મળે છે.

• જો આ વીમો ગીર અથવા કાંકરેજી ઓલાદના ઢોર માટે હશે તો તેના વીમા પ્રીમિયમ પર ૯૦% અથવા મહત્તમ ૫૧,૮૪૦/- રૂપિયાની સહાય મળે છે.

• આ યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક ચાફ્ટર સીસ્ટમ, ફોગર સીસ્ટમ અને મિલ્કિંગ મશિન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે મહત્તમ ૧૫,૦૦૦/-, ૭,૫૦૦/-, ૩૩,૭૫૦/- રૂપિયાની સહાય મળે છે.

• આ યોજના અંતર્ગત ગીર અથવા કાંકરેજી ઓલાદના પશુ માટેના કિસ્સામાં ઇલેક્ટ્રિક ચાફ્ટર સીસ્ટમ, ફોગર સીસ્ટમ અને મિલ્કિંગ મશિન પર યુનિટ કોસ્ટના ૯૦% લેખે મહત્તમ ૧૮,૦૦૦/-, ૯૦૦૦/- અને ૪૦,૫૦૦/- રૂપિયાની સહાય મળે છે.

યોજનાનો લાભ લેવા માટેની શરતો

• પશુ ખરીદી માટે રિઝર્વ બેન્ક માન્ય સંસ્થા/ બેન્ક/ ખેતી વિષયક સહકારી મંડળીમાંથી લોન લીધેલી હોવી જોઈએ.

• પોતાની માલિકીની જમીન, ભાગવટાની કે લીઝ પર મેળવેલી જમીન પર બાંધકામ થવું જોઈએ.

• નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઈએ અને બધી શરતોનું પાલન થયેલું હોવું જોઈએ.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

• લાભાર્થીઓ ચાલુ નાણાકીય વર્ષમાં જ લોન લીધેલી હોવી જોઈએ.

• કેટલશેડના બાંધકામ માટે પૂરતી જમીન ધરાવે છે તેનો દાખલો.

• આધાર કાર્ડની નકલ

• રેશન કાર્ડની નકલ

• બેન્કની પાસબુકની નકલ

• સરકારે નક્કી કરેલા ઉત્પાદક પાસે ખરીદીનું બીલ

• લોન અને વ્યાજ અંગેના બેન્કના ડોક્યુમેન્ટ્સ

• પશુ ચીકિત્સા અધિકારીનું ખરીદી અંગેનું પ્રમાણપત્ર

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરશો

• રિઝર્વ બેન્ક માન્ય સંસ્થા/બેંક/ખેતી વિષયક મંડળી પાસેથી ૧૨ દૂધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજુર કરાવ્યા બાદ આપેલી લિંક પર અરજી કરવાની રહેશે.

• અરજી કરવાની લિંક:- https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

• ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીના જરૂરી કાગળો, ફોર્મના ફોટા અને વીડિયોક્લિપ સમય મર્યાદામાં અમલીકરણ સંસ્થાની કચેરીએ પહોંચાડવાના રહેશે.

• અમલીકરણ સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ કમિટિઓ દ્વારા સ્ક્રુટીની તથા વિજેતાની પસંદગી કરવામાં આવશે. આ વિજેતાને યોજનાનો લાભ મળશે.

અમલીકરણ સંસ્થાનું સરનામું

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્સ માર્કેટિંગ ફેડરેશન લી. આણંદ/નાયબ પશુપાલન નિયામકની કચેરી, જિલ્લા પંચાયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *