મોટા ભાગના લોકો ભોજનમાં આદુ, લસણ અને ડુંગળીનો ઉપયોગ કરે છે. એનાથી ભોજનનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ થઈ જાય છે, પરંતુ અનેકવાર તેમને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવા મુશ્કેલ બની જાય છે. આ જ પરેશાની દૂર કરવા માટે ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના રહેવાસી અનુભવ ભટનાગરે લોકડાઉન દરમિયાન રેડી ટુ કૂક મોડલ પર હોમમેડ પ્રિઝર્વેટિવ ફ્રી મસાલાના પાઉડર બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેઓ એક ડઝનથી વધુ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ દેશભરમાં કરી રહ્યા છે. આ વર્ષે તેમનું ટર્નઓવર 35 લાખ રૂપિયા રહ્યું છે.
29 વર્ષના અનુભવના પિતા આર્મી ઓફિસર રહ્યા છે, આથી તેમનો અભ્યાસ અલગ-અલગ શહેરોમાં થયો છે. વર્ષ 2012માં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે હૈદરાબાદમાં એક કંપનીમાં અઢી વર્ષ કામ કર્યું. એ પછી XLRI જમશેદપુરથી ડિપ્લોમાની ડીગ્રી લીધી અને પછી હૈદરાબાદ પરત આવ્યા. અહીં તેમણે લગભગ 2 વર્ષ ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડમાં જોબ કરી.
અગાઉથી નહોતો કોઈ બિઝનેસ પ્લાન
અનુભવ કહે છે, જોબલાઈફ સારી ચાલી રહી હતી. આ પ્રકારના બિઝનેસનો કોઈ અગાઉથી પ્લાન નહોતો. વાસ્તવમાં અભ્યાસના સમયે જ મને ખુદ ભોજન બનાવવાની આદત હતી. જોબ પછી હું પોતે જ કૂકિંગ કરતો હતો. એ દરમિયાન મારા મનમાં એ વાત આવી કે શું આપણે કોઈ કેમિકલ મેળવ્યા વિના આદુ અને ડુંગળીને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકીએ? શું એવી કોઈ રીત છે, જેનાથી આ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે, કેમ કે આપણને ઘણીવાર એ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેમાં ભોજન બનાવતી વખતે ખબર પડે છે કે ડુંગળી અને આદુ નથી કે ખરાબ થઈ ગયાં છે.
આ માટે અનુભવે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. પછી હૈદરાબાદમાં જ CFTRIમાં કોન્ટેક્ટ કર્યો. ત્યાંના અધિકારીઓને મળ્યા અને તેમને પોતાની મુશ્કેલી જણાવી. ત્યારે અનુભવને ખ્યાલ આવ્યો કે ડિહાઈડ્રેશન ટેક્નિકથી તેઓ કોઈ ફૂડ કે ફ્રૂટની શેલ્ફ લાઈફ વધારી શકે છે. ગામોમાં લોકો આ ટેક્નિકનો ઉપયોગ પાપડ, ચિપ્સ કે અથાણાં બનાવવામાં કરતા રહ્યા છે. અહીંથી અનુભવને નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો. તે કહે છે, મેં પોતાના કેટલાક મિત્રોને આ આઈડિયા શેર કર્યો. તેમણે મને કહ્યું- હા, આ સ્ટાર્ટઅપ સારું ચાલશે.
30 હજાર રૂપિયાના ખર્ચે કરી શરૂઆત
અનુભવે પોતાના બિઝનેસની શરૂઆત લગભગ 30 હજાર રૂપિયાના ખર્ચ સાથે કરી. તેણે એક ગ્રાઈન્ડર મશીન ખરીદ્યું, એક ઓવન લીધું. પછી લસણ અને ડુંગળીને ડિહાઈડ્રેટ કરીને પાઉડર તૈયાર કર્યો. એમાં તેણે કોઈપણ કેમિકલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ ન કર્યો. ડબ્બામાં પેક કર્યા પછી તેણે એને દોસ્તો સાથે શેર કર્યા. એ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. એનાથી તેને ઘણી મદદ મળી. અનેક લોકોએ પ્રોડક્ટની ડિમાન્ડ કરી.
અનુભવ આગળ કહે છે, શરૂઆતના એક વર્ષનો સમય શીખવા અને સમજવાનો રહ્યો. મેં પ્રોડક્ટ્સ બનાવવાની સાથે સાથે માર્કેટિંગ પર ફોકસ કર્યું. અગાઉથી બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ સાથે તુલના કરી. ક્વોલિટીનું એનાલિસિસ કર્યું. અલગ-અલગ એક્ઝિબિશનમાં ગયો. કેટલાક રિટેલર્સ સાથે વાત કરી, તેમની પાસે માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજી.
ઓફલાઈન સાથે ઓનલાઈન પ્લેટફોર્મથી પણ માર્કેટિંગ
એ પછી વર્ષ 2020માં તેણે Zilli’s નામની પોતાની કંપની રજિસ્ટર કરી અને ઘરેથી જ કામ કરવાનું શરૂ કર્યુ. આ દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગ્યું. એનાથી લગભગ બે મહિના માટે તેનું કામ બંધ રહ્યું. તે પોતાના માટે કર્મચારીઓ હાયર કરી શક્યો નહોતો. જૂન 2020થી અનુભવે કમર્શિયલ પ્લેટફોર્મ પર પગ મૂક્યો. ખુદની વેબસાઈટ સાથે જ તેણે ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા પણ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ શરૂ કર્યું.
તે કહે છે, લોકડાઉનને કારણે એકતરફ જ્યારે થોડા સમય માટે તેનું કામ પ્રભાવિત રહ્યું, ત્યારે એક મોટો ફાયદો એ પણ થયો કે આ દરમિયાન તેની પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી ગઈ. લોકો બહાર નીકળી શકતા નહોતા, તેથી ઓનલાઈન માર્કેટિંગ કરવું લાભદાયી રહ્યું.
ગત એક વર્ષ દરમિયાન અનુભવે 12 હજારથી વધુ કસ્ટમર્સ સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડી. છે. એનાથી 35 લાખ રૂપિયાનો એનો બિઝનેસ થયો છે. એનો ગ્રોથ રેટ સતત વધતો રહ્યો છે. હૈદરાબાદમાં હવે તેણે ખુદની ઓફિસ ખોલી છે. આ સાથે તેણે દેશના અલગ અલગ હિસ્સાઓમાં પોતાના ડીલર્સ અને રિટેલર્સનું નેટવર્ક તૈયાર કર્યું છે, જેના દ્વારા તે ઓફલાઈન માર્કેટિંગ પણ સુંદર રીતે કરી રહ્યો છે
કઈ રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ્સ?
અનુભવ કહે છે, અગાઉ હું ઘરેથી જ પ્રોડક્ટ્સ તૈયાર કરતો હતો. ત્યાર પછી જ્યારે ડિમાન્ડ વધી ગઈ તો મશીનોની મદદ લેવાનું શરૂ કરી દીધું. જે મોંઘાં અને મોટાં મશીનો હોય છે એ અમે ભાડે લાવીને અમારું કામ કરીએ છીએ.
મસાલા તૈયાર કરવા માટે સૌપ્રથમ લસણ કે ડુંગળીને સન ડ્રાય કરવામાં આવે છે. પછી એને મશીનની મદદથી સારી રીતે સૂકવવામાં આવે છે. એ પછી ગ્રાઈન્ડરની મદદથી પીસવામાં આવે છે અને પાઉડર તૈયાર કરવામાં આવે છે. એ પછી ક્વોલિટી ટેસ્ટિંગ કરવામાં આવે છે. પછી પેકેજિંગ કરવામાં આવે છે.
હાલમાં તેની પાસે 13 પ્રોડક્ટ્સ છે. એમાં ગાર્લિક પાઉડર, જિંજર પાઉડર, ઓનિયન પાઉડર, મરચાં પાઉડર, હળદર, દૂધ મસાલા જેવી પ્રોડક્ટ સામેલ છે. અનુભવે 5 લોકોને રોજગારી પણ આપી છે, જેઓ પ્રોડક્શનની સાથે સાથે પેકેજિંગમાં તેમની મદદ કરે છે.