હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું હવામાન સૂકું રહેશે. હવે ફરી પાછો ગરમીમાં વધારો થઈ શકે છે અને લોકોએ આકરા તાપમાં શેકાવાનો વારો આવી શકે છે. આ સાથે જ લોકલ કનેક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે પણ મોટાભાગે ગરમીમાં વધારો થશે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે અરબ સાગર તરફથી આવતાં પવનો હજુ પણ પોતાની સાથે ભેજ લઈને આવી રહ્યાં છે જેથી રાજ્યની હવામાં ભેજનું પ્રમાણ વધુ છે. થંડર સ્ટ્રોમના કારણે રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળો પણ બંધાઈ રહ્યાં છે. હવે આગામી દિવસોમાં લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવાનો વારો આવી શકે છ. આ સાથે જ રાજ્યના તાપમાનમાં એક થી બે ડ્રીગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે.
બદલાતા હવામાન સાથે અમદાવાદનું તાપમાન ફરી વધી શકે છે અને થોડા સમય પહેલાં હટાવામાં આવેલું યલો એલર્ટ અમદાવાદને પાછું મળવાની સંભાવનાઓ વધી ગઈ છે. થંડર સ્ટ્રોમના કારણે રાજ્યના ઉત્તરભાગ અને કચ્છના વિસ્તારોમાં વાદળો બંધાઈ રહ્યાં છે. આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
ચોમાસા વિશે આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સમયમાં ચોમાસું મોડું બેસી શકે છે. હજુ કેરળમાં જ ચોમાસું ૪ જૂન પછી પ્રવેશ કરી શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પ્રવેશ્યાના એક અઠવાડિયા પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય છે. હાલમાં ભારતમાં લોકલ કનેક્ટિવિટીના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જોકે ગુજરાતમાં હાલ એની કોઈ અસર જોવા મળી નથી.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આજે અમદાવાદ જિલ્લામાં ૨૮ ડીગ્રીથી ૩૯ ડીગ્રી સુધી તાપમાન વધવાની શક્યતા છે. જ્યારે અમરેલી અને આણંદ જિલ્લામાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી જેટલો વધી શકે છે. આજે અમરેલી જિલ્લામાં ભેજનું પ્રમાણ ૪૮% ની આસપાસ રહેવાની સંભાવના છે. આજે બોટાદ, ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ગરમીનો પારો ૪૦ ડીગ્રી સુધી ચઢી શકે છે.
આજે છોટાઉદેપુર, નર્મદા, કચ્છ, પાટણ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ૩૯ ડીગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. જો ભેજની વાત કરીએ તો આજે પાટણ જિલ્લામાં ૪૯% જેટલો ભેજ રહેશે. આજે ભરૂચ, જૂનાગઢ, પંચમહાલ અને સુરત જિલ્લામાં ૩૮ ડીગ્રી જેટલું તાપમાન રહેશે જ્યારે દાહોદ, અરવલ્લી અને મહેસાણામાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન રહેશે.
આજે બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેશે જ્યારે જામનગર જિલ્લામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. જો ભેજની વાત કરીએ તો આજે જામનગર જિલ્લાની આબોહવામાં ૬૧% ભેજ રહેવાની શક્યતા છે જે અસહ્ય ઉકળાટ અને બફારાનું કારણ બની રહેશે. આજે ગીર સોમનાથ, રાજકોટ, નવસારી અને તાપી જિલ્લામાં ૩૪ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે.