ગરમીમાં રાહત પણ બફારો અને ઉકળાટ હજુ વધશે, જાણો આજની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે પણ ભેજનું પ્રમાણ વધવાની સાથે બફારો અને ઉકળાટ વધશે જેનાથી લોકો અકળામણનો અનુભવ કરી શકે છે. અતિશય બફારો અને ઉકળાટ લોકોને પરસેવે રેબઝેબ કરી નાખશે. આજથી ગરમીનો પારો ગગળવાની શક્યતા છે અને આજથી જ અમદાવાદ શહેર પરનું યલો એલર્ટ દૂર થઈ શકે છે. આમ, આજે ગરમીમાં થોડી ઘણી રાહતનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે સોમવારે ૪૩ ડીગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગઈ કાલે અમદાવાદની જનતાને આકરા ઉનાળાનો અનુભવ થયો હતો.
આજથી રાજ્યના તાપમાનમાં ક્રમશ: ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીના જણાવ્યા મૂજબ રાજ્યના લોકો ગરમીમાંથી રાહતતો અનુભવશે પણ સાથે સાથે વધતાં જતાં ભેજના પ્રમાણને કારણે અતિશય બફારા અને ઉકળાટનો સામનો કરી શકે છે. દરિયાકિનારાના પ્રદેશોમાં ભેજનાં વધુ પડતાં પ્રમાણને કારણે તાપમાન ૩૫ ડીગ્રીની આસપાસ રહી શકે છે. રાજકોટ, અમરેલી અને સુરેદ્રનગર એમ આ ત્રણ જિલ્લાને બાદ કરતાં સમગ્ર સૌરાષ્ટ્રના લોકો ગરમીમાંથી રાહત અનુભવશે. જ્યારે આ ત્રણ પ્રદેશોમાં હજુ પણ ગરમી યથાવત રહેશે. સોમવારે દ્વારકા માત્ર ૩૩ ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૮ ડીગ્રી રહેશે. અમરેલી અને આણંદ જિલ્લામાં આજનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી રહેશે. અમરેલી જિલ્લામાં ભેજની વાતની કરીએ તો અહીં આજે ભેજનું પ્રમાણ ૪૬% જેટલું રહેશે. જે લોકોને પરસેવે રેબઝેબ કરી શકે છે. આજે અરવલ્લી, મહિસાગર અને મહેસાણા જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી રહી શકે છે. જ્યારે ન્યુનતમ તાપમાન ૨૬ થી ૨૮ ડીગ્રીની આસપાસ રહેશે.
આજે બોટાદ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી, છોટાઉદેપુરનું તાપમાન ૩૯ ડીગ્રી અને દાહોદ જિલ્લામાં પણ આજનું તાપમાન ૩૯ ડીગ્રી રહેશે. આજે બનાસકાંઠા, નવસારી અને પાટણ જિલ્લામાં પણ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ભાવનગર જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી અને ઓછામાં ઓછું તાપમાન ૨૮ ડીગ્રી રહેવાની આગાહી છે.
આજે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી, સાબરકાંઠામાં ૪૩ ડીગ્રી અને રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ૩૮ ડીગ્રી, મોરબીમાં ૩૯ ડીગ્રી અને પંચમહાલમાં વધારેમાં વધારે ૪૨ ડીગ્રી સુધી ગરમીનો પારો ચઢી શકે છે. આજે કચ્છ જિલ્લામાં ૩૭ ડીગ્રી, ખેડામાં મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી અને જુનાગઢમાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે.
આજે ૨૬ ડીગ્રી તાપમાન સાથે ડાંગ સૌથી ઠંડું શહેર બનશે જ્યારે દેવભુમિ દ્વારકાનું આજનું મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી રહેશે. આજે ગાંધીનગર. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહેવાની સંભાવના છે. જો સૌથી વધું તાપમાનની વાત કરીએ તો આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ પ્રદેશ બની શકે છે. આજે સુરેન્દ્રનગરનું તાપમાન ૪૫ ડીગ્રી રહેવાની વકી છે. જ્યારે વડોદરા જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી રહેવાની સંભાવના છે.