ગરીબ લોકોને રોજગારી પૂરી પાડતી દેશની સૌથી મોટી યોજના

Posted by

દેશમાં બેરોજગારીનું સ્તર દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. બેરોજગારીને કારણે અનેક લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે. લોકોને ગરીબીમાંથી બહાર લાવવા અને તેમને રોજગારી પૂરી પાડવા માટે સરકારે એક યોજના બનાવી છે, જેનું નામ છે મનરેગા. મનરેગા યોજનાનું પૂરું નામ મહાત્મા ગાંધી નેશલન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ છે. આ યોજના એ અનેક લોકોને રોજગારી પૂરી પાડીને ગરીબીમાંથી મુક્ત કર્યાં છે. જાણો સરકારની આ કલ્યાણકારી યોજના વિશે.

શું છે મનરેગા યોજના

મનરેગા એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આ યોજના દેશના નાગરિકોને રોજગારી પૂરી પાડવાની ગેરંટી આપે છે. સરકારે આ યોજના વર્ષ ૨૦૦૫માં શરૂ કરી હતી. આ યોજનાએ અત્યારસુધીમાં ૧૪ કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે. આ યોજના એવા લોકોને રોજગારી પૂરી પાડે છે, જેઓ કોઈપણ જગ્યાએ શારિરીક શ્રમ કરવા તૈયાર હોય. આ યોજનામાં વ્યક્તિમાં કોઈપણ જાતની કુશળતાની જરૂર નથી. કોઈપણ બિનકુશળ વ્યક્તિ આ યોજના દ્વારા સોંપવામાં આવેલું કામ કરીને રોજગારી મેળવી શકે છે.

મનરેગા યોજનાના ફાયદા

• ભારત સરકારની રોજગારી પૂરી પાડતી સૌથી મોટી યોજના, જેણે અત્યારસુધીમાં ૧૪ કરોડથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે.

• મનરેગા દરેક વ્યક્તિને રોજગારી પૂરી પાડવાની ગેરંટી આપે છે.

• આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિને કુટુંબ દીઠ વર્ષમાં ઓછામાં ઓછી ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે.

• જો સરકારી તંત્ર અરજી કર્યાના ૧૫ દિવસમાં રોજગારી પૂરી ન પાડી શકે તો સરકારી તંત્રએ લાભાર્થીને અથવા કુટુંબને બેરોજગારી ભથ્થું આપવાનું રહે છે.

• આ યોજના પ્રમાણે યોજનાના લાભાર્થીને તેના રહેઠાણના ૫ કિમીની ત્રિજ્યાની અંદર રોજગારી આપવાની રહે છે.

• જો તેને આપવામાં આવતી રોજગારી તેના રહેઠાણના ૫ કિમીની ત્રિજ્યાની બહાર એટલે કે દૂર આપવામાં આવે તો તેને વધારાનું વેતન ચૂકવવું પડે છે.

• આ યોજના પ્રમાણે દરેક વ્યક્તિને શ્રમિકનો દરજ્જો આપી, સરકારના વિકાસ કામો જેવા કે, રોડ બનાવવા, નવું બાંધકામ કરવું, તળાવો ઊંડા કરવા,પાણીના સંગ્રહ માટેના કામો, જંગલોનું નવિનીકરણ, ખેતી લાયક કામો, જમીન સુધારણા જેવા કામો કરાવવામાં આવે છે અને તેને કામના દિવસો પ્રમાણે વેતન આપવામાં આવે છે.

• આ યોજનામાં મહિલાઓની સંખ્યા કુલ નોંધાયેલાં કામદારના ત્રીજા ભાગની રાખવી ફરજિયાત છે.

• જો કોઈ મહિલા પાસે નાનું બાળક હોય અથવા વધુ બાળકો હોય તો તેના માટે કામની જગ્યાએ છાંયડાની વ્યવસ્થા અને ઘોડિયાઘરની વ્યવસ્થા સરકારે કરવાની રહે છે.

• અહીં કામ કરતાં દરેક વ્યક્તિ માટે તંત્ર એ પીવાના પાણી અને જરૂર પડે તો તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવાની રહે છે.

• આ યોજનાથી દેશમાં વિકાસના કામોની સાથે દેશના જ લોકોને રોજગારી મળે છે અને તેઓ ગરીબીમાંથી થોડે ઘણે અંશે બહાર આવીને પોતાનું ગુજરાન કરી શકે છે.

• આ યોજનાના કારણે ગરીબ લોકોને વિવિધ જગ્યાએ કામ કરવાનો અનુભવ મળે છે, જેથી તેમનામાં સ્કીલ ડેવલપમેન્ટ જોવા મળે છે.

સરકારી તંત્ર માટે મનરેગી શરતો

સરકારી તંત્રએ શ્રમિકો માટે કામના સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા તથા તાત્કાલિક સારવારની દવાઓ અને બાળકો માટે ઘોડિયાઘરની સવલતો આપવાની રહેશે. કામ પર અકસ્માતના કિસ્સામાં મળવાપાત્ર રાહત, સામાજિક ઓડિટ અને ફરિયાદ નિવારણ, ડિઝિટલ પધ્ધતિથી શ્રમિકોના ખાતામાં સીધીજ વેતનની ચૂકવણી તથા રોજગારી અપાવવા પર નિષ્ફળતાના કિસ્સામાં શ્રમિકના કુટુંબને બેરોજગારી ભથ્થું આપવાનું રહેશે.

મનરેગામાં નામ નોંધાવાની પ્રક્રિયા

રોજગારી મેળવવા ઇચ્છતા કુટુંબોએ ગ્રામ કે તાલુકા પંચાયત સમક્ષ ૧૪ દિવસની રોજગારી માટે લેખિત અરજી આપવાની રહેશે. આવી અરજી મળે ૧૫ દિવસમાં કામ શરૂ કરીને રોજગારી આપવાની રહેશે તથા પ્રોગ્રામ ઓફિસર તે માટે અઠવાડિક ઇ-મસ્ટર ઇસ્યુ કરશે. ગ્રામ પંચાયત શ્રમિક દ્વારા કરવામાં આવેલાં કામની ગણતરી કરીને તેના કામની વિગત પ્રોગ્રામ ઓફિસરને મોકલશે. પ્રોગ્રામ ઓફિસર મસ્ટર નિભાવણી કરીને ૧૫ દિવસમાં જે તે શ્રમિકના કુટુંબના બેન્ક કે પોસ્ટ ઓફિસના ખાતામાં વેતનની રકમ જમા કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *