ગાંધીનગરમાં શંકાશીલ પત્નીથી કંટાળેલા ક્લાસ વન અધિકારીએ બસ સ્ટેન્ડ પર જ રાત ગાળી, જાણો સમગ્ર ઘટના

ગાંધીનગરમાં શંકાશીલ પત્નીથી કંટાળેલા ક્લાસ વન અધિકારીએ બસ સ્ટેન્ડ પર જ રાત ગાળી, જાણો સમગ્ર ઘટના

સામાન્ય રીતે પત્નીઓ શંકાશીલ હોય છે પરંતુ ઘણી વખત વધુ પડતી શંકા સંસાર તૂટવા સુધી પહોંચી જતી હોય છે. ગાંધીનગરમાં ક્લાસ-વન કેડરના એક અધિકારી કામના બોજના કારણે પત્નીનો ફોન ઉપાડી શક્તા નહોતા. જેથી પતિને લફરું થયાની પત્નીને શંકા જાગી હતી. તેમાં બંને વચ્ચે એટલા ઝઘડા થયા કે પતિ ઘર છોડીને આખી રાત બસ સ્ટેન્ડમાં વિતાવી હતી. તેમજ આપઘાત કરવાનું પણ વિચારી લીધું હતું. સદ્દભાગ્યે મિત્રોની સમજાવટ કામ કરી જતા હાલ પુરતો સંસાર અને પતિ બંને બચી ગયા છે.

સચિવાલયમાં કાર્યરત ક્લાસ-૧ અધિકારીને ડેપ્યુટેશન પર અન્ય રાજ્યમાં ફરજ સોંપવામાં આવી હતી. તેઓ પરિવારને ગાંધીનગરમાં રાખીને એકલા જ અન્ય રાજ્યમાં ફરજ બજાવવા ગયા હતા. દર પખવાડિયે તેઓ ઘરે આવતા હતા. બીજી તરફ તેમના પત્ની પહેલાં તો રૃટિનમાં ફોન કરીને ખબર પૂછતા રહેતા હતા. પરંતુ ઓફિસમાં કામ હોવાના કારણે ઘણી વખત અધિકારી ફોન ઉપાડવાનું ટાળતા હતા. તેના કારણે પત્નીને શંકા ગઈ કે પતિને લફરું થયું છે એટલે મારો ફોન ઉઠાવતા નથી.

છેલ્લે જ્યારે પત્નીનો ત્રાસ અસહ્ય બનતા કજિયાનું મોં કાળું તેમ સમજી અધિકારી ઘરેથી કાર લઈને નીકળી ગયા. ક્યાં જવું તેની સૂઝ નહીં પડતા છેલ્લે એક બસ સ્ટેન્ડમાં રાત વિતાવી હતી. પરંતુ પત્ની સાથેના ઝઘડાના કારણે ટેન્શનમાં આવી ગયા હતા. જેથી આપઘાતનો વિચાર કર્યો પરંતુ તેમણે મિત્રને જાણ કરતા મિત્ર તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તે અધિકારીને સમજાવી પરત લઈ ગયા હતા.

બીજા દિવસે અધિકારીના પત્નીને સરકારી ઓફિસની મુલાકાત કરાવીને કેટલું કામ થતું હોય અને તે કેવું હોય છે તે બતાવ્યું હતું. અંતે પત્નીને ભૂલ સમજાઈ અને તેણે પતિ પર વિશ્વાસ મુક્યો હતો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.