આજે વાહનોના ભાવ આસમાને પહોંચ્યા છે. એટલે આપણે કોઈ પણ વાહન લેવા જઈએ, તે ૪ વ્હિલર હોય કે ૨ વ્હિલર, દરેક માટે લોન લેવાની જરૂર પડે છે. આપણે આ લોન લેવા માટે કાં તો કોઈ ફાયનાન્સનો ઉપયોગ કરીએ છીએ અથવા તો બેન્કનો ઉપયોગ કરીએ છીએ. આજે લોનના વ્યાજદર એટલાં મોંઘા થઈ ગયા છે કે આપણને આ લોન ચૂકવતાં ચૂકવતાં હાંફી જઈએ છીએ. આજે અમે તમારી પાસે એક એવો રસ્તો લઈને આવ્યાં છીએ, જેની મદદથી તમારી લોન વ્યાજમુક્ત થઈ જશે અથવા તો એકદમ ઓછી થઈ જશે.
લોન મેળવવા માટે હાલની સ્થિતિ
આજની તારીખે તમારે જો કોઈપણ વ્હિકલ માટે લોન લેવી હોય તો તેના માટે કોઈપણ બેન્કમાં ૧૧% થી ૧૨% જેટલો વ્યાજદર ભરવો પડે છે. SBIની વેબસાઇટ પર જો તમે વાહનની લોન માટે અરજી કરો છો તો તેમાં તમને ૧૮% જેટલો વ્યાજદર જોવા મળશે. આટલાં મોંઘા વ્યાજદર પર લોન લેવી કોઈકાળે પોસાય તેમ નથી.
આટલા મોંઘા વ્યાજદરથી બચવાનો એક રસ્તો છે. અને એ રસ્તો બેન્ક પોતે આપે છે. બેન્ક લોન માટે એક ઓપ્શન આપે છે અને તે છે, સિક્યોરિટીના બદલામાં લોન. જો તમારી પાસે ડિમેટ એકાઉન્ટ છે અને તમે મ્યુચ્યુઅલ ફંડ કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરેલું છે તો બેન્ક તમને આ લોન ખૂબ સસ્તામાં આપી દે છે. બેન્ક લોનના બદલામાં તમારી પાસેથી તમારા શેર્સ પોતાની પાસે ગીરવી રાખશે.
મ્યુચ્યુઅલ ફંડ કે શેર પર લોન લેવાના ફાયદા
• આમ, તો SBI વાહનની લોન ૧૮% ના દરે આપે છે. પણ જો આપણે માત્ર ૧૨% જ ગણીએ તો પણ તમારે ૧ લાખની લોન પર ૨૪ મહીનાની મુદત માટે દર મહીને ૪,૭૦૦ રૂપિયાનો હપ્તો આવશે. એટલે કે તમે બેન્કમાં કુલ ૧,૧૩,૦૦૦ રૂપિયાની ચૂકવણી કરશો. એટલે કે તમે વધારાના ૧૩,૦૦૦ રૂપિયા બેન્કને આપશો.
• નિયમ પ્રમાણે તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કે શેરના બદલામાં લોન લો છો તો બેન્ક તમને તમારા કુલ રોકાણ કે શેરના ૫૦% જેટલી લોન આપશે.
• એટલે કે જો તમારી પાસે ૨ લાખના શેર્સ છે તો બેન્ક તમને ૧ લાખની લોન આપશે.