ગભરાશો નહિ, ૨૦૦૦ની નોટ ૩૦ સપ્ટેમ્બર પછી પણ માન્ય ગણાશે

રૂ. ૨૦૦૦ની નોટ સરકારે જ્યારથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે ત્યારથી લોકોમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. લોકો બેંકોમાં ૨૦૦૦ની નોટ બદલાવા માટે પડાપડી કરી રહ્યાં છે. કેટલીક જગ્યાએ, ખાસ કરીને સોના બજારમાં તો ૨૦૦૦ની નોટ બદલાવા માટે કાળા બજારી પણ થતી હોય એવું સામે આવ્યું છે. લોકોમાં એ પણ ધારણા છે કે ૨૦૦૦ની નોટ ૩૦ સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે અને તે એક સામાન્ય કાગળ માત્ર બનીને રહી જશે.
સરકારે લોકોની આ મૂંઝવણ દૂર કરવા અને લોકોને અફવાઓથી બચાવવા માટે એક નવી એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં લોકોને શાંતિ રાખવા જણાવ્યું છે. સરકારે લોકોને ગભરાવાની ના પાડી છે. સરકારે કહ્યું છે કે ૨૦૦૦ની નોટ ૩૦ સપ્ટેમ્બર પછી પણ બદલી શકાશે. કેટલીક બેંકો ૨૦૦૦ની નોટ બદલવા માટે ડોક્યુમેન્ટ્સ પણ માગતી હતી, જેથી સરકારે એમ પણ કહ્યું છે કે ૨૦૦૦ની નોટ બદલાવા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી.
શું છે સરકારની નવી એડવાઇઝરી
• સરકારે MyGov પોર્ટલ પર પોતાની એડવાઇઝરી જાહેર કરી છે.
• નવી એડવાઇઝરી પ્રમાણે ૩૦ સપ્ટેમ્બર પછી પણ ૨૦૦૦ની નોટ બદલી શકાશે.
• સરકારે ફક્ત ૨૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની અને નવી નોટ ન છાપવાની જાહેરાત કરી છે.
• ૨૦૦૦ની નોટ બંધ થશે નહિ, ફક્ત નવી છાપવામાં નહીં આવે.
• ૩૦ સપ્ટેમ્બર પછી પણ ૨૦૦૦ની નોટ લીગલ ટેન્ડર તરીકે માન્ય ગણાશે.
• એટલે કે જેમની પાસે ૩૦ સપ્ટેમ્બર પછી પણ ૨૦૦૦ની નોટ પડેલી હશે તેઓને ગભરાવાની જરૂર નથી.
• બેંકોમાં ભીડ ન થાય એ માટે સરકારે કહ્યું છે કે, ૨૦૦૦ની નોટ બદલવા માટે કોઈપણ વધારાનાં ફોર્મ્સ ભરવાના નથી કે કોઈ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે નહીં.
• બેંકોના રેગ્યુલર વ્યવહારમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે દરેક વ્યક્તિ એક સમયે ફક્ત ૨૦૦૦ની ૧૦ નોટો એટલે કે માત્ર ૨૦,૦૦૦ રૂપિયા જ બદલાવી શકશે.
• ઉપરોક્ત એડવાઇઝરી લોકોને અફવાઓથી દૂર રાખવા માટે જાહેર કરવામાં આવી છે.