સરકાર સમયે સમયે આપણા માટે અનેક ફાયદારૂપ યોજનાઓ લાવતી હોય છે, જે આપણને અનેક સામાજીક અને આર્થિક લાભ આપતી હોય છે. મોટાભાગની યોજનાઓ કેટેગરી કે જાતિ આધારીત હોય છે, પણ કેટલીક એવી પણ યોજનાઓ હોય છે જે જાતિ આધારીત ન હોઈ અને કોઈ ખાસ ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે હોય છે. આવું જ એક ક્ષેત્ર છે અસંગઠિત ક્ષેત્ર. દિવસે ને દિવસે આ ક્ષેત્રમાં કામ કરીને રોજગારી મેળવતાં લોકોની સંખ્યા વધી રહી છે.
અસંગઠિત ક્ષેત્ર એટલે શું
અસંગઠિત ક્ષેત્ર એટલે કે એવા લોકો કે જેઓ મજૂરી કામ, ઘરકામ, મોચી કામ, બ્યુટી પાર્લર, વાળંદનું કામ, નાના ધંધાદારીઓ, દરજી કામ, કડિયા કામ, સુથારી કામ, લુહારી કામ, કલરકામ, પ્લમબરીંગ, ગટરની સાફ સફાઈ વગેરે જેવા કામો કરે છે તેઓ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે. આ લોકો પાસે પોતાનું કોઈ ડીગ્રી નથી પણ પોતાની આવડતના આધારે બધા કામ ખૂબ જ સરસ રીતે કરતાં હોય છે. આવા લોકો આત્મનિર્ભર હોય છે અને સ્વરોજગારી પર નિર્ભર હોય છે.
આજે ભારતની વસતી ૧૪૦ કરોડની પાર પહોંચી ગઈ છે. આજે સમગ્ર દેશમાં ૪૮ કરોડથી વધુ લોકો અસંગઠિત ક્ષેત્રે કામ કરીને રોજગારી મેળવી રહ્યાં છે. આવા લોકો જ્યાં સુધી શરીર કામ કરે છે ત્યાં સુધી જ આવા કામ કરી શકે છે. જ્યારે તેઓ કોઈ અકસ્માતનો ભોગ બને કે વૃદ્ધાવસ્થાને કારણે કામ કરવાની ક્ષમતા ઘટે ત્યારે તેઓ બેરોજગાર અને અસહાય બની જતાં હોય છે.
અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં લોકો પોતાની વૃદ્ધાવસ્થા દરમિયાન નાણાકીય સહાય મળતી રહે અને તેઓ પોતાનું ગુજરાત ચલાવી શકે તે માટે સરકારે એક પેન્શન યોજના બનાવી છે, આ યોજના એટલે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના.
શું છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના
અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં લોકો અકસ્માત કે વૃદ્ધાવસ્થાને કારણે પોતાની કાર્યક્ષમતા ઘટતાં બેરોજગારીનો ભોગ બનીને અસહાય બની જાય છે. આવા શ્રમયોગી લોકો પોતાની પાછલી જિંદગીમાં સ્વમાનભેર જીવી શકે અને તેમને દર મહીને પેન્શનના રૂપમાં નાણાકીય સહાય મળતી રહે તે માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના કામ કરી રહી છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની પાત્રતા
• લાભાર્થીની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની હોવી જોઈએ.
• લાભાર્થી અસંગઠિત ક્ષેત્રે કામ કરતો હોવો જોઈએ.
• લાભાર્થીએ સરકારની બીજી કોઈપણ પેન્શન યોજનામાં નામ નોંધાયેલું ન હોવું જોઈએ.
• લાભાર્થી પાસે પોતાનું બેન્ક ખાતુ હોવું જોઈએ.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના ફાયદા
• કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના હોવાથી તેની વિશ્વસનિયતા અજોડ છે.
• આ યોજના લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા કાર્યરત છે.
• આ દેશની સૌથી મોટી પેન્શન યોજના છે.
• આ યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષનો કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.
• આ યોજનામાં લાભાર્થી દર મહીને જેટલું યોગદાન કરે છે, તેટલું જ યોગદાન સરકાર પણ કરે છે.
• જો કોઈ વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષ છે તો તેને દર મહીને ૫૫ રૂપિયા જમા કરાવે તો સામા પક્ષે સરકાર પણ તેના ખાતામાં ૫૫ રૂપિયા જમા કરાવશે અને તેનું દર મહીનાનું યોગદાન ૧૧૦ રૂપિયા ગણાશે.
• આ રીતે જો કોઈ વ્યક્તિની ઉંમર ૨૫ વર્ષ છે તો તેને દર મહીને ૮૦ રૂપિયા જમા કરાવે તો સામા પક્ષે સરકાર પણ તેના ખાતામાં ૮૦ રૂપિયા જમા કરાવશે અને તેનું દર મહીનાનું યોગદાન ૧૬૦ રૂપિયા ગણાશે.
• જો કોઈ વ્યક્તિની ઉંમર ૪૦ વર્ષ છે તો તેને દર મહીને ૨૦૦ રૂપિયા જમા કરાવે તો સામા પક્ષે સરકાર પણ તેના ખાતામાં ૨૦૦ રૂપિયા જમા કરાવશે અને તેનું દર મહીનાનું યોગદાન ૨૦૦ રૂપિયા ગણાશે.
• આ યોજનામાં વ્યક્તિની ૬૦ વર્ષની ઉંમર પછી તેને આજીવન દર મહીને ૩૦૦૦ રૂપિયા મળવાપાત્ર છે.
• આ યોજનામાં જો કોઈ વ્યક્તિનું ૬૦ વર્ષની ઉંમરે મૃત્યુ થાય છે તો આ યોજના તેના પતિ કે પત્નીને ટ્રાન્સફર થઈ શકે છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ કેવી રીતે મળશે
આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://maandhan.in/shramyogi પર રજિસ્ટ્રેશન કરવું પડશે. અહીં તે માંગવામાં આવેલી બધી વિગતો ભરીને પોતાનું નામ નોંધાવી શકે છે. આ યોજનામાં નામ નોંધાવા માટે વ્યક્તિ જન સેવા કેન્દ્રોનો પણ ઉપયોગ કરી શકે છે અને આ યોજનાનો લાભાર્થી બની શકે છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
• આધાર કાર્ડ
• વ્યક્તિગત વિગતો
• રહેઠાણનો પુરાવો
• મોબાઇલ નંબર/ઇ-મેઇલ એડ્રેસ
• બેન્ક ખાતાની વિગતો
• પોતે જે કામ કે ધંધો કરતાં હોય તેની વિગતો