વીમો એ પરિવારની સુરક્ષા માટે કેટલો જરૂરી છે એ સૌ કોઈ જાણે છે. તેથી આપણે મોટાં મોટાં વીમા લઈને પરિવારને આર્થિક રીતે સુરક્ષા પ્રદાન કરવા મથતાં હોઈએ છીએ. આ વાત દેશના એવા લોકો પણ જાણે છે જેઓ અત્યંત ગરીબ છે. પણ તે લોકો વીમાના આવા ભારે ભરખમ પ્રીમિયમ ભરી શક્તા નથી. આ તેમની મજબૂરી જ હોય છે. સરકારે આવા અનેક પરિવારોને વીમા સુરક્ષા પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી છે. જાણો શું છે આ યોજના.
શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
મધ્યમ અને અત્યંત ગરીબ પરિવારોને વીમાનું સંરક્ષણ પૂરું પાડવા માટે ભારત સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજના એવા લોકોને વીમાના કવચ હેઠળ આવરી લે છે, કે જેઓ ભારે ભરખમ વીમાના પ્રીમિયમ ભરીને પોતાના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી નથી પાડી શક્તા. આપણા દેશમાં એવા ઘણાં પરિવારો છે, જેમને દિવસનું બે ટંક ભોજન પણ નસીબ નથી થતું. આવા લોકો પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનામાં દર મહીને ફક્ત એક રૂપિયો ભરીને, એટલે કે વર્ષે ફક્ત ૧૨ રૂપિયા ભરીને પોતાના પરિવારને રૂપિયા ૨ લાખનું વીમા રક્ષણ આપી શકે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના ફાયદા
• પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, આથી તેની વિશ્વસનિયતા અજોડ છે.
• ૧૮ થી ૭૦ વર્ષની ઉંમર ધરાવતો દેશનો કોઈપણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.
• આવકની કોઈ મર્યાદા નથી. કોઈપણ અમીર કે ગરીબ આ યોજનામાં સહભાગી થઈ શકે છે.
• આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ મહીનાનો ફક્ત ૧ રૂપિયો પોતાના ખાતામાં જમા કરાવવાનો રહેશે. એટલે કે આખા વર્ષે ફક્ત ૧૨/- રૂપિયા જેવી નજીવી રકમથી આ યોજનાનો લાભ લઈ શકાશે.
• આ યોજનામાં લાભાર્થીના પરિવારને ૨ લાખ સુધીનું વીમા કવરેજ મળે છે.
• જો વીમાધારકનું કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના પરિવારને રૂપિયા ૨ લાખ સુધીનું વીમા કવર મળશે.
• જો વીમા વીમાધારક કોઈપણ અકસ્માતમાં કાયમી અપંગતાનો ભોગ બને તો તેના પરિવારને રૂપિયા ૨ લાખ સુધીનું વીમા કવર મળે છે.
• જો વીમાધારક કોઈપણ અકસ્માતમાં આંશિક અપંગતાનો ભોગ બને તો તેના પરિવારને રૂપિયા ૧ લાખ સુધીનું વીમા કવર મળે છે.
કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• આ યોજના માટે અરજદારની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. ઉંમર મર્યાદાની બહાર આ યોજનાનો લાભ નહિ મળે.
• આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે કોઈપણ બેંકમાં બેંક ખાતુ હોવું અનિવાર્ય છે.
• જો અરજદાર એક કરતાં વધુ બેંકમાં ખાતા ધરાવે છે તો, તેને આ યોજના પર કોઈ એક જ ખાતા પર લાભ મળશે.
• આ યોજના માટે પ્રીમિયમની રકમ અરજદારના બેંક એકાઉન્ટમાંથી સીધી જ ડેબિટ થશે.
• આ યોજના માટેનો સમયગાળો ૧ જુનથી ૩૧ મે સુધીનો રહેશે. ૩૧ મે પછી જો અરજદાર આ યોજનાનો લાભ લેવા ઇચ્છતો હોય તો તેણે ફરીથી ૧૨ રૂપિયાનું પ્રીમિયમ ભરીને આ યોજનાનું નવિનીકરણ કરવું પડશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવા શું કરવું
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવા માટે તમે તમારા નજીકની કોઈપણ બેંકનો સંપર્ક કરી શકો છો. બેંકમાં જઈને બેંકના કર્મચારી પાસેથી આ યોજના માટેનું ફોર્મ ભરી અને વીમાનું પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ લઈ શકાય છે. ઘણી ખાનગી બેંક અને વીમા કંપનીઓ પણ આ યોજના હેઠળ વીમા સુરક્ષા પ્રદાન કરતી હોય છે.