જો તમે એક ખેડૂત હોવ કે તમારી પાસે ખેતી લાયક જમીન હોય તો આ લેખ તમારા માટે છે. આજે આપણે સરકારની એક એવી યોજના વિશે જાણીશું જે તમને ૫૦,૦૦૦/- થી પણ વધુની રૂપિયાની સહાયતા પૂરી પાડે છે. આ સહાયતા માટે તમારે કોઈપણ પ્રકારની લોન લેવાની જરૂર નથી. તમારે ફક્ત એક કાર્ડ કઢાવવાની જરૂર પડશે. જે તમને ત્રણ વર્ષ સુધી ગમે ત્યારે અને ગમે તેટલી વખત સહાયતા પૂરી પાડશે. આ કાર્ડ એટલે કિસાન ક્રેડિટ કાર્ડ.
શું છે કિસાન ક્રેડિટ કાર્ડ
કિસાન ક્રેડિટ કાર્ડ સરકારે ફક્ત ખેડુતોમાટે જ ડીઝાઈન કર્યું છે. આ કાર્ડ એક સામાન્ય ક્રેડિટ કાર્ડની જેમ જ કાર્ય કરશે. જેમ કે બેંક તમને ક્રેડિટ કાર્ડ આપે છે અને તમે એ કાર્ડની મદદથી એક નિશ્ચિત મર્યાદામાં ખર્ચ કરી શકો છો અને પછી ખર્ચેલી રકમ બેંકમાં ભરી શકો છો. બસ આજ રીતે ખેડૂતોને પોતાના રેગ્યુલર ખર્ચા જેવા કે બીજ કે ખાતરની ખરીદી કરવા માટે અને ઓછા ખર્ચા માટે બેંક પાસે વારંવાર લોન ન લેવી પડે અને તેઓ કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી જરૂરી રકમ કોઈપણ ATM માંથી ઉપાડી શકે છે અને પછી પોતાની અનુકૂળતાએ ઉપાડેલાં રૂપિયા પાછા બેંકમાં ભરી શકે છે.
આ યોજનાએ અનેક ખેડૂતોને લાભ અપાવ્યો છે. આ યોજના અંતર્ગત કોઈપણ ખેડૂત પોતાનું કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકે છે. આ કાર્ડની વેલિડિટી ૩ વર્ષની રાખવામાં આવી છે. ત્રણ વર્ષ પછી ખેડૂત ફરીથી પોતાનું કાર્ડ કઢાવી શકે છે.
કોને કોને લાભ મળી શકે
• બધા જ ખેડૂતો, વ્યક્તિગત કે સંયુક્ત ધિરાણ લેનારા ખેડૂતો કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે.
• ભાડૂત ખેડૂતો, મૌખિક પટ્ટેદારો અને ભાગમાં પાક લેનારા ખેડૂતો,
• ખેડૂતોનાં સેલ્ફ હેલ્પ જૂથો અથવા સંયુક્ત જવાબદારી જૂથો વગેરે…
કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા
• વારંવાર લોન લેવા માટે થતાં બેંકોના ધક્કામાંથી રાહત
• ત્રણ વર્ષ સુધીની કાર્ડની વેલિડિટી
• કૃષિ આવક પર મહત્તમ ક્રેડિટ મર્યાદા
• જો લોનની ભરપાઈ વહેલી તકે કરવામાં આવે તો વ્યાજમાં સહાયતા આપવામાં આવશે.
• આ કાર્ડ ખેડૂતોની સુવિધા પર બીજ કે ખાતર અથવા કૃષિ માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે મદદરૂપ થાય છે.
• ખેડૂતો માટે વ્યાજનો ધટાડો અને કોઈપણ સમયે ક્રેડિટની ખાતરી આપે છે.
• કોઈપણ સમયે રૂપિયા ૧૦,૦૦૦/- થી રૂપિયા ૫૦,૦૦૦નો ઉપાડ કરવાની સુવિધા
• કિસાન ક્રેડિટ કાર્ડમાં ખેડૂતને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૫૦,૦૦૦/-નું વીમા કવરેજ પણ આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ ક્યાંથી મળશે
કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે ખેડૂત પોતાની નજીકની કોઈપણ બેંકનો સંપર્ક કરી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
• કાર્ડ કઢાવવા માટેનું અરજી ફોર્મ
• કોઈપણ ઓળખપત્ર જેમ કે, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે
• રહેઠાણનો પુરાવો
જો કોઈપણ વ્યક્તિને કિસાન ક્રેડિટ કાર્ડ સંબંધિત કોઈ પૂછપરછ કરવી હોય તો સરકારે આ માટે એક ટોલ ફ્રી નંબર પણ બહાર પાડ્યો છે.
ટોલ ફ્રી નંબર:- ૧૮૦૦૧૮૦૧૫૫૧