દીકરા દીકરી વચ્ચે ભેદ કરનારા આ ખાસ જુએ, દોસ્તો કહાની અંત સુધી વાંચજો અને યોગ્ય લાગે તો શેર કરજો…..

પિતા અને દીકરીનો સંબંધ સંવેદનશીલ-ભાવુક અને નાજુક છે. છતાં એની મજબૂતી અન્ય સંબંધો કરતાં અનેકગણી વધારે છે. દીકરીની જિંદગીના પ્રથમ હીરો એટલે પિતા. અને પિતાના હૃદયમાં કુમાશનું લીલુંછમ વૃક્ષ વાવનાર લાગણીશીલ માળી એટલે દીકરી. દીકરીના પિતામાં ઋજુતા આપોઆપ સીંચાવા માંડે છે. આ એક એવો સંબંધ છે કે જેમાં લાડ-પ્યાર અધિકાર-હક અને ગુસ્સો-લડાઈ બધું સમાવિષ્ટ છે.
દીકરીની ખુશી માટે બાપ ઘૂંટણિયે પડવા સુધી જઇ શકે છે એનું સ્વમાન-અહ્મ-પૌરુષત્વ-પ્રતિભા કે પ્રતિષ્ઠા બધું દીકરી માટે કુરબાન કરી શકે છે. દરેક કઠોર પિતામાં એક અલી ડોસો જીવતો હોય છે. છતાં સંજોગોની એરણ પર આ સંબંધોમાં ચડ-ઊતર આવે છે છતાં એની મીઠાશ, કુમાશ અને સુવાસ અકબંધ રહે છે. બદલાતા સમય સાથે આ સંબંધ પણ બદલાયો છે. હવે પિતાનું દીકરી માટેનું સપનું સુખી સાસરાથી શિક્ષણ અને સ્વનિર્ભરતા સુધી વિસ્તર્યું છે અને દીકરીની દુનિયા પણ બદલાતા પિતા પાસેની એની અપેક્ષાઓ પર બદલાઇ છે. શું આધુનિક પિતા જાણે છે કે એમની દીકરી એમની પાસે શું ઝંખે છે ?
પા-પા પગલી માંડતી, દીકરીથી લઇને દુલ્હન બની પારકા ઘરે જતી દીકરી એના જીવનની નાની-મોટી, સૂક્ષ્મ કે સ્થૂળ દરેક ઘટનાઓમાં પિતાનું ઇન્વોલમેન્ટ ઇચ્છે છે. માર્કેટમાંથી ડોલ ખરીદતી કે પોતાના બ્રાઇડલ ડ્રેસ ખરીદતી દીકરી માટે પિતાના અભિપ્રાયનું અનેરું મહત્ત્વ છે. પિતાની હા એના હૈયામાં આનંદની છોળો અને ના ઉદાસીનું વાવાઝોડું લઇને આવે છે. ઘરમાં પ્રવેશતાં પિતા એની પહેલી અને ત્વરિત નોંધ લે એ હઠાગ્રહને દીકરી પોતાનો અધિકાર માને છે. ર્ફ્સ્ટ ક્રશની વાત એ પિતાને પણ સહજતાથી કરી શકે. બીજું, પોતાનાં સપનાં સાકાર કરવા માટે તે પિતા પાસેથી પૂરેપૂરા સહકારની અપેક્ષા રાખે છે. એેને ભણવું છે, આકાશમાં ઊંચે પાંખ ફેલાવવી છે, સપનાના રાજકુમાર સાથે અજાણી દુનિયામાં ડગ માંડવાં છે, નવાનવા શોખ દ્વારા ખુદને એક્સ્પ્લોર કરવી છે. ડેડનો સપોર્ટ જરૂરી છે. રિઝલ્ટ ખરાબ આવે ત્યારે ગુસ્સાની સાથે સાંત્વનાની અપેક્ષા દીકરી પપ્પા પાસે જ રાખે છે.
મમ્મીની કોર્ટમાં હારેલો કેસ જિતાડવાની અપેક્ષા પપ્પા પૂરી કરે એ જીદ, લગભગ દરેક દીકરીની હોય છે. ભૂલ કરીને આવે ત્યારે ધુત્કારને બદલે માફીને દીકરી પોતાનો અધિકાર ગણે છે. મમ્મીની વ્યાવહારિક કચકચ કરતાં પપ્પાનાં એનાં માટેનાં ઊંચાં ઊંચાં સપનાઓ દીકરીને પપ્પાની વધુ નજીક લાવે છે. તેથી જ મોટાભાગની દીકરીઓને પિતાએ બગાડેલી હોય છે. કુંવારી દીકરી જ નહીં પરણેલી દીકરીનાં દુઃખદર્દને પિતા સમજે અને પિતાનું ઘર એના માટે ક્યારેય પરાયું ન થાય એ અપેક્ષા આજની દરેક દીકરીની છે. બેટા ! જ્યારે મન થાય ત્યારે તું ખુશીથી દોડી આવજે, સુખ-દુઃખમાં આ ઘરના દરવાજા તારા માટે હંમેશાં ખુલ્લા છે એવું કહેનાર પિતા દીકરી માટે ભગવાની જરાય કમ નથી.
દીકરી પોતાના દર્દને ઝડપથી પિતા સમક્ષ ખુલ્લું કરતાં અચકાય છે. પોતાનાં દુઃખે પિતાને દુઃખ ન થાય એ માટે અનેક દીકરીઓ સહન થાય ત્યાં સુધી દુઃખ અને મુશ્કેલીઓ સહે છે એ એનો પિતા માટેનો પ્રેમ બિનશરતી છે અને પિતાના એવા જ પ્રેમની એને જરૂર છે, કારણ કે પિતાનો પ્રેમ એ એની સલામતીનું છત્ર છે. ભવિષ્યમાં એના જીવનમાં પ્રવેશનાર પુરુષ પાસેથી એની અપેક્ષાની બારીઓ પિતાના વ્યક્તિત્વના પ્રભાવ હેઠળ ખૂલે છે. એટલું જ નહીં પિતાના વ્યક્તિત્વ દ્વારા એ વિશ્વના અન્ય પુરુષોને મૂલવે છે. તેથી પિતા માટે સારા બનવું જરૂરી છે એ દીકરીના રોલમોડેલ છે. જો એમનામાં નકારાત્મક્તા હશે તો એની છાપ દીકરીનાં જીવન પર પડશે. દીકરીના મતે વિશ્વનો શ્રેષ્ઠ પુરુષ એનો પિતા છે અને આ શ્રેષ્ઠ બનવાની જવાબદારી જરાય ઓછી નથી. બીજું, આધુનિક દીકરીની શક્તિને માન અને પ્રોત્સાહન ન આપે એ પિતા દીકરીની નજરમાંથી ઊતરી જાય છે.
દીકરીમાં રહેલી સંભાવનાઓને વાસ્તવિક બનાવવા માટે પિતાના સપોર્ટની ઝંખના દીકરી માટે સહજ છે. એના સ્ત્રીત્વને જૂની-પુરાણી માનસિકતા દ્વારા ઉતારી પાડનાર, ભાઇ-બહેનના ભેદ રાખનાર કે દીકરીને બોજ ગણનાર પિતા માટે દીકરીના હૃદયમાં વ્યથા રહે છે. દીકરીના અસ્તિત્વને ઉત્સવ તરીકે જુએ અને એના માટે આનંદના સઘળા દરવાજા ખોલવાનું સામર્થ્ય પિતામાં દીકરી શોધે છે. દીકરીની દુનિયા વધુ ને વધુ સુંદર અને પ્રભાવી બને એ માટે પિતાએ સતત મથતા રહેવું પડે છે. નવા જમાનાની દરેક દીકરી નોખી છે, એનો જીવવાનો અંદાઝ અલગ છે. એ સ્પષ્ટ છે, સાહસિક છે, પડકારો ઝીલવા એને ગમે છે. કેટલીક સામા પ્રવાહે તરનારી છે, કેટલીક પોતાનો પ્રવાહ જાતે નક્કી કરનારી છે તો કેટલીક પ્રવાહમાં ભળી જનારી છે. દીકરીની અલગતાને, વિશિષ્ટતાને માન આપવું જરૂરી છે.
પિતાનો સ્વીકાર અને પ્રેમ એના ભવિષ્યમાં આત્મવિશ્વાસ પર ખૂબ ઊંડી અસર કરે છે. પિતાનો સ્વીકાર એનો આત્મવિશ્વાસ જ નહીં બોડીઈમેજ પણ સુધારે છે. સામાન્ય રીતે પિતા પરફેક્શનના આગ્રહી હોય છે અને દીકરી રમતિયાળ ઝરણાં જેવી. આમેય દીકરી ગણિત નહીં કવિતા છે એની પાસે એક વત્તા એક બરાબર બેનું ગણિત નથી હોતું. એ એની મરજી મુજબ જીવનનું ગણિત ઉકેલશે. એને પડીને ઊભા થવું ગમશે. એેનું મન હવાઇ કિલ્લામાં કેદ હશે. મે, બી એ દુનિયાની નજરમાં પરફેક્ટ ન હોય. આ ઇમપરફેક્ટનેસને પિતા સ્વીકારે એ જરૂરી છે. અન્ય કોઇનાં સંતાન સાથે સરખામણી આજની દીકરીઓને જરાય પસંદ નથી. વળી, દીકરી એટલે વગર ચાવીએ સતત બોલ બોલ કરતી નાનકડી ઢીંગલી. એને રોજ સાંભળતા થાકી જવાય એટલું કહેવું હોય છે અને પિતા પૂરી વાત સાંભળ્યા વિના જજમેન્ટલ બની જાય છે તો વચ્ચેથી જ એની બોલતી બંધ કરી દે છે. સારા પિતા પાસે દીકરીની બકબક અને વાંધા-વચકા સાંભળવાની ધીરજ જોઇએ.
જોકે સૌથી વધારે જરૂર પિતા દીકરી સમક્ષ પોતાના સ્વસ્થ અને આનંદિત મેરેજ લાઇફ દર્શાવે એ છે. પિતાના સંબંધના અન્ય પાસામાંથી બહાર આવતાં વ્યક્તિત્વને દીકરી અવલોકે છે. જો પિતા ત્યાં થોડા પણ ઓછા માર્ક્સ મેળવશે તો દીકરીની નજરમાંથી આદર અને પ્રેમનો ગઢ ખરવા માંડશે.
દીકરીના સારા પિતા બનવું એ દીકરાના પિતા બનવા કરતાં વધારે પડકાર રૂપ છે. દીકરીના પિતાએ સંવેદના-સમજણ, સાહસ-શ્રદ્ધા અને સપના તથા વાસ્તવિકતાનું બરાબર બેલેન્સ રાખીને ચાલવું પડે છે, કારણ કે દુનિયામાં ઊડવાની પાંખ દીકરીને પિતા પાસેથી મળે છે અને આજની દીકરીઓએ ઊડવું છે, દોડવું છે અને ઊંચે ચડવું પણ છે. આમ કરતાં પટકાય, અથડાય કે છોલાય ત્યારે પિતાના લંબાયેલા બે હાથની પ્રબળ ઝંખના દીકરીના રોમેરોમમાં છે.