રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. અને અકસ્માતોની ઘટનામાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના દાહોદમાં બની હતી. અહીં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને ટ્રક ચાલકે અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું જ્યારે પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થયા પાંચ પૈકી બે મુસાફરોની હાલત નાજુક જણાતા ગોધરા ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.
મળતી માહિતી પ્રમાણે દાહોદના દેવગઢબારીયાના કાળીડુંગરી ખાતે આજે પીકઅપ સ્ટેન્ડ પાસે મુસાફરો વાહનની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકે મુસાફરોને અડફેટે લીધા હતા ટ્રકની અડફેટે એક મહિલા ઉપર તોતિંગ ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય પાંચ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે દેવગઢબારીયા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા જે પૈકી બેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ દેવગઢબારીયા પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોર્સ્ટમોર્ટમ માટે મોકલી આપી ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ હોસ્પિટલમાં પરિજનોના ટોળા ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વરમાં ઈકો કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. અને 8 લોકો ઘાયલ થયા હતા. સૌરાષ્ટ્રથી યાત્રા કરી ભાભર જઈ રહેલી ઈકો કારને અકસ્માત નડ્યો હતો. આ કારમાં 10થી વધુ લોકો સવાર હતા.