દરેક વખતે પાર્ટનર જ તમારી સામે નમતું જોખે કે ઝૂકે તેવી અપેક્ષા ન રાખશો. એક વાર તમે પણ ઝૂકીને જુઓ. ગણતરીની મિનિટોમાં બધા જ ઝઘડા કે ગુસ્સો ગાયબ થઈ જશેપતિ-પત્ની એક સિક્કાની બે બાજુ હોય છે. તેઓ આખી જિંદગી એકબીજા સાથે વીતાવવાનાં હોય છે, તેથી તેમની વચ્ચે પ્રેમ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. સંબંધોને શ્રેષ્ઠ કે મધુર બનાવવાનું કામ બહુ મુશ્કેલ નથી, પરંતુ તેના માટે કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે, તેની શરૂઆત સંબંધમાં બંધાયાના પહેલા દિવસથી કરશો તો શ્રેષ્ઠ રહેશે. અહીં કેટલીક બાબતો જણાવી છે જેને અનુસરીને તમે તમારા બગડેલા સંબંધોને સુધારી શકશો અને સંબંધોમાં મધુરતા વધારી શકશો.
આ દુનિયામાં કોઈ પણ પરફેક્ટ નથી હોતું. તેથી પોતાના પાર્ટનર પાસેથી પણ પરફેક્શનની આશા ન રાખશો. ધ્યાન રાખો કે બીજાને તેમની ખામીઓની સાથે સ્વીકારો એ જ ખરો પ્રેમ છે.લગ્ન પછી પણ તમારી પોતાની જિંદગી, પોતાની સ્પેસ હોય છે. તેમાં કેટલાંક નિર્ણયો તમારા પોતાના હોય છે, છતાં પણ એવા નિર્ણયો જેની અસર તમારા બંને પર પડતી હોય તે એકલા ન લેવા. જેમ કે, નોકરી બદલવી, લોન લેવી અથવા કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરવી. આ નિર્ણયોમાં તમારા પાર્ટનરને પણ સામેલ કરો.
લગ્ન થાય કે તરત જ એકબીજાને બદલી નાખવાનું બીડું ન ઝડપી લેવું. આવા વિચારને પણ મન-મગજની બહાર કાઢી નાખો કે પાર્ટનરે તમારા કહ્યા અનુસાર ચાલવું પડશે. આના કારણે મનમુટાવ થઈ શકે છે. ક્યારેક આવી બાબતોથી પેદા થયેલા મતભેદ મનભેદમાં પણ પરિણમી શકે છે. આ જ બાબત રિલેશનમાં હોય તેવાં કપલ્સને પણ લાગુ પડે છે. માટે પહેલેથી જ એકબીજાને ખૂબીઓ અને ખામીઓ સાથે સ્વીકારો.
જો તમે પાર્ટનરમાં કોઈ બદલાવ ઇચ્છતા હો, તે તેના હિતમાં હોય તો તેની શરૂઆત આલોચના કરીને કે ખરાબ રીતે ન કરશો. તેને બહુ કેરફુલી હેન્ડલ કરો. તેને પ્રેમથી સમજાવો. સાથે સાથે એક જ રાતમાં બદલાવની આશા ન રાખશો.
નાની-નાની ખુશીઓ વહેંચતા પણ શીખો. ભલે પછી તે ફુવારામાં પલળવું હોય કે પછી ઢળતા સૂરજને જોવો હોય. તેમાં પણ એક ખાસ ખુશી છુપાયેલી હોય છે. તેને એન્જોય કરો. કોઈ મોટી ખુશી આવે તેની રાહ જોતા બેસી ન રહેશો, કારણ કે તે ક્યારે આવે શી ખબર! પાર્ટનર સાથે નાની-નાની ખુશીઓ વહેંચો, જિંદગીની દરેક નાની-મોટી ખુશીઓનો આનંદ લો.
સંબંધોમાં કમ્યુનિકેશન ગેપ ન આવવા દેશો. સંબંધોમાં મૌન એ પ્રેમનો સૌથી મોટો દુશ્મન હોય છે. તેથી કોઈ પણ સ્થિતિમાં કમ્યુનિકેશન જાળવી રાખો. પાર્ટનર સાથે મનની વાત, પોતાની લાગણીઓ શૅર કરો. તેમની કોઈ વાત તમને સારી લાગે તો ચોક્કસ તેનાં વખાણ કરો. તેમને કોમ્પ્લિમેન્ટ્સ આપવાનું ન ભૂલશો.
સમયની કમીનાં રોદણાં ન રોશો. જો તમને એવું લાગતું હોય કે તમારા બિઝી શિડયૂલને કારણે તમારા સંબંધો પ્રભાવિત થઈ રહ્યા છે તો થોડો પણ સમય ગુમાવ્યા વગર તેનું સોલ્યુશન કાઢો. સંબંધોને શક્ય તેટલો વધારે સમય આપવાનો પ્રયત્ન કરો.નો સેક્સની સ્થિતિ પણ સંબંધો માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી આવી સ્થિતિ ક્યારેય ન આવે તે જોવું જરૂરી છે.
મોબાઈલ, ટીવી, લેપટોપ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ લોકો માટે ટચમાં રહેવા કે જાણકારી મેળવવા માટે શ્રોષ્ઠ છે, પરંતુ તેનો અતિરેક યોગ્ય નથી. ઓફિસ અને મિત્રોના ચક્કરમાં ફેમિલીની અવગણના ન કરશો. દરેક સ્થિતિમાં બેલેન્સ જાળવી રાખો.
દરેકની જિંદગી અને સંબંધોમાં ઉતાર-ચઢાવ તો આવતા જ રહે છે. ક્યારેય ફાઈનાન્સિયલ કે ફેમિલી પ્રોબ્લેમ પણ આવી શકે છે, પરંતુ તેના માટે પાર્ટનરને દોષ આપવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. મનમાં કોઈ પ્રકારનું ફ્રસ્ટ્રેશન (તણાવ) ન આવવા દેશો. જો તે આનંદમાં રહેવાનો પ્રયત્ન કરશો તો તમને એ ખબર પણ નહીં પડે કે પ્રોબ્લેમ ક્યારે દૂર થઈ ગયો. આવું રહે તો કોઈ પણ પ્રોબ્લેમ ચપટી વગાડતામાં દૂર થઈ શકે છે.
પાર્ટનરના વિચાર એકબીજા સાથે મળતા આવે તે સારી બાબત છે, પરંતુ મળતા આવે જ એવું જરૂરી નથી. જે મુદ્દા પર તમારા વિચાર મળતા ન હોય તેના પર બિનજરૂરી ચર્ચા કરવાથી કે પોતાની વાત મનાવવાની જિદ્દ કરવાથી બચો. તેનાથી સંબંધોમાં સ્ટ્રેસ વધે છે.સંબંધોમાં સુગંધ ભળે તે માટે એકબીજાને ટાઈમ આપવો બહુ જરૂરી છે. યાદ રાખો કે તમે જે પણ સમય સાથે વીતાવી રહ્યા છો તે ક્વોન્ટિટી ટાઈમ ન હોતા ક્વોલિટી ટાઈમ હોવો જોઈએ.એકબીજા સાથે પોતાનો અનુભવ, આઈડિયા, વિચાર શૅર કરો, પરંતુ અહીં ધ્યાન રાખવાનું એ છે કે શૅરિંગના નામ પર માત્ર ફરિયાદો ન થવા લાગે! આમ થશે તો સંબંધોમાં કડવાશ ફેલાશે તે નક્કી છે.
પોતાના સંબંધોનું સ્વમૂલ્યાંકન કરો. એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારા વ્યવહારમાં એવી કઈ બાબત છે જે તમારા લાઈફ પાર્ટનરને પસંદ નથી. પોતાને એ વચન આપો કે એવું કંઈ પણ નહીં કરો કે જેનાથી તમારા પાર્ટનરની લાગણીઓને ઠેસ પહોંચે.સંબંધોમાં ઈગોને વચ્ચે ન આવવા દેશો, કારણ કે તેનાથી સંબંધોમાં અંતર વધવા લાગે છે.
ઘરની કે બહારની કોઈ પણ જવાબદારી લેતા ગભરાશો નહીં, બધી જ જવાબદારી પાર્ટનરની હોય તે જરૂરી નથી, ક્યારેક પાર્ટનરને પણ રાહત આપવી જોઈએ. તમે જે પણ જવાબદારી ઉઠાવો તેને પ્રામાણિકતાથી નિભાવો. સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે ઘર-પરિવારની જવાબદારીઓ પાર્ટનર સાથે વહેંચી લો. જો એક પાર્ટનર પર વધારે જવાબદારી હશે તો તેનું ફ્રસ્ટ્રેશન વધશે અને તે ફ્રસ્ટ્રેશન સંબંધોમાં પણ જોવા મળશે.
બાળકોના અભ્યાસની વાત હોય કે નાનાં-મોટાં કામ, તમારો વ્યવહાર સહકારવાળો હોવો જોઈએ. ખાસ કરીને વર્કિંગ કપલ્સ માટે તો તે ખૂબ જ જરૂરી છે. તેનાથી સામંજસ્ય વધે છે અને પરસ્પરનો સંબંધ મજબૂત થાય છે.પતિ-પત્ની વચ્ચે શિષ્ટાચાર જરૂરી છે. તેથી વાતચીતમાં હંમેશાં શિષ્ટાચાર જાળવી રાખો. દરેક પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા અને મતભેદ થતા હોય છે, પરંતુ એટલો પણ કંટ્રોલ ન ગુમાવશો કે તમારા મોંમાંથી ખરાબ શબ્દો નીકળી જાય, કારણ કે કમાનમાંથી છૂટેલું તીર અને મોંમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછાં વળતાં નથી અને તે સામેવાળાને ઘાયલ જ કરે છે.એકબીજાને વચન આપો કે ગમે તેવો ઝઘડો થયો હોય બીજા દિવસે સવારે તેની અસર ન દેખાવી જોઈએ. રાત્રે નિદ્રાને શરણે થાઓ તે પહેલાં જ ઝઘડાનું સોલ્યુશન કાઢી નાખવું જોઈએ.
લડાઈ-ઝઘડાનો ઉપયોગ અધિકાર જમાવવાના અધિકાર તરીકે ન કરશો, કારણ કે પાર્ટનરને કંટ્રોલમાં કરવો તે પ્રેમ નથી અને તેનાથી તમારી વચ્ચેનું અંતર વધી શકે છે અને સંબંધોમાંથી પ્રેમ ગાયબ થઈ શકે છે. યાદ રાખો, લડાઈ જીતવાને બદલે દિલ જીતવાનો પ્રયત્ન કરો. તેના માટે ભલે તમારે પાર્ટનર સાથેની લડાઈમાં હારવું પડે!ક્વોલિટી ટાઈમ અને પર્સનલ સ્પેસ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયત્ન કરો. એકબીજા માટે રોજ થોડો ક્વોલિટી ટાઈમ ફાળવો એટલે કે રોજ ફુરસદનો સમય કાઢો જ્યારે તમે બેસીને થોડી વાર વાત કરી શકો, તમારી ભાવનાઓ વહેંચી શકો. અહીં પર્સનલ સ્પેસનો અર્થ એ છે કે પોતાના પાર્ટનરને થોડા સમય માટે એકલો છોડી દો, જેથી તે રિલેક્સ થઈને પોતાની પસંદગીનું કામ કરી શકે.
એકબીજાને પૂરતી સ્પેસ આપો. લગ્નના બંધનના નામે પતિને દરેક વખતે બંધનમાં બાંધવાનો પ્રયત્ન ન કરશો. પતિ પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં, હોટલમાં જમવા કે ફરવા જવા ઇચ્છતો હોય તો તેને ખુશી-ખુશી જવા દો. તે જ રીતે પત્ની પિયરના લોકો કે ફ્રેન્ડ્સ સાથે ફોન પર વાત કરી રહી હોય ત્યારે બિનજરૂરી રોકટોક ન કરશો.રસોઈ સારી નથી બની, તું તો કોઈ કામ સરખી રીતે નથી કરતો/કરતી વગેરે જેવી ફરિયાદો લઈને ન બેસી જશો.
તમારી પાર્ટનર પાસેથી શું અપેક્ષા છે, તમે શું ગિફ્ટ મેળવવા ઇચ્છો છો તે સીધેસીધું પાર્ટનરને જણાવી દો. ‘પતિ છે તો એટલું તો તેને ખબર હોવી જ જોઈએને!’ જેવા જુનવાણી વિચારો તમને દુઃખી કરી શકે છે. તમે ક્યાં જવા ઇચ્છો છો તે સ્પષ્ટ જણાવો. તમને આટલી પણ નથી ખબર કે પછી તમે તો મારા મનની વાત સમજતા જ નથી જેવી દલીલો બેકાર છે.
યાદ રાખવા જેવાં સોનેરી સૂત્રો
- સંબંધોમાં કોમ્પ્રોમાઈઝ કરતાં શીખો.
- થોડી સહનશીલતા પણ જરૂરી છે, તેને ક્યારેય ન ખોશો.
- પાર્ટનરની કેટલીક ટેવો કે ભૂલોની અવગણના કરતા પણ શીખો.
- તમારો પાર્ટનર કંઈક શૅર કરવા ઇચ્છતો હોય તો તેની વાત કાપ્યા કે કોમેન્ટ કર્યા વગર ધ્યાનથી સાંભળો.
- પાર્ટનર પર વિશ્વાસ રાખો અને તેની ઇચ્છાઓનું સન્માન કરો.
- એકબીજાને બરાબરનો દરજ્જો આપો. ક્યારેય પાર્ટનર કરતાં પોતાને સુપીરિયર બતાવવાનો પ્રયત્ન ન કરશો.
- પાર્ટનરના પરિવાર કે મિત્રો પ્રત્યે ઉપેક્ષિત વલણ ન રાખશો.
- પાર્ટનરને સંપૂર્ણ સપોર્ટ કરો. જિંદગીમાં આગળ વધવા માટે તેને પ્રોત્સાહિત કરો.
- પાર્ટનરની વાતો છુપાઈને ન સાંભળશો, તેની જાસૂસી કરવાની ભૂલ ભૂલથી પણ ન કરશો.