ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના પરીણામ જાહેર થયાં છે. જેમાં સુરતના વિદ્યાર્થીએ 115.25નો સ્કોર અને 99.96 પર્સેન્ટાઈલ મેળવ્યાં છે. ગુજકેટના પરિણામમાં સફળતા મેળવનાર લાખાણી શ્વેતએ જણાવ્યું હતું કે, ધોરણ 12ની પરીક્ષાનું માસ પ્રમોશનથી પરિણામ આવ્યું હતું. જેમાં A-1 ગ્રેડ આવ્યો હતો. પરંતુ અમારા શિક્ષકોએ કહ્યું હતું કે, ગુજકેટ લેવાશે માટે મહેનત ન બંધ કરતાં. બસ ત્યારથી રોજની 8થી 10 કલાકની મહેનતથી સફળતા મળી છે.
કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા
ગુજકેટની પરીક્ષામાં સફળતા મેળવનાર શ્વેત સુરેશભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, મેં ધોરણ 1થી 12 સુધી વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કર્યો છે. ત્યારે હવે આગળ અમદાવાદની ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટમાં એડમિશન લેવાની ઈચ્છા છે. કોમ્ય્યુટર સોફ્ટવેર ક્ષેત્રમાં આગળ વધીને દેશ માટે કંઈક કરવાની ઈચ્છા છે. મારી આ એક્ઝામ દરમિયાન માતા-પિતા અને મોટી બહેનનો ખૂબ જ સપોર્ટ રહ્યો હતો. જેથી આ સફળતા મળી શકી છે.
સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવો છે-પિતા
શ્વેતના પિતા સુરેશભાઈએ કહ્યું કે, હું અને મારી ધર્મપત્ની વનિતા માત્ર 10 ધોરણ જ ભણેલા છીએ. પરંતુ મારી મોટી દીકરી હાલ સીએના ઈન્ટરમીડિયેટના બીજા વર્ષમાં છે. દીકરો શ્વેત પણ પહેલેથી જ હોશિયાર છે. 10માં ધોરણમાં પણ તેને A-1 ગ્રેડ આવેલો અને 12માં ધોરણમાં સારૂ પરિણામ આવ્યુ.હવે ગુજકેટ બાદ તેની ઈચ્છા પ્રમાણે આગળ અભ્યાસ કરાવવો છે. બંન્ને સંતાનોને ભણે ત્યાં સુધી ભણાવવાની ઈચ્છા છે.