રાજ્યના ઉત્તરભાગમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છ. હજુ ગઈ કાલ સુધી હવામાન વિભાગ અવઢવમાં હતું કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થશે. હવામાન વિભાગની આ મૂંઝવણ વચ્ચે આજે રાજ્યમાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક ભાગોમાં વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.
આજે અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા સહિત અનેક જિલ્લાઓમાં સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હતાં અને એક સાથે વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આજે સવારથી જ અમદાવાદના વેજલપુર, મકરબા, નિકોલ. ઘાટલોડિયા, ગોતા, સોલા, સાઉથ બોપલ, નરોડા, ઠક્કરબાપા નગર, સાયન્સ સિટી સહિતના અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.
રાજ્યમાં આખી રાત ભેજના અત્યાધિક પ્રમાણને કારણે ભારે બફારાનો અનુભવ થયો હતો. આખી રાતના બફારા બાદ સવારે એકાએક વરસાદ તૂટી પડતાં લોકોને રાહતની સાથે વિજળીના કડાકાને કારણે આશ્ચર્યનો પણ અનુભવ થયો હતો. આજે આખો દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભારે પવન પણ ફૂંકાશે તેથી લોકોને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ભાવનગર, તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આજે માછીમારોને સાવચેતી રાખવા જણાવ્યું છે.
જિલ્લાવાર તાપમાનના આંકડા પર એક નજર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદ વરસ્યા બાદ અમદાવાદનું તાપમાન ફરી વધી શકે છે જે ૪૧ ડીગ્રી સુધી જઈ શકે છે. આજે આણંદ જિલ્લામાં પણ ૪૧ ડીગ્રી સુધી તાપમાન રહેશે જ્યારે અમરેલી અને બોટાદ જીલ્લામાં ૪૨ ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. જો ભેજની વાત કરીએ તો આજે અમરેલી જિલ્લામાં ૪૪% જેટલો ભેજ રહી શકે છે.
આજે કચ્છ, ખેડા અને સુરેન્દનગરમાં ૪૧ ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. જ્યારે ગાંધીનગર, સુરત, નવસારી, મહેસાણા, જૂનાગઢ અને છોટા ઉદેપુરમાં ૪૦ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે અરવલ્લી, ભરૂચ અને દાહોદ જિલ્લામાં ૩૯ ડીગ્રી જેટલું તાપમાન રહી શકે છે. આજે ભાવનગર, ડાંગ, દેવભુમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન રહેશે.
આજે ગીર સોમનાથ અને મોરબીમાં ૩૪ ડીગ્રી જેટલું તાપમાન રહેશે જ્યારે રાજકોટ અને તાપી જિલ્લામાં મહત્તમ ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે બનાસકાંઠા અને વલસાડમાં ૩૮ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે તેથી આજે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે તેમ છે.