ચોમાસુ આવે છે એટલે આ વીમો કઢાવી લેશો તો અણધાર્યા નુકસાનથી બચી જશો

Posted by

સરકારની એવી ઘણી યોજનાઓ છે કે જે તમને અણધારી આફતોમાં મદદ કરી શકે છે. પણ જાણકારીના અભાવે લોકો એ યોજનાનો લાભ ઉઠાવી શક્તા નથી અને નુકસાની ભોગવે છે. આજે સરકારની એવી જ એક વીમા યોજના વિશે જાણીશું જે તમને અણધારી આફતોમાં મદદ તો કરશે જ સાથે જ તમારા નુકસાનની ભરપાઈ પણ કરશે. જો તમે ખેડૂત હોવ તો આ લેખ તમારા માટે જ છે. આપણે વાત કરી રહ્યાં છીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની.

શું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખાસ કરીને ખેડૂતો માટે લાગુ કરવામાં આવી છે. ખેડૂતો મહમહેનતે અને કેટલીક વાર તો દેવું પણ કરીને ખેતરમાં પાક લેતાં હોય છે અને યોગ્ય વળતરની આશા રાખતાં હોય છે. પણ કેટલીક કુદરતી આફતો જેવી કે, દુકાળ, અતિવૃષ્ટી કે પૂરના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી જતું હોય છે. ખેડુતોને આવી આફતો સામે આર્થિક રક્ષણ મળે તે હેતુથી સરકારે આ યોજના લાગુ કરી છે.

કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે

બધા જ ખેડૂતો જેમાં ભાગિયા/ ભાગીદાર અને ગણોત ખેડૂતો કે જેઓ નિયત વિસ્તારમાં પોતાનો પાક પકવતાં હોય.

જે ખેડૂતો મોસમી ખેતી કરતાં હોય અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવતાં હોય તેવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ફાયદા

• આ યોજના હેઠળ એક નહિ પરંતુ ચાર પ્રકારે વીમા કવરેજ મળવાપાત્ર છે.

• ઓછા વરસાદ, દુકાળ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને લાભ મળશે.

• વાવેતર પછી ઊભા પાકોને નુકસાન થાય તેવા કિસ્સા જેમ કે, દુકાળ, પાણીની અછત, પૂર, તીડનું આક્રમણ, કુદરતી આગ, ભુસ્ખલન, વાવાઝોડું જેવી આફતોમાં લાભ આપવામાં આવશે.

• લણણી કર્યા પછી નુકસાન થાય જેમ કે વાવાઝોડું અને કમોસમી વરસાદ દ્વારા સંગ્રહેલા પાકને નુકસાન થાય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે સપ્તાહ માટે રક્ષણ મળશે.

• સ્થાનિક જોખમો કે કુદરતી આફતો જેવા કે, કરાવર્ષા, ભુસ્ખલન, જળપ્રલયો ને કારણે થતાં નુકસાન સામે રક્ષણ મળશે.

• આ યોજના હેઠળ માત્ર ચોમાસામાં જ નહિ, પરંતુ કોઈપણ સીઝનમાં લાભ મળવાપાત્ર છે.

વીમાનું પ્રિમીયમ કેટલું હશે

• આ યોજના કિસાનોના ઉત્કર્ષ માટે જ છે તેથી વીમા પ્રિમીયમના દર પણ ઘણા ઓછાં રાખવામાં આવ્યાં છે.

• જો ખરીફ સીઝન (ચોમાસુ) માટે વીમો લેવો હોય તો વીમાની કુલ રકમના માત્ર ૨ ટકા જ પ્રિમીયમ ભરવાનું રહેશે.

• જો રવિ સીઝન (શિયાળુ પાક) માટે વીમો લેવો હોય તો વીમાની કુલ રકમના માત્ર ૧.૫ ટકા જ પ્રિમીયમ ભરવાનું રહેશે.

• જો રોકડીયા અને બાગાયતી જેવા વાર્ષિક પાકો માટે વીમો લેવો હોય તો વીમાની કુલ રકમના ૫ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે.

• આ યોજના જે તે સીઝન પૂરતી જ હશે. નવી સીઝન શરૂ થયે ફરીથી પ્રિમીયમ ભરીને વીમો કરાવો પડશે.

આ યોજનાનો લાભ ક્યાંથી મળશે

આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા જિલ્લાની જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર જઈને સંપૂર્ણ જાણકારી મેળવી શકાશે.
જો તમારે આ યોજના સંદર્ભે કે ખેતીવાડી સંદર્ભે અન્ય કોઈ બાબતે કોઈ પ્રશ્ન હોય સરકારે કિસાન કોલ સેન્ટર પણ ખોલ્યું છે.
કિસાન કોલ સેન્ટર નંબર:- ૧૮૦૦૧૮૦૧૫૫૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *