જે કાબુલ એરપોર્ટ પર 6 દિવસથી સતત હજારો લોકોની ભીડ એકત્રિત થયેલી છે, લોકો ચાલુ પ્લેન પર લટકી રહ્યા છે, આકાશમાંથી પડવાથી તેમના મોત થઈ રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિને સંભાળવા માટે ફાયરિંગ પણ કરવું પડી રહ્યું છે, આ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એક આઘાતજનક તસવીર સામે આવી છે. અહીં બ્રિટનના ભૂતપુર્વ બ્રિટીશ કમાન્ડોની પત્નીને લઈ જવા એક વિમાને ઉડાન ભરી હતી અને સમગ્ર વિમાનમાં ફક્ત 3-4 લોકો જ હતા.
તસવીર બ્રિટનના કમાન્ડો પોલ પેન ફાર્થિંગે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે કહ્યું કે તેમણે પોતાની પત્નીને ગ્લોબમાસ્ટર વિમાન મારફતે કાબુલની બહાર સુરક્ષિત મોકલી, પણ વિમાન ખાલી હતું. અનેક લોકો એરપોર્ટની બહાર વિમાનોમાં જગ્યા મળે તે માટે રાહ જોઈ રહ્યા છે. અભિયાન યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યું નથી.
ફાર્થિંગે કહ્યું- કાબુલમાં સ્થિતિ ભયજનક છે
ફાર્થિંગે સ્કાઈ ન્યૂઝને જણાવ્યું હતું કે એરપોર્ટ પર સતત અફરાતફરીનો માહોલ છે. આ સંજોગોમાં અનેક પ્લેન સંપૂર્ણપણે ભરાઈ રહ્યા નથી. પ્રત્યેક કલાકે વિમાન ઉડાન ભરી રહ્યા છે. લોકો એરપોર્ટની અંદર આવી શકતા નથી. આપણે ચોક્કસપણે કેટલાક લોકોને પાછળ છોડી રહ્યા છીએ. આ લોકોને બહાર કાઢવા માટે અભિયાનમાં ઘણી મોટી ખામી છે. અમે ચોક્કસપણે ખૂબ જ ખરાબ તસવીર જોઈ રહ્યા છીએ. કાબુલમાં ખરેખર ભયજનક સ્થિતિ છે.
અગાઉ પ્રયત્ન કરેલો, પણ પત્ની ભાગદોડમાં ફસાઈ ગઈ
ફાર્થિંગની પત્ની કૈસા નોર્વેની રહેવાસી છે. તેણે અગાઉ પણ અફઘાનિસ્તાન બહાર જવાનો પ્રયત્ન કરેલો, પણ ત્યારે ભાગદોડમાં તે ફસાઈ ગયેલી. આ વખતે ફાર્થિંગ અને તેની પત્નીએ કાબુલ એરપોર્ટ જવા માટે સવાર પડે તે અગાઉનો સમય પસંદ કર્યો હતો. ફાર્થિંગે કહ્યું કે અમે ભારે ભાગદોડની સ્થિતિથી બચવા ઈચ્છતા હતા. રાત્રીના સમયે જવામાં ભારે જોખમ રહેલું હતું, પણ અમે એરપોર્ટ સુધી પહોંચી ગયા. ફાર્થિંગ પોતાના એક સાથી કર્મચારી કે જે પ્રેગ્નન્ટ હતી અને તેના છોકરાને પણ એરપોર્ટ પર પહોંચાડવામાં સફળતા મળી.
ભૂતપુર્વ કમાન્ડોએ સાથીઓ વગર અફઘાનિસ્તાન છોડવાનો ઈન્કાર કર્યો
પત્નીને સુરક્ષિત રીતે અફઘાનિસ્તાન બહાર મોકલ્યા બાદ ફાર્થિંગ પરત ફર્યાં હતા. તેઓ કાબુલમાં એક એનિમલ શેલ્ટર ચલાવે છે, જે તેમણે 15 વર્ષ અગાઉ તૈયાર કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમની સાથે કામ કરનારા 71 લોકોનો સ્ટાફ સુરક્ષિત રીતે બહાર મોકલવામાં ન આવે ત્યા સુધી તેઓ પણ નહીં જાય. તેમણે બ્રિટીશ સરકાર પાસેથી પણ મદદ માગી છે.
તાલનિબાની દસ્તાવેજ વાંચી શકતા નથી, માટે એરપોર્ટની અંદર જવા દેતા નથી
એક અહેવાલ પ્રમાણે જે અફઘાન નાગરિક બહાર જવા માટે આવશ્યક દસ્તાવેજ લઈ એરપોર્ટ પર પહોંચ્યા છે, તેમને પણ અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. તાલિબાન આ દસ્તાવેજો વાંચી શકતા ન હોવાથી તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. સ્થાનિક નાગરિકો ઉપરાંત વિદેશી નાગરિકોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.