બિપોરજોય વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાને ધમરોળશે, જાણો સંપૂર્ણ વિગત

Posted by

બિપોરજોય વાવાઝોડું દિવસે ને દિવસે ગુજરાતની નજીક આવી રહ્યું છે. હજું કાલ સુધી તે પોરબંદરના દરિયા કિનારાથી દક્ષિણ પશ્ચિમે ૨૯૦ કિમી દૂર હતું અને જખૌ બંદરથી ૩૬૦ કિમીના અંતરે હતું. આ વાવાઝોડું તારીખ ૧૫ જુન સુધીમાં ગુજરાતને ટકરાશે તેવી શક્યતા છે. વાવાઝોડાંની અરસ હાલ પણ સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પૂરજોશમાં પવન ફૂંકાઈ રહ્યો છે.

વાવાઝોડાંની અરસને પગલે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હાલ અહીં પવનની ઝડપ વધી રહી છે. વાવાઝોડાંને કારણે દરિયામાંથી ૩૦ ફૂટ ઊંચા મોજા ઊછળી રહ્યાં છે. ગુજરાતનો દરિયાકિનારો હાલ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ અને સદાય ધમધમતું કંડલા બંદર અત્યારે શાંત પડ્યું છે. અહીં માણસોની અવરજવર પ્રતિબંધિત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ બંદરો પર હાઈ એલર્ટ આપીને કોઈપણ વ્યક્તિએ બંદરોએ પ્રવેશ કરવો નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હાલ બંદરો દ્વારા થતું પરિવહન અને વિદેશ વેપાર બંધ કરવામાં આવ્યો છે. ગઈ કાલે મુંબઈના જુહુ બીચ પર પ્રતિબંધ હોવા છતાં સહેલાણીઓ દેખાયા હતાં. દરિયાના ઊંચા મોજાઓ કેટલાંક સહેલાણીઓને પોતાની સાથે ખેંચી ગયા હતાં. હજું પણ કેટલાંક સહેલાણીઓની શોધખોળ ચાલું છે.

ગુજરાતના દરિયાકિનારે હાઈ એલર્ટ આપીને પ્રવેશ પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. દરિયાકિનારાના ગામડાંઓને તાત્કાલિક ધોરણે ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી શકે છે. આ ગામડાંઓ માટે તાત્કાલિક ધોરણે શેલ્ટર હોમ પણ બનાવ્યાં છે. ગઈકાલે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક જગ્યાઓએ નુકસાન થયું હતું. કેટલાંક ઘરના શેડ ઊડી ગયાં હતાં અને કેટલીક જગ્યાએ વૃક્ષોના ધારાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી.

વાવાઝોડાંના આગમનને પગલે ગુજરાત સરકારે દરિયાકિનારાના વિસ્તારોમાં NDRF અને SDRF ટીમો તહેનાત કરી દીધી છે. ૧૦૮ ઇમરજન્સી અને ડૉકટોરોની ટીમો પણ તૈયાર રાખી છે, જેથી કોઈ પણ અનુચિત ઘટના નિવારી શકાય. અત્યારે સમગ્ર ગુજરાતનું તંત્ર હાઈ એલર્ટ પર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હવામાન વિભાગના સતત સંપર્કમાં છે અને પળેપળની જાણકારી લઈ રહ્યાં છે. ગુજરાતમાં આવનારા ચક્રવાતને પગલે કોઈ અનુચિત ઘટના ન ઘટે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતશાહે પણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

બિપોરજોય વાવાઝોડું હાલ પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે તારીખ ૧૪ જુને ગુજરાતના દરિયાકિનારાઓના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતને આ વાવાઝોડાંથી સૌથી વધુ નુકસાન ૧૫ જુને થઈ શકે છે. આ નુકસાન ન થાય તે માટે સરકારી તંત્ર ખડેપગે ઊભું છે. હાલ દ્વારકા અને કચ્છના દરિયાકિનારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં કચ્છ, દ્વારકા, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હાલ કંડલા, જામનગર, ઓખા અને નવલખી બંદરો પર ૧૦ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા અને સલાયા બંદરો પર ૯ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

વાવાઝોડાંની દિશા પ્રમાણે એવું કહીં શકાય કે તે ઉત્તર દિશામાં આગળ વધતું વધતું કરાચી અને કચ્છ વચ્ચે ક્યાંક લેન્ડફોલ થશે. હાલની પરિસ્થિતિ પ્રમાણે તે ઉત્તર પૂવમાં આગળ વધી રહ્યું છે. જો વાવાઝોડું આ જ દિશામાં આગળ વધશે તો તારીખ ૧૫ જુનના બપોર સુધીમાં તે જખૌના બંદરે ટકરાશે અને તેની અસર આખા ગુજરાતને થશે. જો આ વાવાઝોડું જખૌ બંદરે ટકરાય તો તે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાને ધમરોળશે તે નક્કી છે.

એક નજર જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર

આજે અમદાવાદ, બોટાદ, છોટાઉદેપુર, દેવભુમિ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી રહેશે, જયારે પોરબંદર, ખેડા, જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી રહેવાની સંભાવના છે. આજે મહેસાણા, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી રહેશે, જ્યારે મહીસાગર જિલ્લાનું તાપમાન ૪૪ ડીગ્રી રહેવાની સંભાવના છે.

આજે નર્મદા, પંચમહાલ અને વડોદરા જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી રહેશે, જ્યારે સાબરકાંઠા, ડાંગ અને ભરુચ જિલ્લામાં ૩૬ ડીગ્રી, જ્યારે ભાવનગર અને ડાંગ જિલ્લામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે વલસાડ, પાટણ અને દાહોદ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી રહેશે, જ્યારે ગાંધીનગર જિલ્લાનું મહત્તમ તાપમાન માત્ર ૩૩ ડીગ્રી જેટલું રહેવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *