અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ભયજનક રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હજું થોડાં દિવસો પહેલાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તેવી કોઈ શક્યતા ન હતી, પરંતુ આ વાવાઝોડાં એ અચાનક પોતાનો માર્ગ બદલતા ગુજરાત તરફનો રૂખ અપનાવ્યો છે. ભયજનક રીતે આગળ વધતું આ વાવાઝોડું દ્વારકા અથવા કચ્છના માંડવીના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે.
ગઈકાલે વાવાઝોડું પોરબંદરથી ૩૭૦ કિમીના અંતરે અને દ્વારકાથી ૪૧૦ કિમીના અંતરે હતું. આ વાવાઝોડું હાલ ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. ૧૫ તારીખ સુધીમાં આ વાવાઝોડાંની ગુજરાતમાં ભયાનક અસર જોવા મળશે. દરિયાકિનારાના વિસ્તારોમાં ૧૩૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હાલ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના બંદરો પર બે નંબરનું ભયજનક સિગ્નલ અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના બંદરો પર ૪ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વાવાઝોડાંની અસરને પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકિનારાના પ્રદેશો જેવા કે, કચ્છ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ ૧૩ થી ૧૫ જુન દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે.
વાવાઝોડાંની આગાહી વચ્ચે અગમચેતીને પગલે સમગ્ર ગુજરાતનું તંત્ર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગ પળેપળની માહિતી મુખ્યમંત્રી ઓફિસ સુધી પહોંચાડી રહી છે. રાજ્યના બધાં બંદરો પર NDRF અને SDRF ની ૧૨-૧૨ ટીમો ઉતારવામાં આવી છે. દરિયામાં ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા ઊછળી રહ્યાં છે. સરકારે ગુજરાતના ફરવાલાયક બધા બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યાં છે. દરેક બંદરો હાઈ એલર્ટ પર છે અને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાંને પગલે ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. આજે અમદાવાદ, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં ૩૮ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે રાજકોટ, પોરબંદર, નર્મદા, અરવલ્લી, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં ૩૯ ડીગ્રી જેટલું તાપમાન રહેશે.
આજે અમરેલી, આણંદ, ભરુચ અને ડાંગ જિલ્લામાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન રહેશે, જ્યારે બોટાદ અને સુરત જિલ્લામાં ૪૨ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે તાપી, મહેસાણા, ખેડા, કચ્છ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં ૪૧ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે. આજે જામનગર, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં ૪૦ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે મહિસાગર જિલ્લામાં ૪૩ ડીગ્રી જ્યારે મોરબી જિલ્લો ૪૪ ડીગ્રી તાપમાન સાથે સૌથી ગરમ જિલ્લો બનશે.
આજે નવસારી, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે વલસાડ જિલ્લામાં ૩૪ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. જો ભેજની વાત કરીએ તો આજે જામનગર જિલ્લાની હવામાં ૪૩% જ્યારે પોરબંદર જિલ્લાની હવામાં ૫૬% ભેજનું પ્રમાણ રહેશે. જોકે વાવાઝોડાંના પગલે આજે આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.