ભીમ અગિયારસ નામ કેવી રીતે પડયું?
જયેષ્ઠ શુકલ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે. વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકુ. મારા પેટમાં બૃક નામનો અગ્નિ છે, તેથી હું ભુખ્યો નહીં રહી શકું.ત્યારે વેદવ્યાસજીએ માત્ર, જ્યેષ્ઠ શુકલ એકાદશીએ નિર્જળા વ્રત કરવા જણાવ્યું. ભીમે જયેષ્ઠ શુકલ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યો, તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે.
ભીમ અગિયારસનું મહત્વ શું છે?
ભીમ અગિયારસનો નિર્જળા ઉપવાથી કરવાથી પાંડવો તમામ આપત્તિઓમાંથી બહાર આવી ગયા હતા.વિશેષમાં વૃષભ અને મિથુનની સંક્રાતિ વચ્ચે જયેષ્ઠ શુકલ એકાદશી આવે છે. તેથી તે દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી માનવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઇ મોક્ષનો અધિકારી બને છે.
ભીમ અગિયારસનું વ્રત કેવી રીતે કરવું અને તેનું શું ફળ મળે છે?
જયેષ્ઠ શુકલ એકાદશીએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી નિર્જળા રહેવાનું વિધાન છે. માત્ર સ્નાન અને આચમન પુરતું જળ માન્ય છે. આ પવિત્ર દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.’ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રના જાપ પણ અતિ પુણ્યદાયક છે. દ્વાદશીના સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિ પરવારી, ભૂખ્યાને, તથા બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું.આ પ્રકારે વ્રત કરવાથી આપણાં અંત સમયે યમદૂત આપણાથી દૂર રહીને ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઇ જઇ નિત્ય પ્રભુના ચરણમાં સ્થાન આપે છે.
ભીમ અગિયારસે શું શું દાન કરવું
ભીમ અગિયારસે ઉપાસકે, ગૌદાન, વસ્ત્રદાન, છત્રદાન, ઋતુ ફળ, દૂધ, જળ વગેરેનું દાન કરવું. બ્રાહ્મણ અને ભૂખ્યાને અન્નદાન કરવું.
નિર્જળા એકાદશી શા માટે કહેવાય છે?
જયેષ્ઠ શુકલ એકાદશી વૃષભ અને મિથુનની સંક્રાન્તિ કાળમાં આવે છે. તે દિવસે પાણી પીવું પણ પાપ છે. તે દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાથી તેને નિર્જળા એકાદશી કહેવાય છે.