હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આજે રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનના રણમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ વધી ગઈ છે. હવામાન વિભાગે એમ કહ્યું છે આ વરસાદ ગાજવીજ સાથે વરસશે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે. ભારે પવન સાથે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તેની ગુજરાત પર કોઈ અસર થશે કે નહિ તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના ઉત્તર દક્ષિણ ભાગ તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વરસાદની સાથે આજે ૫૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આવતી કાલે હવામાન સામાન્ય રહેવાની આગાહી કરી છે અને ત્યારબાદ પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે.
આજે ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે એટલે વાહનચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે થોડાં દિવસ પહેલાં ફૂંકાયેલાં ભારે પવનને કારણે ઠેર ઠેર વૃક્ષો ઉખડી ગયાં હતાં અને રસ્તાઓ બંધ થઈ ગયાં હતાં. અનેક જગ્યાઓ વીજપોલ ધારાશાયી થઈ ગયાં હતાં અને ભારેભરખમ હોર્ડીંગ પડી ગયાં હતાં જેથી અનેક જગ્યાએ નુકસાનીની ઘટનાઓ ઘટી હતી. કેટલીક જગ્યાએ ઘરોના છાપરાં અને છૂટા પતરાં ઉડી ગયાં હતાં. ભારે પવનમાં ઉડતાં પતરાંઓ યમદૂતો જેવા હોય છે જેનાથી ભારે જાનહાની થઈ શકે છે.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
આજે અમદાવાદ, આણંદ, ખેડા,કચ્છ, સુરેન્દ્રનગર તથા વડોદરા જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી જેટલું રહી શકે છે, જ્યારે અમરેલી અને બોટાદ જિલ્લામાં ગરમીનો પારો ૪૨ ડીગ્રી સુધી ચઢી શકે છે. જો ભેજની વાત કરીએ તો આજે અમરેલી જીલ્લામાં ૪૪% જેટલું ભેજનું પ્રમાણ રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.
આજે છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ, મહેસાણા, નર્મદા, નવસારી, મહિસાગર, સુરત વગેરે જિલ્લાઓમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રી જેટલો રહેશે. આજે અરવલ્લી, ભરૂચ, દાહોદ અને સાબરકાંઠામાં ૩૯ ડીગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. તો બીજી તરફ બનાસકાંઠા અને વલસાડ જિલ્લામાં ૩૮ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે.
આજે ભાવનગર, ડાંગ, દેવભુમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં ૩૭ ડીગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે જામનગર અને પોરબંદર જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે. જો ભેજની વાત કરીએ તો આજે જામનગર જિલ્લામાં ૬૦% અને પોરબંદર જિલ્લામાં ૫૯% જેટલો ભેજ રહેશે જે અસહ્ય બાફ અને ઉકળાટનું કારણ બનશે.
આજે ગીર સોમનાથ અને મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી જેટલું નોંધાઈ શકે છે જ્યારે રાજકોટ અને તાપી જિલ્લામાં માત્ર ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તો કેટલીક જગ્યાએ માત્ર બાફ અને ઉકળાટનો અનુભવ થશે.