કંડલા, ઓખા અને ભાવનગર છે જોખમમાં:ભારતનાં આ 12 શહેર 3 ફૂટ સુધી દરિયામાં સમાઈ જશે, બે દશકામાં જ દુનિયાનું તાપમાન 1.5 ડીગ્રી સેલ્સિયસ વધી જશે
માત્ર 79 વર્ષ, એટલે કે ઈ.સ. 2100માં ભારતનાં 12 દરિયાકિનારાનાં શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાની શક્યતા છે, કારણ કે સતત વધતી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે, દરિયાનો જળસ્તર વધી રહ્યો છે. દેશના સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતનાં ત્રણ શહેરો આ યાદીમાં છે, જેમાં ઓખા, કંડલા અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ NASAના સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આપવામાં આવ્યો છે.
ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ભારતમાં ગુજરાતનાં ભાવનગર, કંડલા અને ઓખા સહિત ચેન્નઈ, કોચ્ચી જેવાં શહેરોના દરિયાકિનારાનો વિસ્તાર ઘટી રહ્યો છે. દરિયાકિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં જ સુરક્ષિત સ્થળો પર જવું પડશે, કારણ કે કોઈપણ દરિયાકિનારાના વિસ્તારમાં 3 ફૂટ પાણી વધવાનો અર્થ થાય છે કે ઘણા વિસ્તારમાં તારાજી સર્જાવાની છે. આવો, જાણીએ આ ખુલાસો કોણે અને કેવી રીતે કર્યો છે?
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે, જેનો આધાર છે ઈન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)નો તાજેતરમાં આવેલો રિપોર્ટ. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2100 સુધીમાં દુનિયામાં ગરમીનું પ્રમાણ સખત વધી જવાનું છે. કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે તો તાપમાનમાં એવરેજ 4.4 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દશકામાં જ તાપમાન 1.5 ડીગ્રી સેલ્સિયસ વધી જશે. જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક છે કે ગ્લેશિયર પીગળશે. એનું પાણી મેદાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જી શકે છે.
નાસાના પ્રોજેક્શન ટૂલમાં સમગ્ર દુનિયાનો નકશો બનાવીને દર્શાવવામાં આવ્યું છે કે કયા વર્ષે દુનિયાના કયા વિસ્તારમાં દરિયાના પાણીનો સ્તર વધવાનો છે. IPCC દર 5થી 7 વર્ષે દુનિયામાં પર્યાવરણની સ્થિતિને લગતો રિપોર્ટ આપે છે. આ વખતનો રિપોર્ટ ખૂબ ડરામણો છે. આવું પહેલીવાર થયું છે, જેમાં નાસાએ સમગ્ર દુનિયામાં પાણીનો સ્તર માપવાનું ટૂલ બનાવી દીધું છે. આ ટૂલથી દુનિયાના એ દરેક દેશમાં દરિયાના પાણીનો સ્તર માપી શકાશે, જ્યાં દરિયાકાંઠો છે.
ભારતનાં જે 12 શહેર વર્ષ 2100 સુધીમાં અડધા ફૂટથી લઈને પોણાત્રણ ફૂટ દરિયાના પાણીમાં સમાઈ જશે, કારણ કે ત્યાં સુધીમાં એટલી ગરમી વધી જશે કે દરિયાના પાણીનો સ્તર પણ વધી જશે. સૌથી વધારે જે શહેરોને જોખમ છે એ છે ભાવનગર. ત્યાં 2100 સુધીમાં પાણીનો સ્તર 2.69 ફૂટ ઉપર આવી જશે, જે ગયા વર્ષ સુધીમાં 3.54 ઈંચ ઉપર આવ્યો હતો. કોચ્ચી- અહીં દરિયાઈ પાણી 2.32 ફૂટ ઉપર આવ્યું છે, જે ગયા વર્ષ સુધી 2.36 ઈંચ ઉપર આવ્યું હતું. મોરમુગાઓ- અહીં દરિયાના પાણીનો સ્તર 2.06 ફૂટ સુધી ઉપર આવશે, જે ગયા વર્ષ સુધી 1.96 ઈંચ ઉપર આવ્યું હતો.
ત્યાર પછી જે શહેરોને વધારે જોખમ છે એ છે- ઓખા (1.96 ફૂટ), તુતિકોરીન (1.93 ફૂટ), પારાદીપ (1.93 ફૂટ), મુંબઈ (1.90 ફૂટ), ઓખા (1.87 ફૂટ), મેંગલોર (1.87 ફૂટ), ચેન્નઈ (1.87 ફૂટ) અને વિશાખાપટ્ટનમ (1.77 ફૂટ). અહીં પશ્ચિમ બંગાળનો કિડરપોરા વિસ્તાર, જ્યાં ગયા વર્ષ સુધીમાં દરિયાઈ પાણીનો સ્તર વધવાનું કોઈ જોખમ દેખાતું ન હતું. ત્યાં પણ વર્ષ 2100 સુધીમાં અડધો ફૂટ પાણી વધી જશે. જોકે મુશ્કેલીની વાત એ છે કે કારણ કે આ દરેક દરિયાઈ કાંઠે ઘણાં મુખ્ય બંદરો પણ આવેલાં છે. વ્યાપારિક કેન્દ્ર પણ છે. ફિશરિંગ અને તેલનો વેપાર પણ થઈ રહ્યો છે. દરિયાઈ જળસ્તર વધતાં આર્થિક વ્યવસ્થાને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે.
આવનારાં 10 વર્ષમાં આ 12 જગ્યાએ દરિયાઈ પાણીનો સ્તર વધશે
આગામી 10 વર્ષમાં આ 12 જગ્યા પર દરિયાઈ પાણીનો સ્તર વધવાનું જોખમ છે એવો અંદાજ પણ સરળતાથી લગાવી શકાય એમ છે. કંડલા-ઓખા અને મોગમુગાઓમાં 3.54 ઈંચ, ભાવનગરમાં 6.29 ઈંચ, મુંબઈમાં 3.14 ઈંચ, કોચ્ચીમાં 4.33 ઈંચ, તુતિકોરીન, ચેન્નઈ, પારાદીર અને મેંગલોરમાં 2.75 ઈંચ અને વિશાખાપટ્ટનમમાં 2.36 ઈંચ. કિડરપોરમાં આગામી 10 વર્ષ સુધી કોઈ જોખમ નથી, પરંતુ ભવિષ્યમાં વધતા જળસ્તરનું નુકસાન આ દરિયાકાંઠાના વિસ્તારોને થવાનું છે.
આગામી 20 વર્ષમાં પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને વર્ષ 2100 સુધીમાં 1.5 ડીગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળ 195 દેશ જુદી જુદી રીતે પ્રયાસોમાં કાર્યરત છે, પરંતુ જો યુએન સાથે જોડાયેલી સંસ્થા આઈપીસીસીની વાત માનીએ તો સમગ્ર માનવજાતિ પૃથ્વીને એક મોટા અને કાયમી પરિવર્તન તરફ ધકેલી રહી છે. ખરેખર ગ્લોબલ વોર્મિંગની જ અસર છે, જે આપણે સતત જંગલમાં લાગતી આગ, પૂર, ભૂસ્ખલન વગેરેના રૂપમાં સતત જોઈ રહ્યા છીએ.
ઘણાં જ વિનાશકારી પરિણામો ભવિષ્યમાં જોવા મળશે
આ IPCCનું છઠ્ઠું આકારણી ચક્ર છે, જે અંતર્ગત વૈજ્ઞાનિકોનાં વિવિધ જૂથો વિશ્વના દરેક ખૂણામાં થઈ રહેલા આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરી રહ્યા છે. IPCC પ્રથમ જૂથ, એટલે કે વર્કિંગ ગ્રુપ -1નો અભ્યાસ 6 ઓગસ્ટના રોજ પૂર્ણ થયો હતો અને આજે પેનલ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હાલમાં વાતાવરણમાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે એ બદલી ન શકાય એવા છે. વૈજ્ઞાનિકોએ 195 દેશની સરકારોને પેરિસ કરારના ઠરાવને પરિપૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જો કોઈ લગામ વિના તાપમાન અને કાર્બન ઉત્સર્જન વધતું રહ્યું, તો ભવિષ્યમાં આપણને એની ઘણી આડઅસરો જોવા મળશે.
વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 50 ટકાનો ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે. માત્ર આ જ દિશામાં પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિને 1.5℃ સુધી મર્યાદિત કરવાનું શક્ય બનશે. જો આ પ્રમાણે કરવું હશે તો તમામ સરકારોએ તત્કાલિક યોજનાઓ બનાવવી પડશે. તમને જણાવી દઈએ કે ગ્લાસગોમાં આયોજિત થઈ રહેલા કોપ26 પહેલાં આઇપીસીસી વધુ એક મહત્ત્વનો રિપોર્ટ જાહેર કરશે, જેથી કોપ26ની બેઠકમાં જુદા જુદા દેશો આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરી શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે માનવજાતિએ કેવી રીતે જળવાયુને પહોંચાડી અસર
વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે માનવજાતિએ જે રીતે જળવાયુના તાપમાનમાં વધારો કર્યો છે, એને કારણે પૃથ્વી પર ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. છેલ્લાં 2000 વર્ષમાં જે ફેરફાર થયા છે એ અસાધારણ છે. 1750 બાદ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2019માં વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ (CO2)નું પ્રમાણ અત્યારસુધીનો સૌથી વધુ નોંધાયું છે. આટલું વધુ પ્રમાણ છેલ્લાં 20 લાખ વર્ષમાં પણ થયું નહીં હોય.
જ્યારે અન્ય ગ્રીનહાઉસ ગેસ- મિથેન (CH4) અને નાઈટ્રસઓક્સાઈડ (N2O)નું પ્રમાણ 2019માં એટલું વધ્યું છે કે એ છેલ્લાં 8 લાખ વર્ષોમાં પણ નહીં રહ્યું હોય. 1970 બાદથી પૃથ્વીના ગરમ થવાના દરમાં વધુ વધારો થયો છે. જેટલું તાપમાન છેલ્લાં 2000 વર્ષમાં વધ્યું નથી, એટલું છેલ્લાં 50 વર્ષમાં વધ્યું છે.