જેતપુર તાલુકાના અમરાપર ગામનાં વતની અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવતા હર્ષિતાબેન અજાણા આજે રક્ષાબંધન હોય સવારે હોંશભેર નાના લડલા ભાઈ પરેશની રક્ષા માટે રાખડી બાંધતા હતાં. ત્યારે તેને ક્યા ખબર હતી કે બહેન ભાઈની આ છેલ્લી મુલાકાત હશે. તેઓ રાખડી બાંધીને ફરજ પર એક્ટિવા લઇને નીકળ્યા હતા ત્યારે બાઇકે અડફેટે લેતા તેનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાય ગયો છે.
નાનકડા અમરાપુર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
અમરાપરથી જેતપુર પોતાનાં એક્ટિવા પર ફરજ પર જઈ રહેલા હર્ષિતાબેનને સામેથી પૂરપાટ આવતા બાઇક ચાલકે અડફેટે લેતાં દૂર ફંગોળાય પડ્યા હતાં. લોહી નીકળતી હાલતમાં તેમને જેતપુર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા પણ ત્યાં તેઓએ દમ તોડી દેતાં તાલુકા પોલીસ બેડામાં અને નાનકડા એવા અમરાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હર્ષિતાબેન કન્ડક્ટર અને તલાટીની પરીક્ષામાં પણ ખૂબ સારા રેન્ક સાથે પાસ થયા હતા. ત્યારબાદ પોલીસ ભરતી આવતા તેમાં પણ સારા રેન્ક સાથે ઉત્તિર્ણ થતા જેતપુર તાલુકામાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળ્યુ હતું.
ઉપલેટામાં 5 મહિનાની બાળકીનું અકસ્માતમાં મોત
આજે રક્ષાબંધનના તહેવારે જ એક બહેને પોતાની 5 વર્ષની બાળકી ગુમાવી છે. ઉપલેટાના બાંટવામાં રહેતી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉપલેટા આવી હતી. સાથે 5 વર્ષની બાળકી પણ હતી. પરંતુ રક્ષાબંધન ઉજવીને ભાઇ બહેન અને ભાણેજને મુકવા માટે બાઇક પર જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું અને ભાઇ-બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.