ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કામ કરવાની ક્ષમતા અને આવક બંનેમાં ઘટાડો જોવા મળે છે. આ કારણે લોકોને ઢળતી ઉંમરે નિઃસહાય બનવાનો વારો આવે છે. સરકારી કર્મચારી કે ખાનગી કંપનીના કર્મચારીને પ્રોવિડન્ટ ફંડ દ્વારા નાણા મળતાં હોય છે જેથી તે પાછલી ઉંમરે તેઓ સન્માન સાથે જીવી શકે છે. પણ જે લોકો નોકરીયાત નથી કે જેઓ નાનો-મોટો ધંધો કરે છે તેમનું શું? તેમની ઉંમર વધતાં જ તેઓની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે અને તેમની આવકમાં પણ ઘટાડો જોવા મળે છે. આવા લોકો માટે સરકારે એક પેન્શન યોજના શરૂ કરી છે. તેનું નામ છે અટલ પેન્શન યોજના.
શું છે અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના લોકોને ઢળતી ઉંમરે સ્વાભિમાન સાથે જીવવાની તક પૂરી પાડે છે. આ યોજના એવા વૃદ્ધ અને નિઃસહાય લોકો કે જેઓ કામ કરી શકવાની અક્ષમતા ધરાવે છે તેઓ માટે આશિર્વાદ રૂપ છે. કેટલાંક લોકોનો પરિવાર આગળ જતાં વિભક્ત બની જતો હોય છે અને ઘરના વૃદ્ધો નિઃસહાય બની જતાં હોય છે. આ યોજના એવા લોકો માટે પણ આશાનું કિરણ સાબિત થઈ છે. આ યોજનાની મદદથી કોઈપણ વ્યક્તિને ૬૦ વર્ષની ઉંમર બાદ નિયમિત રૂપે દર મહીને ૧૦૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળે છે.
કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે
• કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.
• લાભાર્થીની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
• લાભાર્થીનું કોઈપણ બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ હોવું જોઈએ. જો ખાતુ ન હોય તો તાત્કાલિક ખોલાવી લેવું
યોજનાના ફાયદાઓ
• આ યોજના ઢળતી ઉંમરે સ્વાભિમાન સાથે જીવવાની તક આપે છે.
• કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ ૬૦ વર્ષની ઉંમર પછી નિયમિત માસિક પેન્શનનો લાભ લઈ શકે છે.
• લાભાર્થીને દર મહીને ઓછામાં ઓછું ૧૦૦૦ રૂપિયા અને વધુમા વધુ ૫૦૦૦ રૂપિયા જેટલું પેન્શન મળશે.
• જો તમે ૧૮ વર્ષની વયે ૪૨ રૂપિયાથી ખાતુ ખોલાવો તો તમને ૬૦ વર્ષ એટલે કે ૪૨ વર્ષ સુધી દર મહીને ૪૨ રૂપિયા બેંકમાં જમા કરાવો તો તમને પાકતી ઉંમરે ૧.૭ લાખ રૂપિયા અને દર મહીને ૧૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.
• જો તમે ૧૮ વર્ષની વયે ૮૪ રૂપિયાથી ખાતુ ખોલાવો તો તમને ૬૦ વર્ષ એટલે કે ૪૨ વર્ષ સુધી દર મહીને ૮૪ રૂપિયા બેંકમાં જમા કરાવો તો તમને પાકતી ઉંમરે ૩.૦૪ લાખ રૂપિયા અને દર મહીને ૨૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.
• જો તમે ૧૮ વર્ષની વયે ૧૨૬ રૂપિયાથી ખાતુ ખોલાવો તો તમને ૬૦ વર્ષ એટલે કે ૪૨ વર્ષ સુધી દર મહીને ૧૨૬ રૂપિયા બેંકમાં જમા કરાવો તો તમને પાકતી ઉંમરે ૫.૧ લાખ રૂપિયા અને દર મહીને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.
• જો તમે ૧૮ વર્ષની વયે ૧૬૮ રૂપિયાથી ખાતુ ખોલાવો તો તમને ૬૦ વર્ષ એટલે કે ૪૨ વર્ષ સુધી દર મહીને ૧૬૮ રૂપિયા બેંકમાં જમા કરાવો તો તમને પાકતી ઉંમરે ૬.૮ લાખ રૂપિયા અને દર મહીને ૪૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.
• જો તમે ૧૮ વર્ષની વયે ૨૧૦ રૂપિયાથી ખાતુ ખોલાવો તો તમને ૬૦ વર્ષ એટલે કે ૪૨ વર્ષ સુધી દર મહીને ૨૧૦ રૂપિયા બેંકમાં જમા કરાવો તો તમને પાકતી ઉંમરે ૮.૫ લાખ રૂપિયા અને દર મહીને ૫૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.
• જો તમારે દર મહીને ૫૦૦૦ પેન્શન જોઈતું હોય પરંતુ તમે આ યોજનામાં ૪૦ વર્ષની ઉંમરે ભાગ લો છો તો તમારે આગામી ૨૦ વર્ષ સુધી દર મહીને ૨૯૧ રૂપિયા બેંકમાં જમા કરાવવા પડશે.
• આ યોજનાના ભાગીદાર થવામાં જેટલું મોડું કરશો, એટલા વધારે રૂપિયા તમારી ઉંમરના હિસાબે તમારે બેંકમાં જમા કરાવવા પડશે.
• અહીં સૌથી મોટો ફાયદો એ છે કે તમારા નાણા સુરક્ષિત છે અને તમે જેટલા રૂપિયા જમા કરાવશો તેટલા જ રૂપિયા સરકાર પણ તમારા ખાતામાં જમા કરશે. જે તમને પાકતી ઉંમરે પેન્શન રૂપે મળશે.
અન્ય કેટલાંક સામાજિક ફાયદાઓ
• જો લાભાર્થી આકસ્મિક ખર્ચાના ભાગ રૂપે ૬૦ વર્ષની ઉંમર પહેલાં પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા માંગતો હોય તો તે ઉપાડી શકશે પણ તેને તેટલાં સમયનું વ્યાજ કાપીને મળશે.
• જો લાભાર્થી વિવાહિત હોય તો તે પોતાની પત્ની અથવા પોતાના પતિનું નામ નિમિનેટ કરી શકે છે.
• જો લાભાર્થી અવિવાહિત હોય તો તે અન્ય કોઈનું પણ નામ નોમિનેટ કરી શકે છે.
• જો લાભાર્થીનું મૃત્યુ ૬૦ વર્ષની ઉંમર પહેલાં થઈ જાય તો તેના બદલે તેની નિમિની/પતિ કે પત્નીના નામે આ યોજના ટ્રાન્સફર થઈ શકશે.
• જો લાભાર્થીનું મૃત્યુ ૬૦ વર્ષની ઉંમર પછી ગમે ત્યારે થઈ જાય અને તેનો પતિ કે પત્ની જીવીત હોય તો તેના પતિ કે પત્નીને આ યોજના હેઠળ પેન્શન લાભ ચાલુ રહેશે.
યોજનાનો લાભ કઈ રીતે લેશો
• આ યોજનાનો લાભ લેવા માટે તમે નજીકની કોઈપણ બેંક કે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.
• ત્યારબાદ બેંકનો બચત ખાતા નંબર આપી બેંકના કર્મચારીની મદદથી અટલ પેન્શન યોજનાનું નોંધણી ફોર્મ ભરી લેવું.
• આધાર નંબર અથવા મોબાઈલ નંબર આપવો ફરજિયાત નથી પણ આપશો તો તમને તમારા ખાતાની વિગતો મળતી રહેશે.
• એવું જરૂરી નથી કે ખાતામાં દર મહીને જ રૂપિયા જમા કરાવવા. આ યોજના અંતર્ગત તમે તમારું ફોર્મ ભરતી વખતે આ યોજના માટે માસિક, ત્રિમાસિક કે છ માસિક ફાળાની રકમ જમા કરાવવાવાળું ખાતુ ખોલાવી શકો છો.
• તમે ઈચ્છો તો, આ યોજનામાં ઓટો ડેબિટ પદ્ધતિથી દર મહીને, ત્રણ મહીને કે છ મહીને તમારા ખાતામાંથી યોજનામાં ફાળાની રકમ ઓટોમેટિક જમા થઈ જાય એવી સિસ્ટમ કાર્યરત કરાવી શકો છો.