મોટી આગાહી: બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ તૈયાર || અતિભારે વરસાદની આગાહી

Posted by

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિસ્તારો પર જે લૉ પ્રેશર એરિયા છે જે આગળ વધી રહ્યો છે અને એના કારણે ગુજરાતમાં આવનારા બેથી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. બીજી તરફ મૉન્સુન ટ્રફ પણ રાજસ્થાનના જેસલમેર, કોટાથી થઈને મધ્ય પ્રદેશ પરથી બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. જેના કારણે ગુજરાત પર હજી ભારે વરસાદનો ખતરો ટળ્યો નથી, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દ્વારકા તથા જામનગરના અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ થયો છે.

ગુજરાતમાં કયા દિવસોમાં પડશે ભારે વરસાદ?

વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં 18 જુલાઈથી વરસાદમાં વધારો થશે, હાલ જ્યાં વરસાદ પડી રહ્યો છે એ સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ વધવાની શક્યતા છે. 18-20 જુલાઈના રોજ દક્ષિણ, પૂર્વ તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 19 જુલાઈની આસપાસથી વરસાદી ગતિવિધિ વધે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે 18 જુલાઈના રોજ ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટની ચેતવણી આપી છે એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના દક્ષિણના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે તો કેટલાક વિસ્તારો ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યો છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા?

વરસાદ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 19 અને 20 તારીખના રોજ સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 જુલાઈના રોજ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ તથા જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 જુલાઈના રોજ વલસાડ અને નવસારી જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

ઉપરાંત સુરત, તાપી, ડાંગ અને જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. એનો અર્થ એ છે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 20 અને 21 તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ આ દિવસે ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ?

વરસાદ

ભારતીય હવામાન વિભાગે 1 જૂનથી 17 જુલાઈ સુધી ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યનાં મોટાં શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે અનુક્રમે 287.2 મિમી, 613.3 મિમી, 311.4 મિમી, 509.1 મિમી વરસાદ પડ્યો હતો.

સામાન્યની સરખામણીએ આ પ્રમાણ અનુક્રમે 30 ટકા, 21 ટકા, 5 ટકા, 110 ટકા વધુ હતો. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ સમય દરમિયાન અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા ખાતે અનુક્રમે 385.5 મિમી, 404 મિમી, 329.6 મિમી, 438.8 મિમી, 230.2 મિમી અને 350.3 મિમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય ભરૂચમાં 291.5 મિમી, છોટા ઉદેપુરમાં 396.7 મિમી, દાહોદમાં 242.8 મિમી, ડાંગમાં 734.6 મિમી, ખેડામાં 373.3 મિમી, મહિસાગરમાં 342.4 મિમી, નર્મદામાં 347 મિમી, નવસારીમાં 977.6 મિમી, પંચમહાલમાં 352.2 મિમી, તાપીમાં 599.6 મિમી, વલસાડમાં 1022 મિમી વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રના અમરેલીમાં 441.5 મિમી, ભાવનગરમાં 333.2 મિમી, બોટાદમાં 449.8 મિમી, દેવભૂમિ દ્વારકામાં 462.7 મિમી, ગીર સોમનાથમાં 707.8 મિમી, જામનગરમાં 521.5 મિમી, જૂનાગઢમાં 890.2 મિમી, મોરબીમાં 292.6 મિમી, પોરબંદરમાં 481 મિમી, રાજકોટમાં 509.1 મિમી, સુરેન્દ્રનગરમાં 276 મિમી અને કચ્છમાં 504.9 મિમી વરસાદ નોંધાયો હતો.

આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ દાદર નગરહવેલીમાં નોંધાયો હતો. તેમજ સામાન્ય કરતાં સૌથી વધુ એટલે કે લગભગ 319 ટકા વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *