બંગાળની ખાડી પર સર્જાયું નવું લો પ્રેશર ચોમાસું ફરી સક્રિય ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની આગાહી, ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતની ખબર

બંગાળની ખાડી પર સર્જાયું નવું લો પ્રેશર ચોમાસું ફરી સક્રિય ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની આગાહી, ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતની ખબર

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી સ્કાઅમેટ દ્વારા કરાઈ છે. એ મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડી પર સર્જાયું નવું લો પ્રેશર

ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. પરિણામે, 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ

વરસાદ ખેંચાતાં 1લી જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સ્કાઇમેટનું કહેવું છે. ગુજરાત સાથે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં પણ મોન્સૂન સક્રિય થવાની સંભાવના સ્કાઇમેટે દર્શાવી છે.

ડાંગર, કપાસ સહિતના પાકોને લઈને ખેડૂતો ચિંતામાં

અમદાવાદમાં વરસાદ ખેંચાઇ જતાં ખરીફ વાવેતરને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે, જેને કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડ્યા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતાં આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.

મગફળીમાં સુકારો, કપાસમાં ઈયળ

સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખૂબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચને કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું, પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરૂ થઇ ગયો છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *