બનાસકાંઠા : શિક્ષકે કર્યુ ગંદુ કામ, એકલી રહેતી શિક્ષિકાના ઘરમાં ઘુસી કપડા ફાડ્યા, પછી થઈ જોવા જેવી

બનાસકાંઠા : જિલ્લામાં આજે વધુ એક શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. થરાદમાં એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરતા ફરિયાદ નોંધાઇ છે. આ બનાવને પગલે થરાદ પોલીસે શિક્ષક સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
થરાદમાં આવેલી એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરી હોવાની ઘટના બની છે. થરાદના ગગાણા ગામના જીવરામભાઈ દલરામભાઈ પટેલ નામનો શિક્ષક શાળામાં જ એક શિક્ષિકાની છેડતી કરી શારીરિક તેમજ માનસીક રીતે પજવણી કરતો હતો. જોકે શાળાનું નામ ખરાબ ન થાય તે માટે અગાઉ શિક્ષકો અને ગ્રામજનોએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
જોકે ત્યાર બાદ પણ આ શિક્ષક તેની હરકતોથી બાજ ન આવ્યો અને વારંવાર શિક્ષિકાને ફોન કરી હેરાન કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. બાદમાં શિક્ષિકાએ શિક્ષક નો ફોન બ્લેક લિસ્ટમાં નાખી દેતા શિક્ષક તેના ઘરે આવી ગયો હતો અને ઘરમાં ઘૂસી જઈ શિક્ષિકાના કપડા ફાડી નાખ્યા હતા.
બનાવને પગલે બાજુમાં રહેતા લોકો આવી જતા શિક્ષક ત્યાંથી નાસી ગયો હતો. આમ વારંવાર શિક્ષક ની પજવણીથી કંટાળેલી શિક્ષિકાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાની ફરિયાદના આધારે શિક્ષક સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રોજે રોજ મહિલાઓ સાથે અત્યાચારના ગુના સામે આવી રહ્યા છે. ક્યાંક બળાત્કાર, તો ક્યાંક છેડતી. પરિણીત મહિલાઓ સાથે પણ રોજે-રોજ અત્યાચારની ઘટનાઓ બની રહી છે. મહિલાઓ માટે કડક કાયદા બનાવ્યા હોવા છતા નરાધમ, અને હલકી માનસિકતા ધરાવતા લોકો વાંરવાર મહિલાઓની પજવણી કરી રહ્યા છે. ત્યારે એક શિક્ષક દ્વારા આ પ્રકારની હરકત સામે આવતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે.