સુરેન્દ્રનગરના લખતરના લીલાપુર ગામના નેવીમાં ફરજ બજાવતા 22 દિવસ પહેલા શહીદ થયેલા જવાનની લાડકી બેનના આંખમાંથી ભાઇને યાદ કરીને સતત આંસુ વરસી રહ્યા છે. રક્ષાબંધને ઇન્ડિયન નેવીમાં સેવા આપતા કુલદિપ પટેલ-ભાઇને યાદ કરતાં આ બહેન દિવ્યભાસ્કર સાથે 20 મીનીટ વાત કરતાં 24 વાર રડી પડી હતી. ખાલીપો અનુભવતી અને ચોધાર આંસુએ રડી પડતી બહેન કહી રહી હતી કે, આ વખતે રક્ષાબંધને રજા લઇને આવીને બેનડી માટે જીન્સ-ટીશર્ટ લઇ જઇશ કહેનાર મારા ભાઇની તસવીર પાસે જઇને રાખડી મુકીશ.
વ્હાલસોયા ભાઇ કુલદીપને યાદ કરી ડુમો ભરાઇ ગયો
રક્ષાબંધનના દિવસે હું મારા લાડકા ભાઇના ફોટા પાસે રાખડી મુકવાનુ કહી મેઘા ફરી ભાઇ કુલદીપને યાદ કરી રડવા લાગી હતી. પોરબંદર ખાતે સમુદ્રમાં ફરજ પર જતા પહેલા એણે છેલ્લો મેસેજ કર્યો હતો કે,બહેન હવે હું ફોન કે મેસેજ નહીં કરૂ. ત્યારે અમને કલ્પના પણ નહોંતી કે, હવે એ સાચે જ ક્યારેય ફોન કે મેસેજ નહીં કરે, અને આ બોલતા-બોલતા મેઘાબેનને તેમના વ્હાલસોયા ભાઇ કુલદીપને યાદ કરી ડુમો ભરાઇ ગયો હતો.
એ સમુદ્રમાં ફરજ પર હોય ત્યારે રાખડી મોકલી શકાતી ન હતી
ભાઇની યાદોને વાગોળતી લાડકી બહેન મેઘાબેને દિવ્યભાસ્કરને જણાવ્યું કે, છેલ્લાઇ 3 વર્ષથી એની ટ્રેનીંગ અને સમુદ્રની અંદર ફરજ બજાવતો હોવાથી એને રાખડી મોકલી શકી નહોંતી. પણ રક્ષાબંધન પછી જ્યારે રજામાં એ ઘેર આવતો ત્યારે હું પહેલા એને વ્હાલથી રાખડી બાંધતી હતી. મારી પાસે રાખડી બંધાવ્યા બાદ જ એ ગામના મંદિરે દર્શન કરવા જતો હતો. અત્યારે ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા મારા ભાઇના મિત્રો રક્ષાબંધનના આગલા દિવસે મારી પાસે રાખડી બંધાવા આવ્યા છે. એમણે કહ્યું કે, મેઘાબેન તારી પાસે રાખડી બંધાવ્યા પછી જ અમે અમારા ઘેર જઇશુ. મેઘા તુ અમારા માટે સગી બહેન કરતા પણ વિશેષ છે. રક્ષાબંધનના દિવસે હું મારા લાડકા ભાઇના ફોટા પાસે રાખડી મુકવાનુ કહી મેઘા ફરી ભાઇ કુલદીપને યાદ કરી રડવા લાગી હતી.
ભાઇ મમ્મીને “ઝાંસીની રાણી” કહીને જ બોલાવતો
મારી મમ્મી દિવસ-રાત પપ્પા સાથે ખેતીકામ કરતી હોવાથી ભાઇ મમ્મીને “ઝાંસીની રાણી” કહીને જ બોલાવતો હતો. એ મને હમેંશા મેઘાભાઇ કહીને જ બોલાવતો અને કહેતો કે તુ મારી બહેન નહીં પણ ભાઇ છે. એ સમુદ્રમાં ફરજ બજાવવા જતો એ પહેલા મેસેજ અવશ્ય કરતો કે, હવે હું થોડા દિવસ ફોન કે મેસેજ નહીં કરી શકુ. પોરબંદરની સમુદ્રની ફરજ પર જતા પહેલા એણે છેલ્લો મેસેજ કર્યો હતો કે, હવે હું ફોન કે મેસેજ નહીં કરૂ. ત્યારે અમને કલ્પના પણ નહોંતી કે, હવે એ સાચે જ ક્યારેય ફોન કે મેસેજ નહીં કરે એટલું બોલતા-બોલતા મેઘાબેન વ્હાલસોયા ભાઇ કુલદીપને યાદ કરી ડુમો ભરાવી ગયો હતો.
ઘરના સૌ પરિવારજનો હૈયાફાટ રૂદન કરવા લાગ્યા
ફરી સ્વસ્થ બની મેઘાબેને જણાવ્યું કે, ભાઇના મૃત્યુ બાદ ઇન્ડિયન નેવીમાંથી એનો મોબાઇલ ફોન ઘેર સોંપવામાં આવ્યો ત્યારે એને નિરાંતે ફોન ખોલીને જોયું તો ભાઇએ એમાં લખેલું હતુ કે, આ વખતે નવરાત્રીમાં રજાઓમાં ઘેર જઇશ તો, મમ્મી માટે સાડી, પપ્પા માટે કાપડ અને બેનડી માટે જીન્સ-ટીશર્ટ લઇ જઇશ અને મારા માટે દોઢ તોલાનો સોનાનો ચેન લઇશ અને બધાને લઇને સુરેન્દ્રનગર પ્રેસીડેન્ટ હોટલમાં જમવા જઇશુ વાંચીને ઘરના સૌ પરિવારજનો હૈયાફાટ રૂદન કરવા લાગી ગયા હતા. એક વખત નાનપણમાં ખેતરનું હળ મોંઢા પર વાગતા હું કાંઇ ખાઇ શકે એમ ન હોવાથી એ મારા માટે સ્ટ્રો લેવા આખુ ગામ ફરી વળ્યો હતો એટલું બોલી મેઘા ફરી વ્હાલસોયા ભાઇ કુલદીપને યાદ કરી ઘ્રુસકેને ઘ્રુસકે રડી પડી હતી. દિવ્યભાસ્કર સાથેની 20 મીનીટની વાતચીતમાં એ વ્હાલસોયા ભાઇને યાદ કરી 24 વખત રડી ગઇ હતી.
કુલદીપ ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો હતો
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામનો 24 વર્ષનો કુલદીપભાઈ હરિકૃષ્ણભાઈ થડોદા- પટેલ ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો હતો. લખતર તાલુકાના લીલાપુર ગામમાં રહેતા 50 વર્ષના હરિકૃષ્ણભાઈનો પુત્ર કુલદીપ ચાર વર્ષ પહેલા વર્ષ 2017એપ્રિલમાં ઇન્ડિયન નેવીમાં ભરતી થયા હતા. અને ભરતી થયા બાદ 6 મહિના ઓડિસા, 1 મહિનો મુંબઇ અને 1 મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાનું પહેલું પોસ્ટિંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવી હતી.
28મી જુલાઈએ કુલદીપ શહીદ થયો હતો
22 દિવસ અગાઉ તા. 28મી જુલાઇ 2021ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપ લઈને જઈ રહ્યાં હતા ત્યારે શીપના એન્જીન રડાર ચાલુ કરવા માટે શીપના અંડર ડોરમાં ઉતરતા કોઈ કારણોસર તેમનો પગ લપસી જતા એન્જીનના રડારના ચક્કરોમાં પગ આવી જતા બંને પગમા ઇજા પહોંચતા તેઓને સારવાર માટે પોરબંદરથી રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
બહેન દ્વારા ભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
શહીદ જવાનના પાર્થિવદેહને રાજકોટથી પોતાના વતન લખતરના લીલાપુર ખાતે લાવામાં આવ્યો હતો જ્યાં એમના ઘેરથી વિરાજંલી યાત્રા નીકળી હતી. જેમાં લીલાપુર ગામના નાગરિકોએ યુવાનને ભાવ ભીની વિદાય આપતાં લોકોના આંખમા આંસુઓ જોવા મળ્યા હતા. જેઓને અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટએન્ડ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી સાથોસાથ ગ્રામજનો તેમજ તેમના મિત્રવર્તુળો દ્વારા પણ શ્રદ્ધાજલી આપી હતી. શહીદ યુવાનના અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કુલદીપભાઈની એકની એક બહેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
લખતરના લીલાપૂર ગામના ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો યુવાન થયો શહીદ થતાં એની એકની એક લાડકી બહેને ભાઇને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો હતો. આજે ભાઇ-બહેનના પવિત્ર સબંધનો “રક્ષાનબંધન”નો તહેવાર હોઇ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં લાડકા ભાઇ કુલદિપને યાદ કરતા એકની એક બહેન મેઘાએ જણાવ્યું કે, એ મને ‘ભાઇ’ કહીને બોલાવતો, અગાઉ રક્ષાબંધને એ સમુદ્રમાં ડયુટી પર હોય તેવા સંજોગોમાં પછીની દિવસોમાં ભાઇ કુલદિપ જ્યારે રજામાં ઘેર આવતો ત્યારે હું રાખડી બાંધતી, આજે ઇન્ડિયન નેવીમાં કામ કરતા એના મિત્રો મારી પાસે રાખડી બંધાવવા આવ્યા હોંવાનું કહી બહેન ચોંધાર આંસુએ રડી પડી હતી.
એ સમયે ઘરમાં હાજર સૌના આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. ભાઇના ફોનમાં લખેલુ જોવા મળ્યું કે, આ વખતે રજા પર ઘેર જઇશ, તો મમ્મી માટે સાડી, પપ્પા માટે કાપડ અને બેનડી માટે જીન્સ-ટીશર્ટ લઇ જઇશ અને બધાને લઇને સુરેન્દ્રનગર પ્રેસીડેન્ટ હોટલમાં જમવા જઇશુ વાંચીને ઘરના સૌ પરિવારજનો હૈયાફાટ રૂદન કરવા લાગી ગયા હતા.