આઝાદી સ્પેશિયલ:મળો ગુજરાતના 95 વર્ષીય ‘ભગતસિંહ’ને, જેમણે આઝાદીની લડતમાં સુરેન્દ્રનગરમાં ટ્રેનમાં બોમ્બ ફેંક્યો હતો

આઝાદી સ્પેશિયલ:મળો ગુજરાતના 95 વર્ષીય ‘ભગતસિંહ’ને, જેમણે આઝાદીની લડતમાં સુરેન્દ્રનગરમાં ટ્રેનમાં બોમ્બ ફેંક્યો હતો

ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં જીવી રહ્યો હતો. સમગ્ર દેશમાં અંગ્રેજોની તાનશાહી અને ગુલામીમાંથી આઝાદ થવા માટે અનેક આંદોલન અને ચળવળો ચાલી રહી હતી. વર્ષ 1942માં ઓગસ્ટ ક્રાંતિ શરૂ થઈ હતી. “હિન્દ છોડો” ચળવળમાં મારો યા મરોની ભાવના અને જુસ્સા સાથે વિદ્યાર્થી આલમમાં પણ દેશને આઝાદ કરાવવા માટેનો જુસ્સો પેદા થઈ ગયો હતો. એવામાં મૂળ સુરેન્દ્રનગરના અને અમદાવાદના સીએન વિદ્યાલયમાં ભણતા નંદલાલ શાહનો 16 વર્ષની ઉંમરથી ભગતસિંહ જેવો જુસ્સો હતો. તેમણે અંગ્રેજોને ટક્કર આપવા માટે સુરેન્દ્રનગરની જેલ તેમજ મિલિટરી વિસ્તારો પર બોમ્બમારો કર્યો હતો. તો આજે 15 ઓગસ્ટ નિમિત્તે ગુજરાતના જાંબાજ નંદલાલ શાહ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી.

મિત્રો સાથે ઘરમાં જ બેસી બોમ્બ બનાવ્યા હતા

ગમે તેમ કરીને અંગ્રેજોને પોતાના દેશમાંથી પરત ઇંગ્લેન્ડ મોકલવા હતા. જેમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એમ ત્રણ મિત્રો હતા અને તેમણે બોમ્બ ફેંકી અંગ્રેજોને પડકાર ફેંક્યો હતો, એમ નંદલાલ અને તેમના મિત્રોએ સુરેન્દ્રનગરમાં અલગ-અલગ જગ્યાએ બોમ્બ ફેંક્યા હતા. સુરેન્દ્રનગરમાં જ મિત્રો સાથે ઘરમાં બોમ્બ બનાવ્યા હતા. ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેનને બોમ્બથી ઉડાવવા માટે મિત્ર સાથે ટ્રેનમાં ચડી ગયા હતા અને ભોગાવો નદીના પુલ પર ટ્રેન પહોંચી ત્યારે ટોઇલેટ બ્લોકમાં બોમ્બ નાખી દીધો હતો, પરંતુ બોમ્બ ફૂટ્યો નહિ અને ધુમાડો નીકળતાં પોલીસ જોઈ ગઈ હતી. નંદલાલ અને તેમના મિત્રને પકડી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

બસ, દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવી હતી

વર્ષ 1942માં દેશમાં ઓગસ્ટ ક્રાંતિની શરૂઆત થઈ હતી અને ત્યારે દેશમાં આઝાદી માટે તેમણે પોતાના યોગદાન વિશે અને ગાંધીજી અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે એ સમયે દેશને આઝાદ કરાવવા માટે લોકોમાં ખૂબ જ જુસ્સો આવી ગયો હતો. તેમને કોઈપણ રીતે દેશને આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવી હતી. તેમણે સુરેન્દ્રનગર શહેરમાં તેમના મિત્ર સાથે રહી ઘરમાં દારૂગોળો લાવી બોમ્બ બનાવ્યા હતા. જોકે ટ્રેનને ઉડાવવા ફેંકેલો બોમ્બ ન ફૂટતાં તેઓ પકડાઈ ગયા અને 15 મહિનાની જેલ થઈ હતી.

આઝાદી પહેલાંના અને આજના ભારતમાં ઘણો બદલાવ છે

તેમણે ગાંધીજી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ગાંધીજી સાથે તેમની રૂબરૂ ક્યારેય મુલાકાત થઈ નથી, પરંતુ જ્યાં સુધી તેમને યાદ છે વર્ષ 1938 કે 1940ની આસપાસ ગાંધીજી લીંબડી ખાતે આવ્યા હતા. રેલવે સ્ટેશન બહાર તેમનો પડાવ હતો. બોડિંગમાંથી વિદ્યાર્થીઓ તેમને સાંભળવા માટે જતા હતા ત્યારે પહેલીવાર લીંબડી ખાતે તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો. આઝાદી પહેલાંના સમયના અને આજના ભારતમાં ઘણો બદલાવ છે, ત્યારે અંગ્રેજોનું જ શાસન ચાલતું હતું. સમયની સાથે દેશમાં બદલાવ આવી ગયો છે. દેશની આઝાદીની લડાઈમાં ભાગ લઈ અને આઝાદી અપાવવામાં ભાગ ભજવનાર સ્વાતંત્ર્યસેનાની નંદલાલ શાહને વર્ષ 1972માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે તામ્રપત્ર પણ મળ્યું છે.

ચોરીછૂપીથી “હિન્દ છોડો”ની પુસ્તિકા વેચતા

તેઓ મૂળ સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા. 1942માં “હિન્દ છોડો” આંદોલન શરૂ થયું હતું, જેથી સ્કૂલો બંધ થતાં સુરેન્દ્રનગર પરત આવી ગયા હતા. દેશને આઝાદી અપાવવા માટે કોઈપણ રીતે તેઓ તૈયાર હતા. તેમના સહ-અધ્યાયી વાડીલાલ ડગલી, જેઓ અમદાવાદમાં ચળવળમાં સક્રિય રહી કામ કરતા હતા તેમને મળવા પહોંચ્યા હતા. ત્યાં મહાત્મા ગાંધીની “હિન્દ છોડો”ની તેમની પુસ્તિકા જપ્ત કરવામાં આવી હતી. એ નંદલાલને વાડીલાલે આપી હતી અને ચોરીછૂપીથી લોકોમાં વહેંચવાની હતી. દેશને આઝાદી અપાવવા માટે તેમનું આ પહેલું કામ હતું. પુસ્તિકાઓ લઈને ટ્રેનમાં અમદાવાદથી સુરેન્દ્રનગર આવવા નીકળ્યા ત્યારે રેલવે સ્ટેશન પર પોલીસ બહુ હતી. પોલીસે તેમને રોકી પૂછી કહ્યું, ક્યાં જાય છે, તો નંદલાલે કહ્યું, સ્કૂલો બંધ છે તો બોડિંગમાંથી પુસ્તકો લેવા આવ્યો છું એમ કહી થેલીમાં રહેલાં પુસ્તકો બતાવ્યાં, પરંતુ ઉપરથી જ થેલામાં જોઈ બંધ કરી દેતાં તેઓ ધરપકડથી બચી ગયા હતા. આ રીતે ચોરીછૂપીથી તેઓ પ્રતિબંધિત સાહિત્ય ત્રણ વખત લાવ્યા હતા.

ત્રણ મિત્રોએ ભેગા મળી ઘરે બનાવ્યા હતા ફાયર બોમ્બ

બાદમાં તેમને વાડીલાલભાઈએ દારૂગોળો આપ્યો હતો. બંગાળની લશ્કરી ફેક્ટરીમાંથી ચોરાઈને આવેલો ડાઇનમાઈટના ફ્યુઝ અને બીજા સ્ફોટક પદાર્થ હતા અને એનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. નંદલાલને ભોગીલાલ અને કાનજી મળ્યા હતા. તેઓ સાથે કોઈ મિત્રતા નહિ કે અભ્યાસમાં સાથે નહિ, માત્ર દેશની આઝાદીની લડાઈમાં બલિદાનની ભાવના હતી. ત્રણેય પોતાનાં ઘરના ત્રીજા માળે વાંચવા બેઠા હતા. ભોગીલાલ સાયન્સના વિદ્યાર્થી હતા, જેથી દારૂગોળો હતો એમાં અન્ય પદાર્થ બહારથી લાવી તેમણે ફાયર બોમ્બ બનાવ્યો હતો, જે ક્યાંય પણ ફેંકવામાં આવે તો ત્યાં અમુક સમય પછી આગ લાગે એવો હતો. એનો ઉપયોગ કરવાની તાલાવેલી હતી. સુરેન્દ્રનગર શહેરમાં એન.ટી. એમ સ્કૂલ સામે આવેલા મેદાનમાં એન્ગલો ઇન્ડિયન સર્ક્સ આવ્યું હતું. જે સર્ક્સ કેટલા સમયથી ધ્યાન પર હતું અને એક દિવસ રાતે કાનજી અંધારામાં છુપાઈને તંબુની ઉપર બોમ્બ ફેંકીને આવ્યો હતો. થોડીવાર ત્યાં ઊભા રહીને જોતાં થોડી મિનિટમાં જ તંબુમાં આગ લાગી અને આખું ભસ્મીભૂત થઈ ગયું. આ આગની ઘટના પાછળ કોણ જવાબદાર એની કોઈને ખબર જ ન પડી.

10 જાન્યુ. 1943એ પહેલો બોમ્બ સુરેન્દ્રનગર જેલ પર ફેંક્યો

અંગેજો પર હિંસક હુમલા કરવાનો પ્રયોગ સફળ રહેતાં ત્રણેય મિત્રમાં ખૂબ જ ઉત્સાહ વધી ગયો હતો. તેમણે વધુ એક બોમ્બ બનાવ્યો હતો. 10 જાન્યુઆરી 1943ના રોજ ભોગીલાલે સુરેન્દ્રનગરની જેલ પર બોમ્બ ફેંક્યો હતો, જેને કારણે આખા સુરેન્દ્રનગરમાં હાહાકાર મચી ગયો હતો. ઇતિહાસમાં ક્યારેય આવી હિંમત કોઈની થઈ ન હતી કે જેલ પર બોમ્બ ફેંકવામાં આવે. એક અઠવાડિયા બાદ 18 જાન્યુઆરી 1943ના રોજ મિલિટરીનાં કપડાં સીવતાં દરજીખાના પર બોમ્બ ફેંક્યો હતો. ત્યાર બાદ મિલિટરીની ટ્રેન કે ગુડ્ઝ ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો, જોકે મિલિટરીની ટ્રેન આવવાનું અત્યંત ગુપ્ત રહેતું હોવાથી તેમણે ગુડ્ઝ ટ્રેન ઉથલાવવા માટે રાજકોટ-સુરેન્દ્રનગરલાઈન પર રાત્રિના અંધારામાં સામાન લઇ પહોંચી ગયા હતા. ઘણી મહેનત છતાં નટ બોલટ ન ખૂલતાં તેઓ પરત જતા હતા અને રેલવેના સર્ચ એન્જિનની લાઈટો આવતાં તેમણે ઝાડીઓમાં છુપાવું પડતું હતું. જોકે પોલીસે તેમને પકડ્યા હતા, પરંતુ પાટા ઉખેડવાનાં સાધનો તરફ નિર્દેશ કરી અમે ભણવા ગયા હોવાનું કહી બચી ગયા.

ગુડ્ઝ ટ્રેનને બોમ્બથી ઉડાવવાનો પ્લાન ફેલ રહ્યો

ગુડ્ઝ ટ્રેન ઉથલાવવામાં નિષ્ફળ ગયા છતાં તેમની હિંમત અને જુસ્સામાં ઘટાડો થયો ન હતો. ટ્રેનને ગમે તેમ કરી ઉથલાવવાની હતી, જેથી તેમણે ભાવનગર-સુરેન્દ્રનગર જતી ટ્રેનને ઉથલાવવાનું નક્કી કર્યું હતું. નંદલાલે પોતે બોમ્બ બનાવ્યો હતો અને ભાવનગર-સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં છુપાઈને બેસી ગયા હતા. ભોગાવો નદીના પુલ પર ટ્રેન પહોંચતાં જ બોમ્બ ફેંક્યો, પરંતુ બોમ્બ કોઈ કારણે ફૂટ્યો નહિ, ધુમાડો નીકળતાં એક પોલીસકર્મી તેમને જોઈ ગયો અને પકડી લીધો હતો. ટ્રેનને થોભાવીને પોલીસહવાલે કરી દેવાયા હતા. ત્યાર બાદ પોલીસ સ્ટેશનની નજીક જ રહેતા હોવાથી બાકીના બંને મિત્રો પણ પકડાઈ ગયા હતા. ત્રણેયને રાજકોટની સેન્ટ્રલ જેલમાં અંધારી કોટડીમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેમને પકડનાર અગત્યના સાક્ષી પોલીસકર્મીનું મોત થયું હતું, જેથી એનો લાભ મળતાં 15 મે 1944ના રોજ કાનજી અને નંદલાલને શકનો લાભ આપ્યો, અમે ભોગીલાલને નિર્દોષ ઠેરવી મુક્ત કરાવ્યા હતા. આ આખો કેસ ભોગાવો બોમ્બ કેસ તરીકે જાણીતો થયો હતો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.