ઓસ્ટ્રેલિયામાં એક ફૂટબોલની મેચની શરૂઆત થાય તે પહેલાં રેફરીએ ગળામાં તુલસીની માળા (કંઠી) પહેરવા બદલ 12 વર્ષના 12 શુભ પટેલ નામના એક હિંદુ કિશોરને મેદાનમાંથી બહાર તગેડી મૂક્યો હતો એમ ઓસ્ટ્રેલિયા ટુ ડે નામના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
ફક્ત એક ફૂટબોલની મેચ રમવા માટે હુ મારી કંઠી તોડવાને બદલે હું મારા ધર્મનું પાલન કરવાનું વધુ પસંદ કરીશ એમ 12 વર્ષિય શુભ પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.
ટુવોંગ ક્લબના આ 12 વર્ષિય ખેલાડીએ કહ્યું હતું કે ગળામાંથી કંઠી દૂર કરવી તે હિંદુ ધર્મના સિદ્ધાંતો વિરૂદ્ધ છે એમ સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી એવા શુભે કહ્યું હતું. જો મેં મારી કંઠી ગળામાંથી દૂર કરી હોત તો તે સમયે મારા ભગવાનને એમ લાગત કે મેં તેમનામાંથી શ્રદ્ધા ગુમાવી દીધી છે એમ પટેલે કહ્યું હતું. આ કિશોરે વધુમાં મીડિયાને કહ્યું હતું કે માળા પહેરવાથી તેને સલામતિનો અહેસાસ થાય છે.
મેદાનમાંથી દૂર કરાયા બાદ શુભે બાજુએ બેસીને પોતાની ટીમને મેચ રમતા નિહાળી હતી. જો કે શુભને ગળામાંથી કંઠી દૂર કરવાનું આ સૌ પ્રથમવાર કહેવામાં આવ્યું હતું, કેમ કે આ અગાઉ તે ફૂટબોલની 15 મેચ રમી ચૂક્યો હતો અને તે તમામ મેચ દરમ્યાન તેણે કંઠી પહેરેલી જ રાખી હતી. જો કે મીડિયામાં આ મુદ્દો ચગતા ફૂટબોલ ક્વિન્સલેન્ડે ટુવોંગ સોકર ક્લબ અને શુભ પટેલ ના પરિવારની માફી માંગી હતી.