આંસુની ધાર સાથે ન્યાયની માગ:રાજકોટમાં દિકરાની સારવાર માટે 5 લાખ વ્યાજે લીધા, 13 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની 10 લાખની પઠાણી ઉઘરાણી, વૃદ્ધા પોલીસ સમક્ષ રડી પડ્યા

Posted by

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજકોટમાં રોજ વિવિધ કાર્યક્રમો યોજી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીનું દૂષણ ડામવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોથી ત્રાસી અરજદારો પોલીસ સમક્ષ ન્યાયની માગ સાથે પહોંચ્યા હતા. જેમાં એક વૃદ્ધા તો વ્યાજખોરથી એટલા ત્રાસી ગયા છે કે પોલીસ સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને પોલીસને જણાવ્યું હતું કે, દિકરાની સારવાર માટે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 5ના 13 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોર પીછો છોડતો નથી અને હજી 10 લાખની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે, મને ન્યાય અપાવો.

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે લોક દરબારનું આયોજન

રાજકોટના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આજે સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીનું દૂષણ માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા અરજદારો સીધા રૂબરૂ આવી રજુઆત કરી શકે છે અને તેનો ત્વરિત નિકાલ કરવા આયોજન કરવામાં આવ્યું છે. આજના લોકદરબારમા આવેલા અરજદારો પૈકી મોટાભાગે વૃદ્ધ અને મધ્યમ વર્ગીય લોકો આવ્યા હતા અને પોલીસ પાસે ન્યાયની માગ કરી રહ્યા હતા. ન્યાયની માગ કરતા સમયે આંખોમાંથી આંસુડાની ધાર વહેતી પણ નજરે પડી હતી. જેના પરથી સમજી શકાય કે વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસથી તેઓ કેટલા પીડાય રહ્યાં છે.

સારવાર માટે પૈસા વ્યાજે લીધા પણ પુત્ર ન બચ્યોઃ વૃદ્ધા

રાજકોટના હરિઘવા મેઇન રોડ પર રહેતા કંચનબેન સોલંકી નામના વૃદ્ધા આ લોક દરબારમા આવી પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ ન્યાયની માગ કરતા તેઓની આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી હતી. તેઓએ તેમના દિકરાની કિડનીની સારવાર કરાવવા માટે રૂપિયા 5 લાખ વ્યાજે લીધા હતા. જેના 13 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં હજુ વધુ 10 લાખની માગણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહી છે. આ સમયે તેઓએ જણાવ્યું હતું કે, આટલા રૂપિયા દેવા છતાં દિકરાનો જીવ ગુમાવ્યો સાથે વ્યાજખોરો દ્વારા આપવામાં આવતો ત્રાસ પણ હવે ખૂબ જ સતાવી રહ્યો છે.

પુત્રના ધંધામાં નુકસાની આવતા અઢી લાખ 10 ટકા વ્યાજે લીધાઃ વૃદ્ધા

બીજી તરફ દિપ્તીબેન જૈનએ જણાવ્યું હતું કે, મારા પુત્ર હાર્દિકને ધંધામાં નુકસાની અને હોસ્પિટલમાં સારવાર અર્થે રૂપિયાની જરૂર હોવાથી રાજકોટના બે અને ચોટીલાના એક શખ્સ સહિત 3 લોકો પાસેથી 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું 10% વ્યાજ વસૂલી વ્યાજખોર ચેતન બોરીચા, કાના ભરવાડ અને ચોટીલાનો રવિ ઘરે આવી પરિવારના લોકોને પરેશાન કરી ધાકધમકી આપતો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા તુરંત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવતા આજે તેઓ શાંતિપૂર્વક પોતાનું જીવન ગુજારી રહ્યા છે. પુત્રવધૂ પૂજા પ્રેગ્નેટ છે અને પુત્ર હાર્દિક પ્રાઇવેટ નોકરી કરી રહ્યો છે. ત્યારે આ પરિવારને વ્યાજખોરોના ત્રાસથી દૂર કરવા પોલીસે મદદ કરી હોવાથી પરિવાર રાજકોટ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષમાં વ્યાજખોર સામે 117 ફરિયાદ થઇ

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરી ડામવા અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં 117 ફરિયાદ દાખલ કરી 326 આરોપીની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. ત્યારે આજે લોકદરબારમાં મોટી સંખ્યામાં આવેલા અરજદારોની અરજી વ્યાજખોરો સામે ક્યાં પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *