અમિતાભ બચ્ચનની રોલ્સ રોયસ કર્ણાટક પોલીસે જપ્ત કરી, ‘સલમાન ખાન’ કાર ચલાવતો હતો!

Posted by

અમિતાભ બચ્ચનની રોલ્સ રોયસ કાર બેંગુલુરુમાંથી કર્ણાટક ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ રવિવાર, 22 ઓગસ્ટના રોજ જપ્ત કરી હતી. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ રજિસ્ટ્રેશનના પેપર ચેક કરતું હતું અને આ સમયે યોગ્ય દસ્તાવેજો ના હોવાથી રોલ્સ રોયસ જપ્ત કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કુલ 7 કાર જપ્ત કરી હતી, જેમાં રોલ્સ રોયસ ઉપરાંત ઓડી, મર્સિડિઝ, જગુઆર, પોર્શે, રેન્જ રોવર સહિતની લક્ઝૂરિયસ કાર સામેલ હતી. આ કાર જપ્ત એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે કાર માલિક કારના ડોક્યુમેન્ટ્સ રજૂ કરી શક્યા નહોતા.

કર્ણાટક ટ્રાન્સપોર્ટ કમિશનર એન શિવ કુમારે કહ્યું હતું, ‘અમને ખ્યાલ નથી કે કોની કઈ કાર છે. ડ્રાઇવર્સ પાસે કારના દસ્તાવેજો નહોતા અને તેથી જ કાર જપ્ત કરવામાં આવી હતી. મોટર વ્હીકલ લૉ પ્રમાણે, વ્હીલક માલિક પાસે ન્યૂ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આટલું જ નહીં જો વ્હીકલ અન્ય રાજ્યમાંથી લેવામાં આવ્યું છે તો રોડ ટેક્સ ભર્યો તેની પણ રસીદ હોવી જરૂરી છે. જપ્ત કરેલી કારમાંથી કેટલીક કાર મહારાષ્ટ્ર તો કેટલીક પુડુચેરીમાં રજિસ્ટ્રર્ડ થયેલી હતી. આ કારના માલિકોએ કર્ણાટકમાં રોડ ટેક્સ પણ ભર્યો નહોતો. આ જ કારણથી રાજ્યને ઘણું નુકસાન થાય છે.

રવિવારે સ્પેશિયલ ચેકિંગ થયું

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે રવિવાર, 22 ઓગસ્ટના રોજ બેંગલુરુના પોશ એરિયા UB સિટી મોલ આગળ સ્પેશિયલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જપ્ત કરેલાં તમામ વાહનો બેંગુલુરુના નેલામંગલામાં આવેલી રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં મૂકવામાં આવ્યા છે. સાતમાંથી માત્ર એક કારનો માલિક દસ્તવાજો સાથે ઓફિસમાં આવ્યો હતો.

કર્ણાટકના એડિશનલ ટ્રાન્સપોર્ટ કમિશનર નરેન્દ્ર હોલકરે કહ્યું હતું કે જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે ડ્રાઇવર સલમાન ખાન રોલ્સ રોયસ ફેન્ટમ ચલાવતો હતો. તેણે માત્ર એક લેટર આપ્યો હતો અને તેમાં અમિતાભ બચ્ચનનો સાઇન કરેલો પત્ર હતો કે કાર તેમને વેચવામાં આવી છે.

સોમવારે રોલ્સ રોયસનો માલિક બાબુ સામે આવ્યો

સોમવાર, 23 ઓગસ્ટના રોજ રોલ્સ રોયસનો માલિક બાબુએ કહ્યું હતું કે 2019માં તેણે છ કરોડ રૂપિયામાં રોલ્સ રોયસ અમિતાભ બચ્ચન પાસેથી ખરીદી હતી. આ કારમાં પરિવાર રવિવારે ફરવા ગયો અને કાર ડ્રાઇવર સલમાન ખાન ચલાવતો હતો. ડ્રાઇવર પાસે કારના ઓરિજિનલ દસ્તાવેજો નહોતા. દસ્તાવેજો ઘરે પડ્યા હતા. વધુમાં બાબુએ કહ્યું હતું કે વાહનની ઓનરશિપ હજી સુધી ટ્રાન્સફર કરવામાં આવી નથી અને કાર હજી પણ અમિતાભ બચ્ચનના નામે છે.

2007માં અમિતાભને ગિફ્ટમાં મળી હતી

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘એકલવ્ય’માં અમિતાભે કામ કર્યું હતું. 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કામ કરવા બદલ વિધુ વિનોદ ચોપરાએ અમિતાભ બચ્ચનને વ્હાઇટ રંગની રોલ્સ રોયસ ગિફ્ટમાં આપી હતી. અમિતાભે યુસુફ શરીફ ઉર્ફે ડી બાબુને 2019માં આ કાર વેચી હતી. યુસુફ શરીફ ઉમરાહ ડેવલપર્સનો માલિક છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *