અંબાલાલ પટેલની આગાહી : ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આ તારીખે શરૂ થશે વરસાદ

ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલે સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું કે ઓગસ્ટના બીજા સપ્તાહામાં ચોમાસું જામી શકે છે. જ્યારે 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે.
ઓગસ્ટના બીજા સપ્તાહમાં જામશે ચોમાસું
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત સહિતના અનેક પથંકમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ હવામાન નિષ્ણાતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થતાની શક્યાતાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે સારા વરસાદના એંધાણ આપ્યા છે. તેમજ ખેડૂતોને ઓગસ્ટમાં વરસાદથી લાભ થશે તેવું પણ જણાવ્યું છે.
હવામાન વિભાગે કરી આ આગાહી
બીજી તરફ રાજ્યાના હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે ઓગસ્ટ અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી.
રાજ્યમાં હજી પણ વરસાદની ઘટ
જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિઝનનો 22.55 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે જ્યારે રાજ્યમાં 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ 7 ટકા ઓછો નોંધાયો છે.
ભારે વરસાદ માટે હજુ જોવી પડશે રાહ
અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.78 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.