હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૮ અને ૨૯ મેના રોજ વરસાદ થવાની શક્યતા હતી અને ત્યારબાદ ગરમીમાં પુનઃ વધારો થશે એમ આગાહીમાં જણાવ્યું હતું. પણ તાજેતરમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં હજું પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. આજે પણ રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદ વરસશે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્ય વરસાદ ક્યાંક ક્યાંક વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આજે રાજ્યના ઉત્તરના જિલ્લાઓ જેવા કે, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ક્યાંય કરા પડવાની શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે પાંચ દિવસની વરસાદની આગાહી પછી રાજ્યનું હવામાન પુનઃ સૂકું રહેશે. જોકે આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસું મધ્યમ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અને જ્યોતિષ શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે જૂન મહીનાની શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આગાઉ પણ તેમણે આગાહી કરી હતી કે મે મહીનાના અંતમાં વાવાઝોડું સક્રિય થશે અને વરસાદ આવશે, જે સો ટકા સાચું પડ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન પલટાશે અને ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
હવામાન વિભાગે રાજ્યભરમાં ગરમીમાંથી રાહતના સમાચાર આપ્યા છે. તેમના જણાવ્યાં પ્રમાણે આજે અમદાવાદ, જૂનાગઢ, મહિસાગર, નવસારી, મહેસાણા અને પોરબંદર જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી રહેવાની શક્યતા છે. જોકે આજે અમદાવાદ જિલ્લામાં ભેજનું પ્રમાણ ૪૬% રહેશે જેનાથી અમદાવાદની પ્રજાને બફારાનો અનુભવ થઈ શકે છે.
આજે આણંદ, બોટાદ, બનાસકાંઠા, જામનગર, કચ્છ અને પાટણ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી રહેશે. આજે પાટણ જિલ્લામાં ભેજનું પ્રમાણ ૪૩% રહેશે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ૪૪% ભેજવાળું વાતાવરણ રહેશે. આજે અમરેલી, ભાવનગર, સુરત અને વડોદરા જિલ્લામાં મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આજે છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મોરબી અને દેવભુમિ દ્વારકા જિલ્લાનું તાપમાન ૩૯ ડીગ્રી રહેવાની શક્યતા છે જ્યારે અરવલ્લી જિલ્લામાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે ભરૂચ અને તાપી જિલ્લામાં ૩૮ ડીગ્રી તાપમાન રહેશે. આજે રાજકોટ અને ડાંગ જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે.
આજે ૪૩ ડીગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ પ્રદેશ બનશે જ્યારે ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લામાં માત્ર ૩૫ ડીગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. આજે રોજ કરતાં રાજ્યના કેટલાંક ભાગોને બાદ કરતાં બધાં જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે. આજે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં વરસાદની આગાહીને પગલે ત્યાં હવામાનમાં ઠંડક રહેશે. જોકે ભારે પવનના કારણે રાજ્યના કેટલાંક ભાગોમાં ધૂળીયું વાતાવરણ રહી શકે છે.