ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ વરસાદ લાવી શકે છે અને બીજી તરફ તા. 20 જૂન આસપાસ ચોમાસુ બેસવાની આગાહી વચ્ચે રાજ્યના ખેડૂતોએ કૃષિ ઉત્પાદનની સૌથી મોટી ખરીફ ઋતુની વાવણી ઉત્સાહભેર શરુ કરી છે. ભીમ અગિયારસથી પ્રથમ સપ્તાહમાં 60.908 હેક્ટરમાં કપાસ અને 17,646 હેક્ટરમાં મગફળી તેમજ 19 હે.માં તુવેર, 25 હે.માં મકાઈ સહિત કૂલ 85,087 હેક્ટરમાં વાવણી કરાઈ છે જે લગભગ ગત વર્ષ જેટલી છે.
રાજ્યમાં કૂલ 85,000 હેક્ટર પૈકી 64,400 હેક્ટરનું વાવેતર માત્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 6000 હેક્ટર સામે કચ્છમાં ઉત્સાહપૂર્ણ 6500 હે.માં વાવણી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછું 1100 હે.માં વાવેતર થયું છે.
હજુ અષાઢી બીજથી આ વાવેતરમાં નોંધપાત્ર વધારો થશે. ઉલ્લેખનીય છે કે આગોતરા વાવેતરને જો અનુકૂળ વરસાદ મળે તો આ પાક બજારમાં વહેલો આવે છે જ્યારે ભાવ થોડા ઉંચાઈ પર હોય છે અને તેનો લાભ ખેડૂતોને મળી શકતો હોય છે.
શિયાળામાં રવિ પાક બાદ તા. 8 મે સુધીમાં ઉનાળુ પાક બાદ હવે કૃષિની મુખ્ય સીઝન રવિ પાક શરુ થઈ છે. આ ઋતુમાં ચોમાસા સુધીમાં ખેડૂતો રાજ્યમાં કૂલ સરેરાશ 86 લાખ હેક્ટર જમીનમાં મુખ્યત્વે મગફળી, કપાસ, દિવેલા, તલ, સોયાબીન, તુવેર, મકાઈ, ડાંગર, બાજરી, શાકભાજી વગેરેનું વાવેતર કરતા રહ્યા છે. માર્કેટમાં આ વર્ષે કપાસના ભાવ પ્રતિ મણ 1500- 1600 સુધી મળ્યા છે જે ગત વર્ષે રૂ।.2200થી 2800 સુધીના ભાવની સાપેક્ષે ઓછા પરંતુ, કૃષિમંત્રીએ જણાવ્યા મૂજબ પોષણક્ષમ ભાવથી વધુ છે. જ્યારે મગફળીનું 45 લાખ ટન ઉત્પાદન થવા છતાં પ્રતિ 20 કિલોએ રૂ।.1200થી 1500ના સારા ભાવ મળ્યા છે.