આજે રાત્રે સૂતા પહેલા જરૂર સાંભળો સ્વર્ગની નિસરણી ના સાત પગથિયાં જે ગાશે કે સાંભળશે વૈકુંઠ માં વાશ થશે

Posted by

મનુષ્યદેહ કેવો છે? સ્વર્ગ-નરકમાં જવાની નિસરણી-‘નીસેની’ છે. નિસરણી બંને કામ કરે. નીચેથી ઉપર લઈ જાય, ઉપર હોય એને નીચે લઈ જઈ શકે. એ દાદરો નથી. દાદરાને જડી દીધો હોય. એ સ્થિર બની ગયો હોય, નિસરણીને ગમે તે જગ્યાએ લઈ જવાય. માનવદેહ નિસરણી છે, ચલિત છે.

આપણો દેહ, બાપ, એક નિસરણી છે. હવે એનાથી ઊતરીને માણસ ધારે તો નરકમાં જઈ શકે, ધારે તો ઉપર ચઢીને સ્વર્ગમાં પણ જઈ શકે. અપવર્ગ એટલે મુક્તિ પણ પામી શકે. આ નિસરણી દ્વારા કેટલાયે સ્વર્ગમાં ગયા, કેટલાયે નર્કમાં ગયા ને કેટલાયે ભક્તિ કરીને મુક્તિ પામ્યા. ક્યાં મૂકવી એ આપણા હાથની વસ્તુ છે. આ નિસરણીનાં સાત પગથિયાં છે. જ્ઞાાન-વૈરાગ્ય બે ઊભા વાંસ-વળી છે.

પહેલું પગથિયું છે બાલકાંડ, બીજું અયોધ્યાકાંડ, ત્રીજું અરણ્યકાંડ, ચોથું કિષ્કિન્ધાકાંડ, પાંચમું સુંદરકાંડ, છઠ્ઠું લંકાકાંડ, સાતમું ઉત્તરકાંડ છે. બાલકાંડ એટલે નિર્દોષતા-ઉપયોગ કરવો હોય તો નિખાલસતા, નિર્દોષતા એ પહેલું પગથિયું છે. આપણે આપણી જાતને પૂછવાનું કે આપણે કેટલા નિખાલસ છીએ? કપટ કેટલું ભર્યું છે? બાલકાંડ એટલે બાળકની નિર્દોષતા. બાળકની જેમ નિખાલસ. બાળકને કપટ આપણે શિખવાડીએ છીએ, દોષી આપણે બનાવીએ છીએ. બાકી, બાળક બહુ નિર્દોષ હોય છે. નિસરણીનું પહેલું પગથિયું છે નિર્દોષતા, સ્વાભાવિક્તા, જેમ છે તેમ રહેવું.

બીજું પગથિયું છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડ એટલે સંયમ, મર્યાદા, આદર્શોની સમ્યક્ સમજ. ઘણા એને યુવાનીનો કાંડ પણ કહે છે. યુવાનોને ખાસ કહું કે જીવનમાં સમ્યક્તા રાખો. તમે ગીત ન ગાઓ, નાટક, સિનેમા, ટી.વી. સીરિયલો ન જુઓ એમ નહીં, પણ એમાં સમ્યક્તા હોય. ગમે તે ખાઓ, તમારો જઠરાગ્નિ એ માટે શું કહે છે એની સમ્યક્ સમજ હોવી જોઈએ. યુવાનીમાં બહુ મોટી જવાબદારી છે. યુવાનીમાં ઊર્જા બહુ સતેજ હોય એ વખતે એને બે કિનારામાં ન રાખવામાં આવે તો નદીની જેમ મન ફાવે ત્યાં વહી જાય. જીવન બરબાદ કરે. યુક્ત આહાર-વિહારની સમ્યક્ સમજ જેનામાં આવી ગઈ, એણે માનવ-નિસરણીનું બીજું પગથિયું પાકું કરી લીધું છે. હું જરૂરી હશે એટલું બધું કરીશ. બધામાં સમ્યક્ રહીશ. સમ્યક્ એટલે જેટલું જરૂરી, આવશ્યક હોય તેટલું કરવું. દસ લાડુ થાળીમાં હોય, બધા ખાઈ જઈએ તો માંદા પડીએ, એકે ન ખાઈએ તો ભૂખ્યા મરી જઈએ. એટલે જેટલી આપણી ભૂખ હોય એટલા બે-ત્રણ ખાઈ, બીજાને પ્રસાદ વહેંચી દઈએ. આનું નામ છે સમ્યક્ જીવન.

ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ. તપ અને સત્સંગ આ બે વસ્તુ છે. માણસે તપ કરવું. તપ એટલે જે પરિસ્થિતિ આવે એને હસતે મુખે સહન કરવાની તૈયારી. વરસાદ પડતો હોય તો છત્રી રાખો. વોટરપ્રૂફ રેનકોટ પહેરી લ્યો, છતાં પલળીએ તો બૂમો ન પાડીએ. આનું નામ તપ.

ચોથું પગથિયું છે મૈત્રી. એકબીજા માટે મૈત્રીભાવ, દુશ્મનભાવ નહિ, કારણ બધા આપણાં જ રૂપો છે. પ્રેમ જ પાપનો સંપૂર્ણ નાશ કરી શકે. માણસ ચોરી કરી શકે છે એનું કારણ એના પર પ્રેમ નથી. પ્રેમ હોય તો મારે નહિ, છેતરે નહિ. પ્રેમ હશે ત્યાં પાપ થઈ જ ન શકે. આ દેશ-દેશ વચ્ચે યુદ્ધ થાય જ નહિ. તો, એકવીસમી સદીનો મહામંત્ર છે પ્રેમ. અતિ પવિત્ર, અદ્ભુત શબ્દ પ્રેમ છે. બધા વચ્ચે મિત્રતા, પરસ્પર પ્રેમ રહે. પરિવારના સદસ્યો વચ્ચે. પાડોશ વચ્ચે, કોમ-કોમ વચ્ચે, દેશ-દેશ વચ્ચે મૈત્રી આવે તો અદ્ભુત પરિણામ આવે.

પાંચમું પગથિયું છે સુંદરકાંડ. વિચારને કાર્યાન્વિત કરવો એ. જે વિચાર આવે તેને કાર્યમાં મૂકવો. ક્રિષ્કિન્ધાકાંડમાં જેટલા લોકો છે, એ બધા વિચાર જ કરે. વિચાર બહુ કરે, કામ ન કરે. હનુમાનજી વિચાર કર્યા પછી લંકામાં પ્રવેશ કરે છે. વિચાર પણ કરે ને નિર્ણય પણ કરે. વિચાર અને કાર્યનો સમન્વય એ સુંદરકાંડ. માનવજીવન મળ્યું છે તો વિચાર કરવાનો, સમ્યક્ નિર્ણય પણ લેવાનો.

છઠ્ઠું પગથિયું લંકાકાંડ. માણસમાં નિખાલસતા હશે, સમ્યક્તા આવી હશે, માણસ સહન કરતો હશે, સત્સંગ કરતો હશે, બધાની સાથે મૈત્રી રાખતો હશે, વિચાર સાથે વર્તન પણ કરતો હશે. આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ આવશે. સોનાને જ અગ્નિમાં તપવું પડશે. બહુ મુકાબલો કરવો પડશે. એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો. શિવ-ઉપાસના, શિવભાવ, શિવકાર્ય સંઘર્ષમાં મદદ કરશે. શિવદૃષ્ટિ, શિવવિચારોથી સમાધાન પ્રાપ્ત થાય.

પૂર્ણ સમાધાન એ સાતમું ને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ છે. માનવ એ જ રામાયણનું કેન્દ્ર- લક્ષ્ય છે. સમગ્ર પ્રશ્નોના સમાધાન થઈ ગયા. આ નિસરણી આમ ચઢે તો સ્વર્ગમાં લઈ જાય, પણ ઊલટા ઊતરે તો નકરમાં જાય. નિર્દોષતાને બદલે કપટ, સમ્યક્તાને બદલે અતિરેક, તપને બદલે ભોગ, સત્સંગને બદલે કુસંગ, મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે. માનવશરીર સમાન કોઈ ઉત્તમ શરીર નથી. એ એક નિસરણી છે. એનાં સાત પગથિયાં આપણે જોયાં. ઉપર જઈશું તો સ્વર્ગ યા મુક્તિ મળશે, નીચે તરફ જઈશું તો નર્ક મળે. માનવ જે રીતે ધારે એ રીતે ગતિ પ્રાપ્ત કરી શકે. એ આપણા હાથમાં છે.

આ નિસરણીનો ઉપયોગ કરશે એને ત્રણ વસ્તુ મળશે. માનવદેહ દ્વારા જ્ઞાાનની પ્રાપ્તિ થઈ શકે. વૈરાગ્ય અર્જિત થઈ શકે. માનવદેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે.

નર તન સમ નહિં કવનિઉ દેહી ।

જીવ ચરાચર જાચત તેહી ।।

નરક સ્વર્ગ અપબર્ગ નિસેની ।

ગ્યાન બિરાગ ભગતિ સુભ દેની ।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *