આવતીકાલે પુણ્ય કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગંગા દશેરા | કરો આ 10 માંથી 1 વસ્તુનું દાન

Posted by

ગંગા દશેરો ક્યારે છે, જાણો તેના શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને આ દિવસે કરવામાં આવતા દાનનું મહત્વ.ગંગા દશેરાને ગંગા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગીરથની તપસ્યાના કારણે લોકોના કલ્યાણ માટે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા. આ વખતે ગંગા દશેરો 9 જૂન, ગુરુવારે આવી રહ્યો છે. જાણો આ દિવસ સાથે જોડાયેલી તમામ માહિતી, જે તમારા માટે મહત્વપૂર્ણ છે.

જેઠ મહિનાના સુદ પક્ષની દસમ તિથિને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગીરથ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે માતા ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા. માં ગંગાને મોક્ષદાયી માનવામાં આવે છે. માત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ વખતે ગંગા દશેરો 9 મી જૂને છે. ગંગા દશેરાના દિવસે ગંગાના ઘાટ પર વિશેષ સ્નાનનું આયોજન કરવામાં આવે છે અને માતા ગંગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સિવાય લોકો ગંગા દશેરાના દિવસે દાન કરે છે. જાણો આ દિવસનું મહત્વ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને દાન સંબંધિત તમામ બાબતો વિષે.

ગંગા દશેરાનું મહત્વ :

ગંગા દશેરાને ગંગા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ ગંગામાં સ્નાન કરે છે, તો તે વ્યક્તિને અનેક મહાયજ્ઞો સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે વ્યક્તિ ગંગા નદીના પાણીમાં ઉભા રહીને ગંગા સ્તોત્રનો પાઠ કરે છે અને જરૂરિયાતમંદોને દાન કરે છે તેના તમામ પાપ દૂર થઈ જાય છે.

ગંગા દશેરાના શુભ મુહૂર્ત :

જેઠ માસના સુદ પક્ષની દશમી તિથિ 9 મી જૂન 2022 ને ગુરુવારે સવારે 08:21 કલાકે શરૂ થશે અને 10 મી જૂને સવારે 07:25 કલાકે સમાપ્ત થશે. આ પછી એકાદશી તિથિ શરૂ થશે. ગંગા દશેરાનો તહેવાર 9 જૂને ઉજવવામાં આવશે.

ગંગા દશેરા પર વિશેષ સંયોગ બની રહ્યો છે :

આ વર્ષે હસ્ત નક્ષત્ર ગંગા દશેરા પર આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે માતા ગંગા પણ આ નક્ષત્રમાં પૃથ્વી પર અવતર્યા હતા. હસ્ત નક્ષત્ર 9 જૂને સવારે 4:31 વાગ્યે શરૂ થશે અને 10 જૂને સવારે 4:26 વાગ્યે સમાપ્ત થશે. આ ઉપરાંત ગંગા દશેરાના દિવસે સવારથી જ રવિ યોગ શરૂ થશે. દાન અને શુભ કાર્યોની દ્રષ્ટિએ રવિ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગંગા દશેરા પૂજા પદ્ધતિ :

આ દિવસે સવારે વહેલા ઉઠીને, રોજિંદા કાર્યોમાંથી નિવૃત્તિ લીધા પછી, ગંગા ઘાટ પર સ્નાન કરવા જાઓ. જો તમે આ કરી શકતા નથી, તો ઘરમાં સામાન્ય પાણીમાં ગંગાજળ નાખીને માં ગંગાનું સ્મરણ કરો અને સ્નાન કરો. જો તમે ગંગાના ઘાટ પર સ્નાન કરી રહ્યા હોવ, તો સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરો, ત્યારબાદ હર હર ગંગે બોલીને 10 વાર ડૂબકી મારો. આ પછી માં ગંગાની પૂજા કરો.

ગંગા પૂજામાં દરેક વસ્તુને 10 ની સંખ્યામાં રાખો, જેમ કે 10 દીવા, 10 ફૂલ, 10 સોપારી, 10 ફળ અને 10 પ્રકારના નૈવેદ્ય વગેરે માતા ગંગાને અર્પણ કરવા જોઈએ. પાણીમાં ઉભા રહીને ગંગા સ્તોત્ર અને ગંગા મંત્રનો જાપ કરો. આ પછી, ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદોને દાન કરો. જો શક્ય હોય તો 10 વસ્તુઓનું દાન કરો.

આ વસ્તુઓનું દાન શ્રેષ્ઠ છે :

જેઠ માસમાં ગરમી ચરમસીમા પર હોવાથી ઠંડી વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવસર પર સત્તુ (સાથવો), ઘડા, પંખો, શક્કરટેટી, ચંપલ, છત્રી, કપડા વગેરેનું દાન કરો. આ સિવાય તમે લોટ, દાળ, મીઠું, ચોખા, ઘી, શાકભાજી વગેરેનું પણ દાન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *