દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમને 9થી 10 કલાકની જોબ કરનારા વર્ગમાં તો માઈગ્રેન પણ જોવા મળે છે. આ માથાના દુખાવાનો ઈલાજ સમયસર ન કરવામાં તો તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. માથાના દુખાવામાં વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો આ રહ્યો તેનો જવાબ. આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો દુર થઈ શકે છે.
સ્ટ્રેચિંગ
સામાન્ય રીતે તણાવના કારણે માથામાં દુખાવો રહ્યા કરે છે. હકીકતમાં આ માંસપેશિઓમાં થતા તણાવ અને થાકના કારણે થાય છે. તેથી જો તમને માથામાં દુખાવાના કારણે વધુ તણાવનો અનુભવ થતો હોય તો રોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી નેક સ્ટ્રેચ અને શોલ્ડર સ્ટ્રેચ એક્સરસાઇઝ કરો.
નેક સ્ટ્રેચ
પહેલા તમારી ગરદનને ડાબી તરફ સ્ટ્રેચ કરો પાંચ સેકન્ડ તે પરિસ્થિતિમાં રહો ત્યાર બાદ ફરી ૫ સેકન્ડ બાદ પોઝિશન બદલો. આ રીતે ડાબી અને જમણી બાજુ સ્ટ્રેચ કર્યા પછી આ ક્રિયા 10 વખત કરો.
શોલ્ડર સ્ટ્રેચ
તમારા ખભાને ઊંચા ઉઠાવીને ૫ સેકન્ડ સુધી તે જ પરિસ્થિતિમાં રહો, ત્યાર બાદ રિલેક્સ થાઓ અને ખભાને ધીમેથી નીચેની તરફ સ્ટ્રેચ કરીને આ પ્રક્રિયા ફરીથી કરો. આ એક્સરસાઇઝ કર્યા બાદ થોડીવાર આરામ કરો અને પ્રત્યેક સ્ટ્રેચની વચ્ચે ૨ થી ૫ મિનિટનો સમય રાખીને આરામ કરો.
આઇસ પેક
સામાન્ય રીતે માઇગ્રેઇન તમારા માથામાં ફેલાયેલી રક્ત વાહિનીઓના કારણે થાય છે. આનાથી રાહત મેળવવા માટે તમે આઇસ પેકનો ઉપયોગ કરો અને તેને કાનપટ્ટી પર લગાવો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.
આદુ અને લીંબુ પાણી
આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે, એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો. તે હૂંફાળું થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે. જો તમે પી ન શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાસ લો.
ફુદીનાના પાન
ફુદીનામાં મેન્થોલ અને મેથોન હોય છે, જ્યારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાના પાનને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો, અને તેને માથા પર લગાવો, તેનાથી કુલિંગનો અનુભવ થશે સાથે માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે.
તુલસીના પાન
તુલસીના પાનને ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.
લવિંગ
જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.