Best Insurance Scheme
તમે કોઈપણ કંપનીનો વીમો લો છો તો સાથે સાથે તમારે ભારે ભરખમ પ્રીમિયમ પણ ભરવું પડતું હોય છે. ક્યારેક પ્રીમિયમ નિયત સમય મર્યાદા કરતાં ચૂકી જવાય તો પેનલ્ટી પણ લાગતી હોય છે. પણ ગરીબ લોકો પોતાનો વીમો પણ નથી કરાવી શક્તા અને મોટાં મોટાં પ્રીમિયમ પણ નથી ભરી શક્તા. આવા લોકો માટે સરકારે એક વીમા યોજના બહાર પાડી છે. આ યોજના એટલે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY).
શું છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(PMJJBY)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એટલે એક એવી યોજના ભારતના દરેક નાગરિકને અને ખાસ કરીને ગરીબ લોકોને વીમાનું રક્ષણ પૂરું પાડે છે. આ યોજનામાં કોઈપણ વ્યક્તિ ૩૩૦ રૂપિયા જેટલી સામાન્ય રકમથી પોતાનું ખાતુ ખોલાવી શકે છે અને પોતાના પરિવારને વીમા રક્ષણ પૂરું પાડીને નિરાધાર થતાં બચાવે છે. આ યોજનામાં રૂપિયા ૨ લાખ સુધીનું વીમા કવરેજ મળે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(PMJJBY)ના ફાયદા
• દેશનો કોઈપણ નાગરિક આ યોજનામાં ખાતુ ખોલાવીને વીમાનો લાભ લઈ શકે છે.
• આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી. અમીર હોય કે ગરીબ કોઈપણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
• દેશની દરેક બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ છે.
• વર્ષમાં એક જ વાર માત્ર ૩૩૦ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું છે.
• વીમા ધારકના મૃત્યુબાદ તેના નોમિની અથવા પરિવારજનોને રૂપિયા ૨ લાખ સુધીનું વીમા કવરેજ મળે છે.
• આ વીમો લેવા માટે કોઈ જ પ્રકારના તબીબી પરિક્ષણની જરૂર નથી.
• ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરનો કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.
કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• તમે જે વર્ષે ૩૩૦ રૂપિયા પ્રીમિયમ ભરશો તે વર્ષે જ તમને વીમાનો લાભ મળવાપાત્ર છે. એટલે કે આ વીમા પોલિસીની મુદલ એક જ વર્ષની હશે.
• જો તમારે વધારે વર્ષો માટે આ યોજનાનો લાભ લેવો હોય તો બેંક દર વર્ષે તમારા ખાતામાં ૩૩૦ રૂપિયા કાપીને તમને આ યોજનાની ટર્મ રિન્યુ કરી આપશે.
• જો તમારે એમ ન કરવું હોય તો તમારે જાતે જ દર વર્ષે બેંકમાં ૩૩૦ રૂપિયાનું પ્રીમિયમ ભરીને યોજનાની ટર્મ રિન્યુ કરવી પડશે.
• તમે જે તારીખે વીમાનું પ્રીમિયમ ભરશો તે તારીખથી તમારી વીમાની ટર્મ શરૂ થયેલી ગણાશે.
• આખા વર્ષમાં ગમે તે તારીખે પ્રીમિયમ ભરો, તમારી વીમા પોલિસીની ટર્મ તારીખ ૩૧ મે સુધી જ ગણાશે.
• આ યોજનામાં દર વર્ષે તારીખ ૧ જુને પ્રીમિયમ ભરીને યોજનાનું નવિનીકરણ કરી શકાય છે.
• આ વીમા પોલિસીની મુદત વીમાધારકની ૫૫ વર્ષની ઉંમર સુધી જ ગણાશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(PMJJBY)માં ખાતુ કઈ રીતે ખોલાવશો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(PMJJBY)માં ખાતુ ખોલાવીને પોતાના પરિવારને વીમા સુરક્ષા પૂરી પાડવા માંગતા અરજદારોએ આ ખાતુ ખોલાવવા માટે પોતાની નજીકની કોઈપણ અધિકૃત બેંકનો સંપર્ક કરવો. બેંકમાં જઈને એક સાદું ફોર્મ અને પ્રીમિયમની રકમ જમા કરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.