આજથી 5 દિવસ માવઠાં વરસશે:અડધા ગુજરાતમાં કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડશે, અમદાવાદમાં સવારથી વાદળિયું વાતાવરણ

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જોર યથાવત્ રહેશે. આજે રાજ્યમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ પડશે. તો 16 અને 17 માર્ચે દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. જ્યારે 18 અને 19એ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 30-40 કિમીની ગતિએ પવન ફૂંકાશે. અમદાવાદના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે અને વાદળિયું વાતાવરણ થઈ ગયું છે.
અમદાવાદ શહેરના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું.



સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી મંગળવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં વાદળિયું વાતાવરણ રહ્યું હતું. તેમ છતાં રાજ્યનાં 4 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી અને 7 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ રહેતા લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતીઆગામી 24 કલાક દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે 16 અને 17 માર્ચના રોજ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમી ઘટવાના સંકેત હવામાન વિભાગે દ્વારા પ્રાપ્ત થયા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે કેટલાક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.



